અવિવેકનાં માઠાં પરિણામ

જ્યારે આપણી સમક્ષ અનેક સમસ્યાઓ તથા અલગ અલગ મતમતાંતરો ઊભાં હોય છે ત્યારે કયો મત આપણા હિતમાં છે, કયો નુકસાનકારક છે, કોણ સાચું છે અને કોણ ખોટું છે એ નિર્ણય કરવો મુશ્કેલ છે. આ અવસ્થામાં વિવેક જ આપણને માર્ગદર્શન આપી શકે છે. જેનામાં વિવેક ઓછો હોય તે આવા અણીના સમયે સાચો રસ્તો અપનાવી શકતો નથી અને ખોટા રસ્તે ફસાઈ પતન અને નિષ્ફળતાની ખીણમાં પડી લજ્જિત અને અપમાનિત થાય છે. જેનામાં વિવેક વધારે છે તે દૂરનું વિચારે છે. પોતાના વિચારોનું મહત્ત્વ સમજે છે અને એટલા માટે સાચો રસ્તો અપનાવે છે. આ શકિત સાધારણ વ્યકિતને નેતા, મહાત્મા તથા યુગપુરુષ બનાવે છે.

પ્રત્યેક વ્યકિતમાં જન્મથી જ વિવેક હોય છે. તેના પર આપણાં સંચિત અને ક્રિયમાણ કર્મોની છાયાનો પ્રભાવ પડેલો હોઈ તે કોઈકમાં વધારે તો કોઈકમાં ઓછો દેખાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આપણે આપણાં સંચિત અને ક્રિયમાણ કર્મોથી એટલા બધા પ્રભાવિત થયેલા હોઈએ છીએ કે આપણને આપણા વિવેકનો અવાજ સંભળાતો નથી. આ વિવેક આપણી વાસ્તવિક માનવતાનું પ્રતીક અને સદ્ગુદ્ધિનો દ્યોતક છે. તેના અભાવમાં માનવી પશુ કરતાં પણ નીચ બની જાય છે અને  તે પોતાને માટે, સમાજને માટે, રાષ્ટ્રને માટે અને છેવટે આ સંસારને માટે ભારરૂપ અને શાપરૂપ બની જાય છે.

માનવ હોવાને લીધે આપણું પ્રાથમિક કર્તવ્ય છે કે આપણે આ વિવેકને જગાડીએ અને તેનો અવાજ સાંભળવાનું શીખીએ, સંસારમાં નાનામાં નાની અને મોટામાં મોટી કોઈ પણ વ્યક્તિ તેની કૃપા માટે સદાય તલસ્યા કરે છે.

આનાથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે પોતાના વિવેકનું સદા રક્ષણ કરવું માનવી માટે પરમ આવશ્યક છે. કોઈ સ્વાર્થ માટે પણ વિવેકનું ખૂન કરવાથી તેની સજા ભોગવવી પડે છે. વ્યકિતગત વિષય હોય કે સામાજિક અથવા રાજનૈતિક કે ધાર્મિક પ્રશ્ન હોય, પરંતુ આપણે વિવેકયુકત નિર્ણયનો હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ. ‘“બાબા વાક્ય પ્રમાણે ”માની લેવાથી માનવીની બુદ્ધિ બગડી જાય છે અને તે ખોટા રસ્તે ચાલવા માંડે છે. એટલે પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ વિષય હોય, આપણે યોગ્યતા-અયોગ્યતા, સત્ય કે અસત્યનો પૂરો વિચાર કરીને જ તેનો નિર્ણય કરવો જોઈએ.

વિવેક અને માનસિક ગુલામી

વિવેકના અભાવમાં માનવી પરાવલંબી બની જાય છે. તે પોતાને બધી રીતે અયોગ્ય માને છે. તેના હૃદયમાં સામાન્ય રીતે આ જ વિચારો આવ્યા કરે છે કે જે કંઈ મારા વડવાઓ કરી ગયા છે, જે કંઈ આપણા સમાજના મોટા લોકો કરી રહ્યા છે તેમનાથી વધારાનું હું શું કરી શકવાનો હતો ? આપણે તો શકય હોય ત્યાં સુધી તેમનું અનુકરણ કરવું જોઈએ. આવી મનોવૃત્તિથી માનસિક દુર્બળતા ઊભી થાય છે અને ઉન્નતિનો માર્ગ અવરોધાય છે.

માનસિક ગુલામી તમામ પ્રકારની ગુલામીઓની માતા છે. જ્યારે શરીરને ચલાવનાર મન સ્વયં અશકત હોય તો શરીરનો અણુએ અણુ પાંગળો બની જશે. તેની શકિતને બહાર પ્રદર્શિત કરવાનો કોઈ ખાસ રસ્તો નથી, કોઈ ખાસ પ્રયોજન પણ નથી. તે એક એવી હોડી છે, જે મન ફાવે તેમ ઘૂમ્યા કરે છે.

સમસ્ત માનવજીવન ભાવનાઓના આધારે ચાલે છે. આ ભાવો પ્રમાણે આપણી મૂળ પ્રવૃત્તિઓ ચાલે છે. ભાવના મનમાં ઉદ્ભવે છે. તેની ઉચ્ચ કક્ષા અથવા હીન કક્ષા માત્ર મનની પ્રેરકશકિત પર જ આધારિત છે.

મન ભૂલું-પાંગળું બની જતાં આત્મા જડ કરતાં પણ વધારે નિષ્ક્રિય થઈ જાય છે. તેની મહત્ત્વાકાંક્ષાઓ નિરંતર ઘટતી જાય છે, આશાઓના મિનારા તૂટી પડે છે. માનવી પોતે શું છે ? તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? કઈ દિશામાં પોતે જવાનું છે ? એ કંઈ જાણી શકતો નથી. ગુલામીની જંજીરોમાં જકડાયેલું મન પોતાનો અને તે ધરાવનાર માનવીનો સર્વનાશ નોતરે છે.

આપણે બીજાને બીકણ જોઈ મનમાં માનીએ છીએ કે આપણે પણ આવા ડરપોક થવું જોઈએ. મનુષ્યનું વાસ્તવિક રૂપ જ આ છે. આપણે તે પ્રમાણેનું વિકૃત વાતાવરણ ચારે બાજુએ જોઈએ છીએ. કડવા અનુભવોને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણે જાતે વિચારશક્તિનો ઉપયોગ ન કરતાં વિચારની ગતિને જ પાંગળી બનાવી દઈએ છીએ. આપણે જાતે માનસિક

કિતનો ઉપયોગ ન કરીને બીજાને પણ તેમ કરવા પ્રેરણા આપીએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણા વડવાઓ જે કરી ગયા છે, જે આપણા નેતાઓ કરી રહ્યા છે, જે આપણા બીજા ભાઈઓ કરી રહ્યા છે તે જ આપણે પણ કરવું જોઈએ. આપણે આપણા વાતાવરણમાંથી ગુલામી જ એકઠી કરી રહ્યા છીએ. મનમાં કચરો, કાંકરા, પથરા વગેરે જ ભર્યા કરીએ છીએ. એટલે મનનું વાતાવરણ દૂષિત થઈ જાય છે. આપણો સમાજ, કયારેક આપણું ઘર, કયારેક આપણું વાતાવરણ અથવા ધંધો રોજગાર આપણને માનસિક ગુલામ બનાવવામાં મદદરૂપ બની જાય છે અને આપણે સાવ ફેંકાઈ જઈએ છીએ. કૃત્રિમ સાધનો દ્વારા મનનો વિકાસ રૂંધાઈ જાય તે માનસિક ગુલામી જ છે.

આપણે માનસિક ગુલામીને, એક મનોવૈજ્ઞાનિક રોગ માની શકીએ છીએ. કેટલાક પ્રકારના ભ્રમ, ખરાબ કલ્પનાઓ, નિરાશા, નિરુત્સાહ, આશંકાઓ વગેરે મનઃક્ષેત્રમાં આપણા આત્માને હીન બનાવતી જટિલ ગ્રંથિ ઉત્પન્ન કરી દે છે. કાળક્રમે આ ગ્રંથિ અત્યંત શકિતશાળી બની જાય છે અને રોજબરોજનાં કાર્યોમાં તેનો પ્રભાવ પડે છે. આપણું ડરપોકપણું લગભગ આ ગ્રંથિનું જ પરિણામ છે. અનેક ખોટા સંસ્કારો યાદદાસ્તમાં સંઘરાયેલા રહે છે. અગાઉની નિષ્ફળતાઓ તથા કડવા અનુભવો અવ્યકત મનમાંથી ચેતન મનમાં પ્રવેશ કરે છે અને તક મળતાં બહાર આવે છે. જેવી રીતે ઝીણા કાપડમાંથી પ્રકાશનાં કિરણો ચળાઈને બહાર આવે છે તે રીતે આત્મહીનતા અને ગુલામીની ગ્રંથિઓની ઝલક પ્રત્યેક કાર્યમાં પ્રગટ થઈ તેને નિષ્ફળ બનાવી દે છે. કયારેક માનવીની શારીરિક નબળાઈ, કમજોરી, દુઃખ, રોગ, સામાજિક પરિસ્થિતિઓ, ગરીબી, દેશકાળની કમજોરી આ માનસિક ગુલામી વધારી દે છે. ભારતમાં માનસિક ગુલામીનું કારણ અંધકારમય વાતાવરણ અને પાશવી વૃત્તિઓનો અનાચાર છે. સમય સમય પર દેશમાં થતાં આંદોલનોથી માનસિક ગુલામીમાં વધઘટ થયા કરે છે.

હાલના સમયમાં આપણો ધર્મ માનસિક ગુલામીનો મિત્ર બની ગયો છે. પ્રત્યેક તત્ત્વને સમજવા તથા મનન કરવા પરમાત્માએ માનવીને મન આપ્યું છે. તે વિચારી સમજીને દરેક વસ્તુનો ઉપયોગ કરે, આંધળાની જેમ તે ન વાપરે એ તે તેના જ હિતમાં છે. ધર્મના વર્તમાન રૂપે માનવીને અત્યંત સંકુચિત તથા ડરપોક, બનાવી દીધો છે. ગ્રંથો, કલમા, જાદૂ, તીર્થ વગેરે કેટલીયે આફતો માનવમન પર સવાર થયેલી છે. આ ધાર્મિક શૃંખલાઓને લીધે તે અવિચળ બની જાય છે. હજારો માનવીઓ તેની ટીકા કરવા તૈયાર છે. છેવટે તે બિચારો બીજાનું અનુકરણ કરતો થઈ જાય છે. અબુધ પ્રાણીઓ માટે અનુકરણ વાજબી છે, પણ વિવેકશીલ માનવીને આ જંજીરોમાં જકડી દેવાથી તેના મનઃક્ષેત્રમાં જબ્બર ઊથલપાથલ થઈ જાય છે. આ રીતે માનસિક ગુલામી ઉત્પન્ન થાય છે.

જ્યારે મન ઉત્તમ અથવા અધમનો વિવેક ન જાણી શકે તો તેને ગુલામ જ ગણવું પડે. તે સ્વચ્છંદતાથી પોતાનું કામ કરતું રહેશે. જો માનવમન સ્વતંત્ર રૂપે વિવેક્ની તાકાત ન રાખી શકતું હોય તો તે બીજી કોઈ શક્તિના વશમાં જ રહેશે. મનનો જો પોતાની જ શકિત પરનો અંકુશ છૂટી જાય તો તે કોઈ બીજી શકિતના અંકુશમાં ચોક્કસ આવી જશે.

જો કોઈ નાના છોડને એક બાટલીમાં બંધ કરી દઈએ અને ઉપરથી બાટલી ખુલ્લી રાખીએ તો તે ધીમે ધીમે ઊંચે ને ઊંચે વધવા લાગશે. તેને ડાળખીઓ કાઢવાની તથા આજુબાજુ ફેલાવાની કોઈ તક જ નથી, તેને એક સંકુચિત વાતાવરણમાં રાખવામાં આવ્યો છે. આ રીતે જો આપ કૂવામાંના દેડકા જેવા રહેશો તો તમારા મનનો વિકાસ રૂંધાઈ જશે. તે એક જ તરફ વધ્યા કરશે અને તેનામાં સહૃદયતા,દયા, સત્યવાદીપણું, નીડરતા તથા નિર્ણયશકિતની ઊણપ જ રહેશે. મનને નાના ચોકઠામાં બંધ રાખવાથી માનવી પાસે તમામ વૈભવ હોવા છતાં તે અંતર્વેદનાથી દુ:ખી રહેશે. તેનામાં આત્મસન્માન આવી શકશે નહીં.

મનને સ્વતંત્રતા આપો. તેને ચારે બાજુ ફેલાવાની તક આપો. માનસિક સ્વતંત્રતાથી જ માનવીમાં દૈવી ગુણો આવે છે. મનને તેની મરજી પ્રમાણે વિચારવાની, મનન કરવાથી છૂટ આપો તો તે તમારો સાચો મિત્ર, માર્ગદર્શક બની જશે. તે હલકટ ભોગેચ્છાથી સંતોષાશે નહીં, તે અન્ય વ્યકિતઓની દયા પર પણ આધાર રાખશે નહીં. માનસિક સ્વાતંત્ર્ય મળતાં જ માનવીનો સંસાર પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. માનસિક સ્વચ્છંદતા વિના માનવી ખુશખુશાલ રહી શકતો નથી.

કલ્પના કરો કે તમારે નજીવી વાતોમાં બીજી વ્યકિતઓના ઈશારે જ નાચવું પડે છે. આપ સહેજ પણ પોતાનો વિચાર પ્રગટ કરવા જાવ છો અને આપને સખત ઠપકો મળે છે. આથી આવી સ્થિતિમાં મન પરિપકવ થઈ શકે નહીં. તેની સમગ્ર મૌલિકતા નાશ પામે છે. તેનું મન માનવીનો શત્રુ અને તેની ઉન્નતિમાં અડચણરૂપ બની જાય છે.

માનસિક તંદુરસ્તીનું મુખ્ય સાધન છે – શિક્ષણ, જે મનને શિક્ષણ મળતું નથી તે થોડોઘણા અનુભવનો ઉપયોગ કરી નજીવા વિકાસ બાદ અટકી જાય છે. મનની બધી શકિતઓ તર્કશકિત, સરખામણીશકિત, સ્મરણશકિત, લેખનશકિત, કલ્પનાશકિત વગેરે વિકાસ પામે તે રીતે મનનું શિક્ષણ હોવું જોઈએ. આપણે આપણી ઈચ્છા અનુસાર આ બધી શકિતઓ વધારી શકીએ છીએ એમાં સહેજ પણ શંકા નથી. માત્ર યોગ્ય શિક્ષણની જરૂર છે. એવું શિક્ષણ મળવું જોઈએ, જેનાથી માનવીનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે અને તે રૂઢિઓનો ગુલામ ન બની રહે, નહીં તો માનસિક ગુલામીનું ભયંકર પરિણામ આવશે.

બીજું સાધન છે : અનુકૂળ મિત્રો અને પરિસ્થિતિઓ. જે પરિસ્થિતિઓમાં માનવી રહે છે તેને અનુરૂપ જ માનસિક શકિતઓ જાગૃત થાય છે. જે માનવીના કુટુંબમાં કવિઓ વધારે પ્રમાણમાં હોય તે પોતે પણ કવિ બને છે. કવિતા પ્રત્યે તેને વધારે રુચિ રહે છે. લીલાં પાદડાંમાં રહેતા કીડા લીલા રંગના જ થઈ જાય છે. એટલા માટે સારાં પુસ્તકોના સંગમાં રહો, વિદ્વાનો સાથે દલીલો કરો, શંકાઓનું સમાધાન કરો.

ત્રીજું સાધન છે. માનસિક કસરત. જે રીતે નિયમિત વ્યાયામથી આપણું શરીર સુદઢ રહે છે તે રીતે માનસિક વ્યાયામથી મન તંદુરસ્ત રહે છે. એકાગ્રતાનો અભ્યાસ અપૂર્વ શકિત આપે છે. દુઃખ એ વાતનું છે કે એકાગ્રતા ખાસ જરૂરી હોવા છતાં કેટલાયે લોકો જીવનમાં તેને મહત્ત્વ આપતા નથી. જો દૃઢ એકાગ્રતાવાળી વ્યકિતનો તમને ગાઢ પરિચય હશે તો તમને અનુભવ થશે કે તે પર્વતની જેમ અવિચળ બની કામ કરતી હોય છે. તમે તેને છોડી દો, ગમે તે કરો, પણ તે ડગશે નહીં. આનું નામ દૃઢ એકાગ્રતા છે. આનાથી મન વશમાં આવી શકે છે. મન અભ્યાસનું ગુલામ છે. જેમ જેમ તમારો અભ્યાસ વધશે તેમ તેમ એકાગ્રતા વધશે.

ચોથું સાધન છે આંતર્દષ્ટિ. તમે સમાજની રૂઢિઓ અને કહેવાતા નેતાઓના ગુલામ ન બનો. ધર્મની રૂઢિ અને ધર્માચાર્યોની શેહમાં ન તણાઓ, પરંતુ તમારી મૌલિકતા વધવા દેશો તો ન કોઈ મુલ્લાં, ન કોઈ પંડિત કે ન કોઈ રાજ્ય દ્વારા ફેલાયેલી કુસંસ્કારોની જાળ તમને ઉચ્ચ દૈવી ભૂમિકાથી હઠાવી શકશે. જો તમે મનની ઉચ્ચ ભૂમિકામાં રહેતા હશો તો તમને સાચું પ્રેરકબળ મળશે.

વિશ્વમાં સૌથી મહાન કાર્ય મનની શક્તિને વધારવાનું છે. તમારો અંદરનો પ્રદેશ અપાર તથા અનંત છે, અભ્યાસ તથા મનન દ્વારા તમે તમારી કુદરતી શક્તિ મેળવી શકો યાદરાખો, તમારેતમારો વિકાસ કરવાનો છે. ઓછું જાણનારા તથા સત્ત્વહીન બની રહેવાનું નથી. પોતાના સામર્થ્યમાં વિશ્વાસ અને શ્રધ્ધા રાખતાં શીખો. હંમેશાં આંતરિક મનની ભાવનાઓ પ્રત્યે ધ્યાન આપો. એ ન વિચારશો કે મારે તો આટલા જ વિકસિત થવું છે, પરંતુ એમ વિચારો કે હવે વિકસિત થવાનો, વધવાનો સાચો સમય આવી ગયો છે. તમારી વિશાળતા અને અતુલ સામર્થ્યનું ચિંતન કરો. માનસિક ગુલામીમાંથી છુટકારો મેળવો અને વિવેકથી કામ લઈ સંસારમાં વિજયી યોદ્ધાની જેમ જીવન ગુજારો.

વિવેકથી જ ધર્મનો નિર્ણય થઈ શકે છે

ધર્મ શબ્દ ઘણો વિશાળ છે. પરદેશોના વિદ્વાનોની વ્યાખ્યાઓ છોડી દઈએ તો પણ આપણા દેશના જ પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોએ ધર્મની અગણિત વ્યાખ્યાઓ કરી છે. અજ્ઞાનતાને કારણે હાલના સમયમાં આપણા દેશના સામાન્ય લોકોમાં એવો ભ્રમ ઘૂસી ગયો છે કે શાસ્ત્ર નામનાં જેટલાં પુસ્તકો તથા ગ્રંથો છે તેમાં જે કંઈ કહેવા લખવામાં આવ્યું છે, છાપવામાં આવ્યું છે તે જ ધર્મ છે, પણ અગાઉ હું બતાવી ચૂકયો છું કે શાસ્ત્રોની રચના અલગ અલગ કાળમાં પરિસ્થિતિ અનુસાર થતી રહી છે. એટલે સ્વાભાવિક રીતે તેમાં અનેક પ્રકારના વિરોધાભાસ જોવા મળશે. આ સિવાય કેટલાય વિદેશી લોકોએ પાછલાં દોઢ-બે હજાર વર્ષોમાં ખાનગી રીતે પોતાને લાભદાયક વાતો પ્રાચીન શાસ્ત્રોમાં ભેળવી દીધી છે. માનવોની આ પ્રવૃત્તિને સમજીને આપણા પૂર્વજોએ સ્પષ્ટ કહી દીધું હતું કે ધર્મ અધર્મનો નિર્ણય કરવા શાસ્ત્રોનાં પ્રમાણોની સાથે સાથે પોતાની વિવેકબુદ્ધિથી કામ લેવું જરૂરી છે અને જયાં શાસ્ત્રની વાતો વિવેકબુદ્ધિ સાથે સ્પષ્ટ રીતે અસંગત હોય ત્યાં તેમનો અસ્વીકાર કરવો જોઈએ. માનવીનો આત્મા, પરમાત્માનો અંશ છે અને તે બધે બધા જ પદાર્થોમાં સમાયેલો છે. એટલા માટે માનવી જો પોતાના આત્માને નિર્મળ બનાવી તેની શકિત એટલે કે વિવેક દ્વારા વિચારે તો ચોક્કસ તે સત્યધર્મનો નિર્ણય કરી શકશે. ઉપનિષદોમાં કહેવામાં આવ્યું છેઃ

બ્રહ્મ સર્વમાવૃત્તય તિષ્ઠતિ બ્રહ્મેવ સર્વાણિ નામાનિ સર્વાણિ રૂપાણિ સર્વાણિ કર્માણિ બિભર્ત્તિ । સોઽયમાત્મા સર્વાનુભૂઃ ॥

એટલે કે બધા પદાર્થોને ઘેરી લઈને, લપેટીને બ્રહ્મ બેઠો છે. બધાં નામ, બધાં કામ, બધાં રૂપ તે એક બ્રહ્મનાં જ “હું” છે. તે આત્મા ‘“હું”” બધા અનુભવોનો અનુભવ કરનારો છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે

સ સર્વધીવૃત્તયનુભૂત સર્વ । શ્રદ્ધસ્વાનનુભૂતોડર્થો ન મનઃ સપૃષ્ટુમર્હુતિ ।  (ભાગવત)

યસ્મિન્ દેશે કાલે નિમિત્તે ચ યો ધર્મોડનુષ્ઠીયતે । સ એવ દેશકાલનિમિતાંતરેષ્વધર્મો ભવતિ ।

– શાંકર-શારીરિક ભાષ્ય ૩-૧-૨૫.

એટલે કે અધિકારીના ભેદથી ધર્મમાં ભેદ થાય છે. દેશ, કાળ, નિમિત્તના ભેદથી ધર્મમાં ભેદ થાય છે. જે સ્થળે ઊભા થઈ જોઈ રહ્યા છો તે સ્થળ બદલવાથી દર્શન એટલે કે દૃશ્યનું રૂપ બદલાઈ જાય છે. જે એક દેશ, કાળ, પાત્ર, નિમિત્ત અને કર્મથી કોઈ એક માનવી માટે ધર્મ છે, તે બીજા માનવી માટે બીજા દેશ, કાળ, પાત્રતા, નિમિત્ત અને કર્મવિશેષ માટે અધર્મ હોઈ શકે છે. માત્ર એક બે ગ્રંથો વાંચી લેવાથી ધર્મનો ખ્યાલ આવે નહીં. અનુકૂળ પરિસ્થિતિઓમાં એક ધર્મ હોય, તો પ્રતિકૂળમાં બીજો પણ હોય.

જે બાળકોને માટીનાં રમકડાં ખૂબ ગમે છે તેમને ભૂમિતિ કે બીજગણિત ભણાવવાનો પ્રયત્ન કરવો નકામો છે. આ દશા મઠોની, સંપ્રદાયોની તથા પંથોની છે, “ મુંડે મુંડે મતિર્ભિન્ના ભિન્નરુચિહિઁ લોક : ।” જયારે બાળપણ પૂરું થશે ત્યારે માટીનાં રમકડાં આપોઆપ છૂટી જશે અને બીજા પ્રકારનાં રમકડાંમાં મન લાગી જશે.

અપ્સ દેવા મનુષ્યાણાં દિવિ દેવા મનીષિણામ બાલાનાં કાષ્ઠ લોષ્ઠેષુ બુધસ્યાત્મનિ દેવતા । ઉત્તમા સહજાડવસ્થા દ્વિતીયા ધ્યાન ધારણા તૃતીયા પ્રતિમા પૂજા, હોમયાત્રા ચતુર્થિકા ।

એટલે કે બાળકોના દેવતા લાકડાં અને પથરામાં, સાધારણ મનુષ્યોના દેવ પાણીમાં, વિદ્વાનોના આકાશમાં, જ્ઞાનવાન તથા બુદ્ધિમાનનો દેવ આત્મા જ છે. સહજ અવસ્થા એટલે કે દૃશ્ય સંસારને જ પરમાત્માનું રૂપ માનવું એ ઉત્તમ અવસ્થા છે. વિશેષ ધ્યાનધારણા કરવી એ સહેજ ઊતરતી બીજી કક્ષા છે. પ્રતિમા-ચિહ્નપૂજા ત્રીજી કોટિ છે અને હોમ અને યાત્રા એ ચોથી કોટિ છે.

બાળબુધ્ધિવાળા જીવ, જેમની બુદ્ધિ સદાય બહિર્મુખી છે, તેમ જ જે ઈન્દ્રિયલોલુપ લોકો છે એમણે લાકડા-માટીની પ્રતિમાઓથી જ સંતોષ માનવો. આ બહિર્મુખ માયારોગ માનવીમાં એવો વધ્યો છે કે ઈસ્લામ ધર્મમાં પણ પોતાને મૂર્તિભંજક કહેવડાવે છે તે લોકો દેવમંદિરો તોડી મસ્જિદ, મકબરા અને કબર બનાવે છે અને પૂજે છે. કોઈ ઉર્દુ શાયરે જ કહ્યું છે.

જિંદગાહેં તોડ કરકે મુર્દગાહેં ભર દિયા આ બહિર્મુખ માયાનું વર્ણન ઉપનિષદોમાં પણ છે પરાંચિ ખાનિ વ્યતૃણત સ્વયંયંભૂ તસ્માત્ પરાડ્ પશ્યતિ નાન્તરાત્મન્ । કશ્ચિઅદ્રીર: પ્રત્યગાત્માનમૈક્ષ દાવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન્

એટલે કે બહ્માએ જાતે બધી ઈન્દ્રિયોને, છિદ્રોને બહારની બાજુએ ખોલ્યાં છે, કાણાં પાડી દીધાં છે. એટલે જીવ બહારની વસ્તુ જુએ છે, અંદર પોતાને જોતો નથી. કોઈ કોઈ ધીર, વિરકત જીવ સંસારની નાસભાગ, આવજા અને મૃત્યુથી થાકી, વિશ્રામ અને અમરત્વની ઈચ્છા રાખી અંદર જુએ છે અને આત્માને ઓળખવા પ્રયત્ન કરે છે.

પણ હા એ બાળકોના વૃદ્ધ રખેવાળોએ ચિંતા કરવી જોઈએ અને માટીનાં રમકડાં રમવા આપવાની સાથે સાથે થોડું જ્ઞાન પણ પીરસવું જોઈએ, થોડાંક પુસ્તકોનો શોખ પેદા કરવા પણ પ્રયત્ન કરવો જોઈએ. એમ ન ઈચ્છશો કે છોકરાં સદા રમકડાંથી જ રાજી રહે, મૂર્ખ જ રહ્યા કરે. સ્લેટ, પેન, ચોપડીઓ વગેરેને કયારેય અડકે નહીં અને આપણે તેમને હંમેશાં બેવકૂફ રાખીને આપણા ગુલામ બનાવી રાખીએ.

જો એ વૃદ્ધ રખેવાળ સાત્ત્વિક બુદ્ધિનો, લોકહિતૈષી હોય તો એ રમકડાંના ખેલને પણ ખૂબ જ શિક્ષણ આપનારો, ઉત્તમ, સાત્ત્વિક ભાવ વધારનારો, લાપ્રેમ વધારનારો તથા શાસ્ત્રોનો ફેલાવો કરનાર બનાવી શકે છે. સુંદર મંદિરોથી ગામ તથા નગરની શોભા અને સૌંદર્ય વધે છે અને તેમાં પાઠશાળા, દવાખાનું, બગીચો, ફૂલવાડી, ચિત્રશાળા, સંગીત શિક્ષણનું કલાગૃહ, સાર્વજનિક સભામંચ, સંમેલન સ્થાન વ્યાયામશાળા વગેરે ચલાવી શકાય છે. યોગસાધનામાં પણ આ મંદિર નિસરણીનું કામ કરી શકે છે કારણ કે ધ્યાનધારણા કોઈ મૂર્તિ સ્વરૂપ વિના સાધી શકાતી નથી. આ ઉપરાંત જાતજાતનાં ઉત્તમ વૈજ્ઞાનિક પરીક્ષણો, ભૌતિક, લૌકિક અને પારલૌકિક કાર્યો થઈ શકે છે. સમસ્ત વિશ્વ, સાકાર જગત એ પરમાત્માનું જ રૂપ છે એ જાણીને, સમજીને લોકોને મૂર્તિપૂજા તરફ વાળવા એ યોગ્ય જ છેઅને આ દૃષ્ટિએ મૂર્તિઓની અને મૂર્તિપૂજાની નિંદા કરવી અયોગ્ય છે.

બીજા પ્રકારની બુદ્ધિ માટે પાણીનાં સંગ્રહસ્થાનો, તળાવ, સરોવર, નદી વગેરેનો ઉલ્લેખ કર્યો છે. જેનાથી સૂક્ષ્મ શરીર મનોમય અથવા વિજ્ઞાનમય કોષ એટલે કે અંતઃકરણ, મન, બુદ્ધિ તથા અભિમાનમાં શુદ્ધતા આવે. દષ્ટ ફળ એ છે કે જેનાથી સ્થૂળ શરીર પર પ્રભાવ પડે છે. આ તીર્થોમાં ફરવાથી પર્યટનના, મુસાફરીના જે લાભો મળવા જોઈએ તે શિક્ષણ, બુદ્ધિની ઉદારતા વધવી, સંકોચ દૂર થવો વગેરે મળે છે. તીર્થરક્ષકો, પૂજારી અને ભિખારીઓ યાત્રીઓને હેરાન પરેશાન ન કરે અને આ તીર્થોના પાણીમાં ફળ, ફૂલ, પાંદડાં, એંઠવાડ વગેરે નાખી પાણીને ગંદું ન કરે તે જરૂરી છે. શાસ્ત્રમાં કહ્યું છેઃ

નહ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયા: । તે પુનંત્યુરુકાલેન દર્શના દેવ સાધવા: । તેષામેવ નિવાસેન દેશાસ્તીર્થોભવન્તિ વૈ ॥ -ભાગવત

એટલે કે પાણીથી તીર્થ બનતાં નથી, માટી કે પથ્થરથી દેવ બનતા નથી, લાંબા સમયની તેમની ઉપાસનાથી મનની શુદ્ધિ થાય છે, પણ સાચા સાધુઓના દર્શન અને સત્સંગથી જ મન તરત પવિત્ર થઈ જાય છે. તીર્થસ્થળોમાં જે સાચા સાધુ, તપસ્વી વિદ્વાન વસે છે તે જ ત્યાંના તીર્થંકર છે, તીર્થોને તીર્થ બનાવનાર તેઓ જ છે. જે શોકમાંથી બહાર કાઢે તે તીર્થ (તરિત શોકં યેન સહામેન સ તીર્થ:). સાત પવિત્ર નગરો ઉત્તમ વિદ્યાપીઠની ગરજ સારતાં હોવાથી તીર્થ હતાં. ત્યાંની હવામાં ભકિત, વિરક્તિ તથા જ્ઞાન ભરેલાં રહેતાં હતાં કારણ કે આ બધું સમજાવનાર, જાગૃત કરનાર સાધુ, તપસ્વી, વિદ્વાનો તથા પંડિતો ઘણાં વર્ષોથી ત્યાં વસતા હતા. જેવી રીતે આજકાલનાં વિશ્વવિદ્યાલયોમાં કોઈમાં એક વિષયની તો કોઈમાં બીજા વિષયની વિદ્યા આપવામાં આવે છે ત્યાં જે તે વિષયોની ચર્ચા, અભ્યાસ, હવા વધારે રહે છે.

કોઈ શહેરમાં કોઈ ખાસ વેપારની, કોઈ ખાસ પ્રકારનાં કારખાનાંઓની અધિકતા રહે છે અને ત્યાં જતાં જ આ બાબતનો ખ્યાલ આવે છે, એ રીતે ‘ કાશ્યાં મરણાન્ મુકિત: ” કાશીમાં મરવાથી મુકિત મળે છે એવું કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આત્મજ્ઞાનવાળા સાધુઓની, આધ્યાત્મિક ચર્ચાથી ચારે બાજુની હવા તરબતર છે અને ‘‘ઋતે જ્ઞાનાન્ ન મુક્તિઃ’’ એટલે કે જ્ઞાન વિના મુક્તિ નથી, કોઈ પ્રકાની ગુલામીના બંધનમાંથી, સામાજિક, રાજનૈતિક, સાંસારિક કે કોઈ પણ બંધનમાંથી જ્ઞાન વિના મુકિત મળતી નથી, પણ હાલના સમયમાં આ પવિત્ર નગરોની જે દુર્દશા થઈ છે તે પ્રત્યક્ષ દેખાય છે. જે માનવી “ કાશ્યાં મરણાત્ મુકિતઃ’ના અક્ષરો જ પકડી રાખે, તેના હેતુનો ખ્યાલ ન રાખે, આત્મજ્ઞાનનો સંચય ન કરે, તો તેના માટે મુકિતની આશા રહેતી નથી.

ત્રીજા પ્રકારની બુદ્ધિ માટે ‘‘દિવિ દેવા :’’, સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ વગેરે પ્રત્યક્ષ દેવતા છે. તેમની ઉપાસના ગણિત, જ્યોતિષશાસ્ત્ર, વાતાવરણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર તથા હસ્તરેખાશામાં છે. આનાથી જ્ઞાન, ખેતી, સમુદ્રયાત્રા વગેરેમાં જે કાંઈ મદદ મળે તે બધું આ ઉપાસનાનું દૃષ્ટ ફળ છે, પણ જ્યોતિષશાસ્ત્રના દુરુપયોગથી જે વિઘ્ન આવે છે તે બધા જાણે છે.

ચોથી અને છેલ્લી કોટિ ‘‘ બુધ આત્મનિ દેવતાઃ ” જેને આ વિચાર ઉદ્ભવ્યો કે આ દેવતા છે કે નહીં ? આ પુસ્તક માનવા જેવું છે કે નહીં ? આ ઋષિ, અવતાર, રસૂલ, પયગંબર, મસીહા કે ગુરુ માનવા યોગ્ય છે કે નહીં ? આ ધર્મ માનવા યોગ્ય છે કે નહીં ? આ છોડવા યોગ્ય છે કે અપનાવવા યોગ્ય છે; આ શાસ્ત્ર છે કે અશાસ્ત્ર છે ; આ વેદ છે કે અવેદ છે ; આનો અર્થ આ છે કે તે છે ; હકીકતમાં કોઈ ઈશ્વર છે કે નહીં ? જો હોય, તો કેવા દેખાય ; છે ? કયાં છે ? આ બધાનો છેલ્લો નિર્ણય કરનાર હું જ છું – જેનામાં આવો વિચાર દઢ થાય છે તેના માટે ‘બુધસ્ય આત્મનિ દેવતા” એટલે કે બુદ્ધિમાનનો આત્મા જાતે જ તેનો દેવ છે. પરમ ઈશ્વર, ઈશ્વરોનો ઈશ્વર હું જ છું. આ પરાકાષ્ઠાએ જે પહોંચ્યો છે, તેના માટે સુરેશ્વરાચાર્યે બૃહદારણ્યક વાર્તિકમાં કહ્યું છે “ એતાં કાષ્ઠામવષ્ટભ્ય સર્વ બ્રાહ્મણ ઉચ્યતે ”જે જીવ આ પરાકાષ્ઠાએ પહોંચ્યો હોય તે બ્રાહ્મણ છે, બ્રહ્મ સ્વરૂપ છે.

તેના માટે ‘“કાશ્યાં મરણાન્ મુકિતઃ”ની જરૂર નથી, પણ, “ ભાવના યદિ ભવેત્ ફળદાત્રી મારકં  નગરમેવ હિ કાશી ।  વ્યાપકોડપિ યદિ વા પરમાત્મા તારકં નિમિહ નોપદિશેન નઃ ।”

એટલે કે ભાવના જ જો ફળ આપનારી હોય તો જે સ્થળે હું છું તે જ કાશી છે. જો પરમાત્મા વ્યાપક છે તો હું ઊભો છું ત્યાં જ તારકમંત્રનો ઉપદેશ કરી શકે છે. આવા માનવો માટે યાજ્ઞવલ્કય સ્મૃતિમાં કહ્યું છે કે જરૂર પડતાં તે જાતે નવો ધર્મ બનાવી શકે છે.

ચત્વારો વેદધર્મજ્ઞ:  પર્યંત્ ત્રૈવિદ્ય મેવ વા । બ્રઊતે ય સ ધર્મ સ્વાદેકો વાડઽધ્યાત્મવિત્તમ : ।।

એટલે કે વેદ પુર, જ્ઞાનસમૂહ પર પ્રતિષ્ઠા કરેલો જે ધર્મ છે તેને જાણનાર ચાર માનવોની ટોળી અથવા વેદોને અંગોપાંગ સહિત સારી રીતે જાણનાર ત્રણ જણની સમિતિ અથવા એક અધ્યાત્મ વિત્તમ, બ્રહ્મવિદ્વરિષ્ઠ, તત્ત્વતઃ બ્રહ્મજ્ઞાનના હૃદયમાં બિરાજેલ જ્ઞાની માનવી જો નિર્ણય કરે કે આ ધર્મ હોવો જોઈએ, તો તેને ધર્મ માનવો જોઈએ.

વિવેક અને સ્વતંત્ર ચિંતન

આધુનિક સંસારમાં સ્વતંત્ર ચિંતનનું ઘણું મહત્ત્વ છે. લગભગ બધા વિદેશીઓ ભારતીયો પર અંધવિશ્વાસુ હોવાનો આરોપ લગાવ્યા કરે છે, પરંતુ આ દોષ આપણા દેશમાં પાછલી કેટલીક સદીઓના અંધકારયુગમાં જ વધ્યો છે. બાકી વૈદિક સાહિત્ય સ્પષ્ટ રૂપથી સ્વતંત્ર ચિંતનની જ તરફેણ કરે છે, કારણ કે સ્વતંત્ર ચિંતન વિના વિવેક જાગી શકે નહીં અને વિવેક વિના લોકોને અનેક માર્ગોમાંથી પોતાને અનુકૂળ શ્રેષ્ઠ માર્ગનું જ્ઞાન લાધે નહીં. બીજાના અનુકરણમાં થોડીક સરળતા તો છે જ, પંરતુ તેનાથી સાચી ઉન્નતિનો માર્ગ રૂંધાય છે.

જે રીતે આળસુ, કાયર અને વિલાસી વૃત્તિના લોકો પોતે મહેનત કરવા માગતા નથી, મહેનતથી ડરે છે તે રીતે કેટલાય લોકો મન અને વિચારના જગતમાં સદાય પરજીવી સ્વભાવ રાખે છે. તેઓ ઈચ્છે છે કે બીજા ચિંતન, મનન કરીને તેમને માર્ગદર્શન આપે અને પોતે કહ્યાગરા પશુની જેમ એ ચીલે ચાલ્યા કરે. તે માર્ગની યોગ્યતા-અયોગ્યતા માટે કોઈ પોતાને જવાબદાર ગણે નહીં અને તે રસ્તો કદાચ ખરાબ હોય, તો પણ તેનું દોષારોપણ પોતાના પર ન થાય, પરંતુ તેને ખબર નથી કે અનેક માર્ગોમાંથી જે એક માર્ગ પર પોતે ચાલે છે તે પોતે નક્કી કર્યો છે. એટલે એ તમામ જવાબદારી તેની જ આવે છે. એટલે તે કોઈ પણ પ્રકારે આ દોષમાંથી છટકી શકે નહીં, છતાંય આવા લોકોની માનસિક અને બૌદ્ધિક આળસ દૂર થઈ શકતી નથી. ઘેટું બીજા ઘેટાની પાછળ પાછળ ચાલવાની વૃત્તિ રાખે છે, આગળનું ઘેટું કૂવામાં પડે તો પાછળ તમામ ઘેટાં કૂવામાં પડેતેના જેવા આ લોકો છે.આવી વૃત્તિવાળા લોકોનું વ્યક્તિત્વ ક્યારેય વિકસી શકે નહીં. મોટે ભાગે તેઓ પોતાના જીવનમાં મહાન કાર્યો કરવા માટે અયોગ્ય જ સાબિત થાય છે.

અભ્યાસ તો ઘણા કરે છે, પણ બધા વિદ્વાન થતા નથી, આનું કારણ શું છે ? કેટલાય લોકો હજારો પુસ્તકો વાંચી નાખે છે, કેટલુંય ગોખી નાખે છે, છતાં જો તેમની પોતાની કોઈ ચોક્કસ વિચારધારા ન હોય, સ્વતંત્ર ચિંતન ન હોય, તો એટલું વિશાળ વાંચન તથા અભ્યાસ પણ તેના વ્યકિતત્વને, તેની સત્તાના મહત્ત્વને સ્થાપિત કરવા અશકિતમાન જ રહે છે, જયારે એક સ્વતંત્ર ચિંતક અને મનનશીલ વ્યકિત પોતાના થોડાક જ અભ્યાસની મદદથી સમાજ અને રાષ્ટ્રમાં પોતાનું એક વિશેષ વ્યકિતત્વ બનાવી લે છે.

જે રીતે શરીરથી ઉત્પન્ન બાળકોને માનવી પોતાનાં બાળકો માની તેમને પ્રેમ, સ્નેહ આપે છે, તેમના જીવનને વિકસિત તથા ઉત્કર્ષવાળું બનાવવા શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરે છે, તે રીતે જો આપણે આપણા સ્વતંત્ર વિચારોને સન્માન અને સ્નેહ આપી શકીએ તો તે મામૂલી લાગતા વિચારો જ આપણા વ્યક્તિત્વને એક વિશેષ રૂપમાં ઢાળી શકે છે.

આવું ન કરી આપણે આપણા સ્મૃતિભંડારમાં પારકાનાં જ વિચારો ભરી, માત્ર તેમનો જ ભંડાર ભર્યા કરીએ છીએ. અન્નની જેમ ખાઈ, પચાવી,  લોહી બનાવીને તેને પોતાના વિચારોનું એક અંગ બનાવી ન લઈએ, તેનો ઉપયોગ ન કરીએ, વ્યવહારમાં ઉતારીએ નહીં, તો આપણું તમામ અધ્યયન આપણા માટે બોજારૂપ બની રહેશે, આપણી શકિતનો નાશ કરી નાખશે. એટલા માટે જો આપણે ભાર વહન કરનાર પશુ બનવાના બદલે માનવ બનવાનું ઈચ્છતા હોઈએ તો જે વસ્તુની આપણને જિજ્ઞાસા હોય તે બીજા દ્વારા સાંભળી, જાણી અને તેનો અભ્યાસ કરીને જ નિશ્ચિંત ન થવું જોઈએ, પરંતુ જો આપણો અંતરાત્મા ન સ્વીકારતો હોય, તો તેને આપણા અંગેઅંગમાં ઊતરી જવા દેવું જોઈએ. જ્ઞાન આપણા મન, વાણી અને વ્યવહાર સાથે ઓતપ્રોત થઈ જવા દેવું જોઈએ. આનું નામ સ્વતંત્ર ચિંતન અને મનન છે, બાકી તો તે સત્ત્વ વગરનું કાગળનું ફૂલ માત્ર છે.

જે રીતે માનું દૂધ પીને, ધરતી માતાનાં અનાજપાણી લઈને તથા કુદરતમાંથી અન્ય ખાદ્યપદાર્થો મેળવીને આપણું શરીર હૃષ્ટપુષ્ટ થાય છે અને વધે છે, તે રીતે દરેક વ્યકિતના મૂળભૂત વિચારોની પણ આવી જ દશા છે. તે પોતાના પોષણ માટે બધી દિશાઓમાંથી પોષકતત્ત્વો મેળવી વધે છે, પણ એ તત્ત્વોમાં પોતાને વિલીન કરી દેતો નથી. જેણે પોતાની જાતને એમાં વિલીન કરી દીધી છે, તેમાં એકાકાર થઈ ગયો છે તે કોઈ વૃક્ષ કે વ્યકિત ન બનતાં પોતે પણ ખાદ્યપદાર્થ કે ખાતર બની જાય છે, જેને ચૂસીને, અનુયાયી બનાવીને બીજા લોકો આગળ વધે છે અને વિકાસ કરે છે.

આપણા વિચારોને ચોક્કસ અને ખાસ રૂપ આપવા તેમને વાણી અને લેખન દ્વારા પ્રગટ કરતા રહેવું જોઈએ. અવારનવાર આ વાણી અને લેખનમાં સુધારાવધારા કરીને સુધારતા રહેવું જોઈએ. આનો અભ્યાસ કરતાં કરતાં તે વિચારો આપણા આચરણમાં ઊતરતા જાય છે અને એક દિવસ આપણે પોતે એ વિચારનું મૂર્તિમંત સ્વરૂપ બની જઈએ છીએ. આ છે વિશુદ્ધ ચિંતન તથા મનનનું પરિણામ.

આ સૃષ્ટિ વિવિધતાની દૃષ્ટિએ પણ અનંત છે. અહીંની કોઈપણ રચના રંગ, રૂપ તથા આકારમાં સંપૂર્ણ રીતે એક્સરખી હોતી નથી. એટલે વિવેક્યુક્ત વ્યક્તિત્વ બનાવતા પહેલાં આપણે જાતે આપણું પોતાનું જ ચિંતન અને મનન કરવું જોઈએ. આપણે કેવા બનવા ઈચ્છીએ છીએ તે પણ ગંભીર ચિંતન અને મનનના ફળ સ્વરૂપે આપણી અંદરથી જ નક્કી થાય છે. બીજું કોઈ તે નક્કી કરી શકતું નથી.

વિવેક જ સાચી શકિત છે

માનવીય જીવનને સફળ બનાવવા અને જીવનનિર્વાહ કરવા માટે કેટલાયે પ્રકારની શક્તિઓની જરૂર પડે છે. શારીરિક બળ, બુદ્ધિબળ, ધનબળ, સંઘબળ વગેરે અનેક સાધનોના સહયોગથી માનવજીવનની સમસ્યાઓનું સમાધાન થાય છે. આ બળો દ્વારા શાસન, ઉત્પાદન અને નિર્માણકાર્ય થાય છે અને તમામ પ્રકારની સંપત્તિ અને સગવડો મળે છે. વિવેક દ્વારા આ બધાં બળનું યોગ્ય સંચાલન થાય છે કે જેથી તે આપણા માટે હિતકારી સાબિત થાય.

મગજનું બળ અને વિચારબળમાં થોડો ફરક છે તે પણ જાણી લેવું જોઈએ. મગજબળનો સંબંધ શરીરબળ સાથે છે. વિદ્યાભ્યાસ, વેપારી બુદ્ધિ, કુશળતા, નિર્ધારિત પ્રણાલી મુજબ કોઈ કામ સંભાળવું એ બધું મગજબળનું કામ છે. વકીલ, ડૉકટર, વેપારી, કારીગર, કલાકાર વગેરેનાં કામ આ આધારે ચાલે છે. આ બળ શરીરની જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરવા ઉત્પન્ન થાય છે અને વધે છે, પણ વિવેકબળ આત્મા સાથે સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક જરૂરિયાત, ઈચ્છા અને પ્રેરણા અનુસાર વિવેક જાગૃત થાય છે. સારા નરસાનો ભેદભાવ આ વિવેક જ કરે છે.

મગજબળ શરીરથી ઉત્પન્ન થતું હોઈ તેની નીતિ શરીરનું હિત સાધવાની હોય છે. ઈન્દ્રિયસુખોને મુખ્ય માની તે શરીરને સમૃદ્ધ અને ઐશ્વર્યવાન બનાવવાનો પ્રયત્ન કરે છે. પોતાના આ દષ્ટિકોણના કારણે તે યોગ્ય અયોગ્યનો ભેદ પાડી શકતું નથી. ગમે તે રીતે ભોગ, ઐશ્વર્ય એકઠાં કરવાની ધૂનમાં લોકો યોગ્ય અયોગ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે અને અનીતિ આચરીને પણ પોતાનો સ્વાર્થ સાધી લે છે.

વિવેક આનાથી સાવ જુદો છે. ઉપરછલ્લી રીતે જોતાં તો વિવેક પણ મગજબળની શ્રેણીનોજ જણાય છે, પરંતુ હકીકતમાં તે જુદો છે. વિવેક એ આત્માનો પોકાર છે, આધ્યાત્મિક સ્વાર્થનો પોષક છે. અંતઃકરણમાં સત્ય, પ્રેમ, ન્યાય, ત્યાગ, ઉદારતા, સેવા તેમ જ પરમાર્થના ભાવ જાગે છે તેનું પોષણ કરે છે. સત્ તત્ત્વોમાં ભમવામાં તેને આનંદ આવે છે. જેવી રીતે શરીરની ભૂખ સંતોષવી એ મગજબળનો હેતુ છે તેવી રીતે આત્માની ભૂખ સંતોષવી એ વિવેકનો હેતુ છે. કામ અને અહંકાર પૂરા કરવામાં બળવાન તથા સમૃદ્ધિવાન લોકો સુખ અનુભવે છે, પરંતુ તેનાથી કેટલાયગણો વધારે આનંદ-પરમાનંદ વિવેકીને મળે છે.

બળ દ્વારા સંપત્તિ અને ભોગસામગ્રી મેળવી શકાય છે, પણ આ કમાણીની રીત એટલી સંકુચિત અને સ્વાર્થી હોય છે કે તેની ધૂનમાં માનવી ધર્મ અધર્મની પરવા કરતો નથી. એટલા માટે માત્ર બળથી ઉત્પન્ન થયેલી સંપત્તિ લહ અને કલેશ ઉત્પન્ન કરનાર, દુઃખદાયક અને અંતે ઝેર જેવી સાબિત થાય છે. આવી સંપત્તિ મેળવવાની ક્રિયા સંસારમાં અશાંતિ, યુદ્ધ, શોષણ તથા અત્યાચારોના નર્ક સમાન અગ્નિને ભડકાવવામાં ધીનું કામ કરે છે. આવી સ્થિતિથી બચવા વિવેકબળ દ્વારા શરીરબળ અને મગજબળ પર કાયમી અંકુશ મૂકવો પડે છે.

બળ પર વિવેકનો કાયમી અંકુશ રાખવો ખૂબ જરૂરી છે. તેના વિના સંસારમાં સુખશાંતિ કાયમ ટકી શકે નહીં. બળ આંધળું છે અને વિવેક લંગડો છે. એકલા બળથી ચાલવા જઈએ તો અનર્થ, અત્યાચાર અને પાપ જ પેદા થશે. બળના અભિમાનમાં માનવી આંધળો થઈ જાય છે. વિવેક આંખની ગરજ સારે છે, સાચા રસ્તાનું ભાન કરાવે છે, પરંતુ એકલો વિવેક કોઈ કામ કરી શકતો નથી, કેટલાય એકાંતવાસી વિવેકશીલ વિદ્વાનો એક ખૂણામાં પડ્યા પડ્યા પોતાનું બિનઉપયોગીપણું સાબિત કરી રહ્યા છે. જયારે વિવેક અને બળ બંનેનો સમન્વય થાય છે ત્યારે સળગતી આગમાંથી પોતાની જાતને આંધળો અને લંગડો બંને ભેગા મળીને જે રીતે હેમખેમ બચી ગયા હતા તેવી વ્યવસ્થા સધાય છે, જો આંધળા અને લંગડાએ એકબીજાને મદદ ન કરી  હોત  સમજયા ન હોય તો બંને સળગી મર્યા હોત !

ધર્મશાસ્ત્રોએ બળ પર વિવેકના શાસનને જરૂરી ગણાવ્યું છે. ભૌતિક જગતમાં પણ આ પ્રથા જ કાયમ છે. ક્લાકૌશલ બળ, ધનબળ અને શરીરબળ એ ત્રણેયના પ્રતિનિધિ સ્વરૂપ શુદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય પર વિવેક્ના પ્રતિનિધિ એવા બ્રાહ્મણનું શાસન માનવામાં આવ્યું છે. આપણે પ્રાચીન ઈતિહાસ તપાસીએ તો જોવા મળશે કે પ્રત્યેક રાજાની શાસનપ્રણાલી રાજગુરુના આદેશાનુસાર ચાલતી હતી. ત્રણે વર્ગોને માર્ગદર્શન આપવાનું કામ બ્રાહ્મણો કરતા હતા.

ઐતરેય બ્રાહ્મણ ૭-૪-૮માં એક શ્રુતિ આવે છે ‘‘ અર્ધાત્મોહક એથ ક્ષત્રિયસ્ય યત્પુરોહિત ” એટલે કે ક્ષત્રિયનો અડધો આત્મા પુરોહિત છે. પુરોહિતના અભાવમાં ક્ષત્રિય માત્ર અડધો આત્મા જ છે. આપણે જોઈએ છીએ કે જનતાનાં આંદોલનો જો નેતા યોગ્ય હોય તો જ લાભદાયક નીવડે છે. યોગ્ય વિવેકી નેતાઓના નેતૃત્વમાં ઓછા આંદોલનકારીઓથી પણ મહત્ત્વપૂર્ણ સફળતા મળે છે. નેપોલિયન પાસે થોડા જ સૈનિકો હતા, પરંતુ તે પોતાના બુદ્ધિકૌશલથી આ થોડીક તાકાત દ્વારા મહાન સફળતાઓ મેળવવામાં સમર્થ બન્યો.

જે વિવેકી વ્યકિત માર્ગદર્શન અને નેતૃત્વ કરી શકવાની ક્ષમતા ધરાવે છે તેવા પુરોહિતોની જવાબદારી બહુ મોટી છે. ઐતરેય બ્રાહ્મણ ૮-૫-૨માં આવા પુરોહિતોને રાષ્ટ્રની રખેવાળી કરનારા ગણવામાં આવ્યા છે. જો દેશ, સમાજ તેમ જ વ્યકિતઓનું બળ અયોગ્ય દિશામાં કાર્યરત રહેતું હોય, તો તેમાં માત્ર પુરોહિતોનો જ વાંક છે. તાંચ બ્રાહ્મણના ૧૩-૩-૧૩માં એક કથા આવે છે કે ઈક્ષ્વાકુ વંશના અરુણ નામના રાજાનું અભિમાન અને ઉદંડતા હદ વટાવી ગયાં. એકવાર બેદરકારીથી રથ ચલાવતાં એક વ્યકિતને અકસ્માત થયો. તે વ્યકિત રાજાના પુરોહિત ‘‘વૃક્ષ’” પાસે ગઈ અને તેમને ભાંડવા લાગી, ‘“તમે રાજાને યોગ્ય શિક્ષણ આપ્યું નથી. તમે તમારા ગૌરવશાળી પુરોહિત પદના કર્તવ્યનું પાલન બરાબર કર્યું નથી. જો કર્યું હોત તો રાજા આવું આચરણ ન કરત.” તે વ્યકિતના શબ્દો સાંભળી ‘‘વૃક્ષ ’’ શરમાઈ ગયા. કંઈ કહેવા કરતાં તેમણે તે વ્યકિતને પોતાના આશ્રમમાં રાખી, જયાં સુધી ધા બરાબર સારો ન થયો ત્યાં સુધી તેની સેવા કરી.

ઉપરોક્ત કથા એ સત્યને પ્રદર્શિત કરે છે કે રાજ્ય માટે પુરોહિતની કેટલી મહાન જવાબદારી છે. બળને યોગ્ય દિશામાં વાળવામાં વિવેકની કેટલી મોટી જ્વાબદારી છે! આજે પુરોહિત તત્ત્વ અને રાજતત્ત્વ બે અલગ અલગ દિશાઓમાં ચાલે છે. એક બીજાને સહયોગ આપવાનું ઓછું કરી દીધું છે. એટલા માટે જ આપણી રાજનૈતિક, સામાજિક, આર્થિક અને શારીરિક સુવ્યવસ્થા નષ્ટભ્રષ્ટ થઈ રહી છે. જ્યાં સુધી પુરોહિત તત્ત્વ પોતાના યોગ્ય સ્થાનને અપનાવશે નહિ, ત્યાં સુધી આપણા બાહ્ય અને આંતરિક જીવનમાં શાંતિ આવશે નહીં. શરીર, સમાજ અને રાષ્ટ્ર પર વિવેકનું યોગ્ય શાસન હોવું જોઈએ.

લોકોને અજ્ઞાનના અંધકારમાંથી છોડાવી જ્ઞાનના માર્ગ પર ધપાવવાનું કામ પુરોહિતોનું છે. જે જ્ઞાની છે, જાગૃત છે, માર્ગદર્શન આપવાની ક્ષમતા ધરાવે છે તેવા પુરોહિતોનું કર્તવ્ય છે કે તેઓ જનતાને જાગૃત કરતા રહે. સામાજિક, રાષ્ટ્રીય અને શારીરિક તથા આર્થિક સંકટોથી સજાગ રાખી મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપવાનું મહત્ત્વનું કાર્ય પુરોહિતોનું છે. અંતઃકરણમાં રહેતા પુરોહિતનું એક કર્તવ્ય છે કે તે વિવેક દ્વારા શકિતઓને કાબૂમાં રાખે. કુમાર્ગે જતાં બચાવી તેમને સન્માર્ગે વાળે.

હે પુરોહિત ! જાગ ! રાષ્ટ્ર બાબતે જાગૃત થા. વેદપુરુષ કહે છે, ‘‘ વયં રાત્રે જાગૃયામ પુરોહિતાઃ ” પુરોહિત રાષ્ટ્ર બાબતે જાગતા રહે, સૂવે નહીં. આપણા અંતઃકરણમાં બેઠેલા હે પુરોહિત ! હે વિવેક ! જાગતો રહે ! જેથી અમારું ક્ષત્રિયબળ અયોગ્ય દિશામાં વપરાય નહીં. આપણા દેશ અને જાતિનું નેતૃત્વ કરી શકવાની ક્ષમતા રાખનાર હે સાચા પુરોહિતો ! જાગૃત રહો, જેથી આપણી રાષ્ટ્રીય અને સામાજિક શકિતઓનો દુર્વ્યય ન થાય. હે પુરોહિત ! જાગ, અમારા બળ પર શાસન કર, જેથી અમે ફરીથી અમારા ગુમાવેલા ગૌરવને જોઈ શકીએ.

વિવેકનો નિર્ણય સર્વોપરી છે

એમાં કોઈ શંકા નથી કે આપણાં મુખ્ય શાસ્ત્રો આપણા ઋષિમુનિઓએ રચ્યાં છે અને એટલા માટે તેમના ઉપદેશ અને આચારસંહિતાઓ આજ દિન સુધ મોટા ભાગના લોકો માટે ઉપયોગી અને લાભદાયી નીવડયાં છે, પરંતુ સમયન પરિવર્તનને કારણે અને શાષકારોમાં અનેક વિષયો પર મતમતાંતર હોવાથી શાસ્ત્રોન આદેશો વિવેકથી સમજી લેવાની જરૂર ઊભી થઈ છે. આમ કર્યા વિના કેટલીયવાર ગફલત થઈ જવાનો સંભવ છે.

મોટા મોટા ધર્મોપદેશકોને આપે જોયા હશે અને તેમનાં વ્યાખ્યાન સાંભળવાનો લહાવો પણ લીધો હશે. એ વિચારવું જોઈએ કે એ ધર્મોપદેશકનાં કથનોનું પાલન તેમનું પોતાનું હૃદય કેટલી હદ સુધી કરે છે. જો તેઓ તેમના અંતઃકરણના ભાવ સ્પષ્ટ રૂપે પ્રગટ કરે, તો મોટાભાગના આ ઉપદેશકોને “નાસ્તિક’” જ કહેવા પડશે. તેઓ પોતાના વાક્ચાતુર્યથી ભલે ગમે તેવું વાતાવરણ ઊભું કરી દે, પણ અંદરથી તેમની પોતાની બુદ્ધિ જ તેમને કહેશે, ‘“ કોઈ પુસ્તકમાં લખ્યું છે અથવા કોઈ મહાપુરુષે કહ્યું છે, છતાં વિચાર કર્યા વિના કઈ રીતે તેમનો વિશ્વાસ કરું ? બીજા ભલે અંધશ્રદ્ધામાં અટવાયા કરે, હું ફસાવાનો નથી.’’ એક બાજુ જુઓ તો ઘૂઘવતો સમુદ્ર છે અને બીજી બાજુ ઊંડી ખીણ, જે ધર્મોપદેશક ધર્મગ્રંથોનું કહેવું માનો તો વિવેકબુદ્ધિવિરોધ કરે છે અને ન માનો તો લોકો નિંદા કરે છે. આવી પરિસ્થિતિમાં લોકો દ્વિધામાં પડી જાય છે. જેને આપ ધાર્મિક કહો છો તેમાંના ઘણાખરા ઉદાસીન અથવા તટસ્થ છે અને તેનું કારણ ધર્મ પર યોગ્ય રીતે કરવો જોઈતો વિચાર ન કરવો એ જ છે. ધર્મની ઉદાસીનતા જો વધતી રહેશે અને ધર્મના આચરણના લાભોથી લોકોએ વંચિત રહેવું પડશે, તો ભૌતિક શાસ્ત્રોના એક જ આઘાતથી ધર્મની જૂની ઈમારત હવાઈ કિલ્લાની જેમ નાશ પામશે.

ભૌતિકશાસ્ત્ર જે રીતે વિવેકબુદ્ધિની ભઠ્ઠીમાં તપાવી સત્યતા સાબિત કરે છે, તે રીતે ધર્મશાસ્ત્રોએ પણ તેમના સિદ્ધાંતોની સત્યતા સંસાર સમક્ષ પ્રમાણો સાથે સાબિત કરી દેવી જોઈએ. આમ કરવાથી બુદ્ધિના તીવ્ર તાપથી જો ધર્મતત્ત્વ ઓગળી જાય, તો પણ આપણને કોઈ નુકસાન થવાનું નથી. જેને આપણે આજ સુધી રત્ન સમજતા હતા તે પથ્થર નીકળ્યો. જો તે પથ્થરનો નાશ થાય તો તેમાં આપણને શેનું દુઃખ થાય ? આંધળી પરંપરાથી એ પથ્થર માથે મૂકી રાખીને તો મૂર્ખાઈ કરી છે. આવા પથ્થરો બને એટલા જલદી શોધી કાઢવા જ જેઈએ. જે ધર્મતત્ત્વ સત્ય હશે તો તે ભઠ્ઠીમાં કદીય ઓગળવાનું નથી. ઊલટાનું તે અસત્ય પદાર્થો જ બળીને ભસ્મ થઈ જશે, જેના લીધે સત્ય પ્રત્યે શંકા જતી હતી. અગ્નિમાં તપાવવાથી સોનું વધારે ઉજ્વળ બની જાય છે. વિવેકબુદ્ધિની ભઠ્ઠીમાં સત્યધર્મને નાખવાથી તે નાશ પામવાની કોઈ શંકા નથી, પણ આમ કરવાથી તેની યોગ્યતા વધી જશે અને તેનું ઉચ્ચ સ્થાન સદા બનેલુંરહેશે. ભૌતિક્શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રની જેમ ધર્મશાસ્ત્રને પણ પ્રત્યક્ષ પુરાવાઓથી સાબિત કરવું જોઈએ. જો ર્મેન્દ્રિયોની સરખામણીમાં જ્ઞાનેન્દ્રિયોની યોગ્યતા વધારે હોય, તોજશાસ્ત્ર (ભૌતિક) પર જ્ઞાનપ્રધાન ધર્મશાસ્ત્રોનો વિજય શા માટેન થાય ? ભૌતિકશાસ્ત્રની સિદ્ધિ તો ઈન્દ્રિયોના આધારે થાય છે, જ્યારે ધર્મશાસ્ત્રની સિદ્ધિનો સંબંધ અંતરાત્મા સાથે છે. તો પછી આપણું એ ક્તવ્ય નથી કેઆપણે પહેલાં આ જરૂરી અને મુખ્ય શાસ્ત્રને સાબિત કરવા પ્રયત્ન કરીએ ?

જેઓ એમ કહે છે કે ધર્મને વિવેકબુદ્ધિના ત્રાજવે તોળવો એ મૂર્ખતા છે, તેઓ સાચે જ સંકુચિત મનના છે. માની લો કે એક ખ્રિસ્તી કોઈ મુસલમાન સાથે આ રીતે ઝઘડી રહ્યો છે, ‘‘ પરમાત્માએ જાતે ઈસુને મારો ધર્મ બતાવ્યો છે.” મુસલમાન કહે છે, ‘“ મારો ધર્મ પણ ઈશ્વરપ્રેરિત જ છે.”એટલે ખ્રિસ્તી હેશે, ‘“તારા ધર્મગ્રંથમાં ઘણી બધી ખોટી વાતો લખી છે. તારો ધર્મ કહે છે કે માનવીને સમજાવીને નહીં, તો ધમકાવીને પણ મુસલમાન બનાવો. જો આમ કરવામાં કોઈનું ખૂન કરવું પડે તો પણ તે પાપ નથી. મહંમદના ધર્મપ્રચારકને સ્વર્ગ મળશે.’’ એટલે મુસલમાન બોલશે. ‘‘મારા પવિત્ર કુરાનમાં લખ્યું છે તે બધું સાચું છે.’’ ખ્રિસ્તી કહેશે, ‘“ આવું મારા પવિત્ર બાઈબલમાં નથી લખ્યું, એટલે એ બધું જ ખોટું છે. ’’આવી જીભાજોડીથી બંનેમાંથી કોઈનેય લાભ નહીં થાય. એકબીજાના ધર્મગ્રંથને ખરાબ દૃષ્ટિથી, પૂર્વગ્રહથી જેવાથી કયા ગ્રંથની નીતિ સાચી છે તેનો નિર્ણય થઈ શકે નહીં. જો બંને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે, તો સત્ય વસ્તુ શોધવી મુશ્કેલ નહિ પડે. કોઈ ધર્મપુસ્તક પર વિશ્વાસ ન હોય, છતાં એમાં લખેલી કોઈ ખાસ વાતને જો વિવેકબુદ્ધિ સ્વીકારી લે તો તરત સમાધાન થઈ જાય.

આપણે જેને વિશ્વાસ કહીએ છીએ તે પણ તે વિવેકબુદ્ધિથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે બે મહાત્માઓએ કહેલાં બે પરસ્પર વિરોધી વિધાનોની ચકાસણી કરવાની શક્તિ વિવેકબુદ્ધિમાં છે કે નહીં ? જો ધર્મશાસ્ત્ર ઈન્દ્રિયાતીત હોય અને તેની સમીક્ષા કરવી તે આપણી શક્તિ બહારનું કામ હોય તો માની લેવું જોઈએ કે પાગલોના વ્યર્થ બક્વાસ યા જૂઠા કિસ્સાની વાર્તાની ચોપડીઓ કરતાં તેનું મહત્ત્વ જરા પણ વધારે નથી. ધર્મ જ માનવીના અંતઃકરણના વિકાસનું ફળ છે. ધર્મનું અસ્તિત્વ પુસ્તકો પર નહીં, પરંતુ માનવીના અંતઃકરણ પર આધારિત છે. પુસ્તકો તો માનવીની મનોવૃત્તિનું દશ્યરૂપ જ છે. પુસ્તકોથી માનવીનું અંતઃકરણ બનતું નથી, પરંતુ માનવીના અંતઃકરણની પ્રેરણાથી જ પુસ્તકો રચાય છે. માનવીના અંતઃકરણ માટે ‘‘વિકાસ’’ એ કારણ છે અને ગ્રંથની રચના કરવી એ એનું ‘‘કાર્ય’’ છે. વિવેકબુદ્ધિની કસોટી પર કસીને જો આપણે કોઈ કામ કરીએ તો તેમાં આપણને શું નુકસાન છે ?

શાસ્ત્રોનો આદેશ અને વિવેક, ગાયત્રી વિદ્યા

અનેક લોકો વાતવાતમાં જ શાસ્ત્રોના નામનો ઉલ્લેખ કરવાને મહત્ત્વનું માને છે. કોઈ પણ નાની કે મોટી વાત માટે શાસ્ત્રોનાં પ્રમાણ શોધતા રહે છે. આ પ્રવૃત્તિ વખાણવા જેવી નથી. ન તો હાલના સમયની દરેક વાતનું શાસ્ત્રોમાં પ્રમાણ મળી શકે છે અને જો મળે તો તે વ્યવહારુ (હાલના સમયમાં) હોતું નથી. આપણે મોટા ભાગનાં કાર્યો વિવેક દ્વારા નિર્ણય લઈને જ કરવાં જોઈએ.

સિધ્ધાંતોની પરીક્ષા કરવી જરૂરી છે કારણ કે પરસ્પર વિરોધી સિદ્ધાંતો સર્વત્ર જોવા મળે છે. એક બાજુ જ્યાં હિંસા, બલિદાન તથા કુરબાની ને ધર્મોનું સમર્થન મળ્યું છે, તો બીજી બાજુ એવા ધર્મ પણ છે, જેમાં જીવોની હત્યા તો દૂર રહી,પરંતુ તેમને કષ્ટ પહોંચાડવાને પણ પાપ માનવામાં આવે છે. આ રીતે ઈશ્વર, પરલોક, પુનર્જન્મ, અહિંસા, પવિત્ર ગ્રંથ, અવતાર, પૂજાવિધિ, કર્મકાંડ, દેવો વગેરે વિષયોના મતભેદોથી ધાર્મિક ક્ષેત્રો ખદબદે છે. સામાજિક ક્ષેત્રમાં વર્ણભેદ, સ્ત્રી અધિકાર, શિક્ષણ, રોટી, બેટી વગેરે પ્રશ્નોના સંબંધે પરસ્પર વિરોધી વિચારો પ્રબળ છે. રાજકારણમાં પણ પ્રજાતંત્ર, સામ્રાજ્યવાદ, પૂંજીવાદ, સમાજવાદ વગેરે અનેક પ્રકારની વિચારધારાઓ કામ કરી રહી છે. આ બધી વિચારધારાઓ એકબીજા સાથે લડે ઝઘડે પણ છે. તેમના સમર્થકો અને વિરોધીઓની સંખ્યા નાનીસૂની નથી.

જયારે સિદ્ધાંતોમાં આ પ્રકારના ઘોર મતભેદ હોય તો એક નિષ્પક્ષ તથા જિજ્ઞાસુ સત્યશોધક માટે તેમનું પરીક્ષણ જરૂરી છે. જયાં સુધી કયા પક્ષની વાત સાચી છે તથા કોની વાત ખોટી છે એ જાણવા ન મળે, કોનાં કથનો યોગ્ય છે અને કોનાં અયોગ્ય છે એ જાણવા ન મળે ત્યાં સુધી સત્ય સુધી પહોંચી શકાતું નથી. જો પરીક્ષા અને સમીક્ષાને આધાર ન બનાવીએ તો જરૂરી-બિનજરૂરીની પરખ થઈ શકે નહીં.

‘‘મહાજનો યેન ગતો સ પન્થા” અનુસાર મહાજનો અર્થાત્ મોટા લોકોનું અનુકરણ કરવાની પ્રથા પ્રચલિત છે. સામાન્ય લોકો સિદ્ધાંતની બાબતે માથું મારવાનું પસંદ કરતા નથી. બીજાની નકલ કરવી સરળ હોય છે, નજીકના મોટા વડીલ જે કહે તે માની લેવાથી મગજને તસ્દી લેવી પડતી નથી. મોટા ભાગના લોકોની મનોવૃત્તિ આવી જ હોય છે, પણ આ પ્રણાલીથી સાચા ર ખોટાનો ભેદ સમજાતો નથી કારણ કે જેને આપણે મોટા માણસ, વડીલ માનીએ છીએ તે કદાચ ગેરસમજ પણ ધરાવતા હોય. બનવા જોગ છે કે બીજા લોકો જેને અનુસરે છે તે કદાચ સાચો પણ હોય. જયારે અનેક લોકો એક માણસની વાત સાચી માનતા હોય, તો બીજું જૂથ કોઈ બીજી વ્યકિતની વાતોને પણ સાચી માનતું હોય. આવા કિસ્સામાં કોણ સાચું છે તે નિર્ણય કરવો મુશ્કેલ થઈ પડે છે.

મહાપુરુષો બે રીતે પોતાના વિચારો વ્યકત કરે છે, કલમ દ્વારા અને (૨)વાણી દ્વારા. વાણી દ્વારા વ્યકત કરાયેલા વિચારો ક્ષણિક અસર કરનારા હોય છે.તેથી તેમને કાયમી બનાવવા લેખનબદ્ધ કરવા પડે છે. વિચારોના વ્યવસ્થિત રૂપને ગ્રંથ કે પુસ્તક કહેવામાં આવે છે. જે ગ્રંથોમાં ધાર્મિક કે આધ્યાત્મિક વિચારો દર્શાવેલા હોય છે તેને શાસ્ત્ર કહે છે. શાસ્ત્રોને લોકો એક આગવો દરજ્જો આપે છે. જેવી રીતે કોઈ દેવની એક સ્વતંત્ર સત્તા સમજવામાં આવે છે તે રીતે આ શાસ્ત્રો પણ સ્વતંત્ર સત્તા બનાવા માંડ્યાં છે, પરંતુ ખરેખર એવું નથી. તે મહાપુરુષોના વિચારો જ છે અને જેવી રીતે કે મહાપુરુષ ગેરસમજ ધરાવતો હોઈ શકે તે રીતે તેમનાં વિધાનો પણ ગેરસમજવાળાં હોઈ શકે છે. એક શાસ્ત્ર દ્વારા બીજા શાસ્ત્રનાં કથનોનું ખંડન એ સૂચવે છે કે લગભગ એકસરખી પ્રતિભાવાળા અલગ અલગ મહાપુરુષોમાં પ્રાચીનકાળમાં પણ મતભેદો હતા. આજકાલ લગભગ દરેક પ્રશ્ન સંબંધે આપણા નેતાઓ અંદરોઅંદર ઝઘડે છે.

આજે આપણા નેતાઓના મતભેદોને સાંભળીને આપણી બુદ્ધિ માત્ર જેટલું ઉચિત અને જરૂરી લાગે છે એટલું જ ગ્રહણ કરે છે. કોઈ નેતાના કોઈ મંતવ્ય સાથે આપણે સહમત ન થતા હોઈએ, છતાં તેમના પ્રત્યે આદરભાવ રાખીએ છીએ. આ જ રીતે સ્વર્ગીય મહાપુરુષોની લેખબદ્ધ વિચારપ્રણાલી સંબંધે પણ આપણે વિવેકથી વિચારવું જોઈએ. શાસ્ત્રોનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ, પણ તેમના પ્રકાશમાં સત્ય શોધવું જોઈએ. આંધળું અનુકરણ થઈ શકે પણ નહીં કારણ કે ક્યારેક ક્યારેક એક જ શાસ્ત્રમાં બે વિરોધી આદર્શો પણ જેવા મળે છે. આપણાં શાસ્ત્રોમાં જીવતાં પશુઓને મારીને અગ્નિમાં આહુતિ આપવાનું વિધાન છે અને જીવમાત્ર પર દયા કરવાનું વિધાન પણ છે. બંને આદેશો પવિત્ર ધર્મગ્રંથોમાં હયાત છે. તે શાસ્ત્રો આપણાં પરમ આદરણીય અને માન્ય છે, છતાં આપણે માત્ર બુદ્ધિસંગત, ઉચિત અને સંજોગોને અનુરૂપ હોય એને જ આચરણમાં લાવીએ છીએ.

હિંદુ ધર્મ કોઈ વ્યકિત અથવા તેના લેખબદ્ધ વિચારોને એટલું બધું મહત્ત્વ આપતો નથી, ભલે તે વ્યકિત ગમે તેટલો મોટો મહાપુરુષ, ઋષિ, મહાત્મા કે ઈશ્વર કેમ ન હોય ! હિંદુ ધર્મમાં સિદ્ધાંતોની સમીક્ષા અને તેના બુદ્ધિસંગત ભાગને ગ્રહણ કરવાનું સમર્થન કરવામાં આવ્યું છે. કોઈ મહાન વ્યકિત કે ગ્રંથ સાથે મતભેદ રાખીને તેનાં મંતવ્યોનો અસ્વીકાર કરવાની તેમાં સંપૂર્ણ છૂટ છે. સાથોસાથ તે વ્યક્તિની મહાનતાને ઘટાડવાની આજ્ઞા નથી. મહાપુરુષો અને પવિત્ર ગ્રંથોનો યોગ્ય આદર કરવા છતાં માત્ર બુદ્ધિસંગત ભાગને જ ગ્રહણ કરવાનો આદેશ છે. આ આદેશના આધારે પ્રાચીન સમયમાં સાચા જિજ્ઞાસુઓએ સત્યની શોધ કરી છે અને આજે પણ આ જ માર્ગ અપનાવવો પડે છે.

હિંદુ ધર્મમાં ભગવાન બુદ્ધને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે. દસ અવતારોમાં તેમની ગણના થાય છે. આનાથી ઊંચો આદર, શ્રદ્ધા અને મહત્ત્વ બીજું શું હોઈ શકે ? ભગવાન બુદ્ધ પણ હિંદુઓ માટે બીજા અવતારોની જેમ પૂજનીય છે. તેમનું મહાન વ્યક્તિત્વ, ત્યાગ, તપ, સંયમ, જ્ઞાન અને સાધના આગળ દરેક વ્યકિતનું મસ્તક ઝૂકી જાય છે. તેમનાં પુનિત ચરણોમાં ઊંડા હ્રદયની ગાઢ શ્રદ્ધાંનાં ફૂલ ચઢાવી આપણે આપણી જાતને ધન્ય માનીએ છીએ. આમ હોવા છતાં ભગવાન બુદ્ધના વિચારોનો હિંદુ ધર્મમાં પ્રબળ વિરોધ છે. જગદ્ગુરુ શંકરાચાર્યે તેમનાં મંતવ્યોનું ખંડન કરવા જીવનપર્યંત પ્રયત્નો કર્યા છે. બૌદ્ધ વિચારોને કે ભગવાન બુદ્ધના સંપ્રદાયને સ્વીકારવા કોઈ હિંદુ તૈયાર નથી, છતાં તેમના વ્યક્તિત્વમાં ભગવાનનાં દર્શન બધા કરે છે.

વ્યકિતત્વ અને સિદ્ધાંત એ બે અલગ અલગ વસ્તુઓ છે. અમુક મહાપુરુષે કહ્યું છે અથવા અમુક ગ્રંથમાં લખ્યું છે એટલા માત્રથી કોઈ સિદ્ધાંતને માન્ય રાખી શકાય નહીં. એ રીતે કોઈ દુષ્ટ વ્યકિત ટીકા કરે એટલે એ સિદ્ધાંત અમાન્ય થઈ જતો નથી. કોઈ ચોર એમ કહે કે ‘‘સત્ય બોલવું યોગ્ય છે ” તો આ ચોરે કહ્યું છે એટલા માત્રથી તેનો અસ્વીકાર થઈ શકે નહીં. ચોરનું ધૃણિત વ્યકિતત્વ અલગ વાત છે અને સત્ય બોલવાનો સિદ્ધાંત અલગ વાત છે. બંનેની ભેળસેળ કરી નાખીએ તો અનર્થ જ થશે, કારણ કે ચોરે સત્ય બોલવાના સિદ્ધાંતનું સમર્થન કર્યું છે, એટલે એ સિદ્ધાંત ખોટો ઠરતો નથી. આ રીતે કોઈ મહાત્મા કોઈ અજૂગતી વાતનો ઉપદેશ આપે તો તેને સાચો મનાય નહીં. કેટલાય અઘોરી સાધુઓ ન ખાવા જેવું ખાય છે, જો કે તેમની તપશ્ચર્યા ઘણી ઊંચી હોય છે, છતાં પણ તેમના આચરણને સામાન્ય રીતે કોઈ અનુસરતું નથી. વ્યકિતત્વ અને સિદ્ધાંત ચોક્કસપણે અલગ છે. મહાત્મા કાર્લ માર્કસ, એંજલ, લેનિન વગેરેનું ચારિત્ર્ય ઘણું મહાન હતું, પોતાના વિષયના તેઓ શ્રેષ્ઠ વિદ્વાનો હતા. તેમના ઉજ્જવળ વ્યકિતત્વ માટે દુનિયા માથું ઝુકાવે છે, છતાં કોઈ તેમના અનીશ્વરવાદી મતને માન્ય કરતું નથી.

પ્રાચીન સમયમાં પણ આજની જેમ પરસ્પર વિરોધી મત પ્રચલિત હતા. જેમ આજે વિવિધ વિચારધારાઓના મતભેદને કાળજીથી ચકાસીને તેમાંનું ઉપયોગી તત્ત્વ અપનાવવા મજબૂર થવું પડે છે તે જ રીતે પ્રાચીન સમયમાં પણ કરવું પડતું હતું. આધુનિક મહાપુરુષોના વિચારોથી જીવનનિર્માણના કાર્યમાં આપણને મદદ મળે છે તે રીતે પ્રાચીનકાળના સ્વર્ગીય મહાપુરુષોનાં મંતવ્યો અને ધર્મગ્રંથોનો પણ લાભ ઉઠાવવો જોઈએ, એમ છતાં કોઈના આંધળા ભકત ન બનવું જોઈએ. બનવા જોગ છે કે પ્રાચીન અને અર્વાચીન સ્થિતિમાં અંતર પડવાથી સમગ્ર વિચારો આજે ઉપયોગી ન હોય. બનવા જોગ છે તેમણે કોઈ વાતને એક દષ્ટિકોણથી જોઈ હોય અને આજે આપણે બીજા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા હોઈએ. એક સમયે એમ માનવામાં આવતું હતું કે ચાતક સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીએ છે, પણ હવે પ્રાણીશાસ્ત્રીઓએ સંશોધન દ્વારા શોધી કાઢયું છે કે ચાતક દરરોજ પાણી પીએ છે. હંસ મોતી ચરે છે તથા દૂધ અને પાણી જુદાં પાડી શકે છે વગેરે અનેક વાતોમાં પણ પ્રાચીનકાળના સિદ્ધાંતોમાં અને વર્તમાન સંશોધનોમાં મતભેદ છે. આ મતભેદ બાબતે આપણે પરીક્ષણ બુદ્ધિથી ગમે તે મત નક્કી કરવો પડે છે. આધુનિક કે પ્રાચીન હોવાથી કોઈ સિદ્ધાંતને માન્ય કે અમાન્ય રાખી શકાય નહીં. શાસ્ત્રકારોનો એ મત છે કે ‘“બાળનાં તતથ્યપૂર્ણ વચનો માની લો, પરંતુ તર્કતથ્યથી વેગળાં વચનો ભલે બ્રહ્માજીએ કહ્યાં હોય તો પણ તણખલાની જેમ છોડી દો.” તેને

ગાયત્રી મહામંત્રનો સોળમો અક્ષર ‘હિ’ વિવેકની કસોટી

ગાયત્રી મહામંત્રનો સોળમો અક્ષર ‘હિ’   વિવેકની કસોટી

હિતં મત્વા જ્ઞાનકેન્દ્રં સ્વાતંત્ર્યણ વિચારયેત્ । નાન્ધાનુસરણં કુર્યાત્ કદાચિત્ કોડપિ કસ્યચિત્ ॥

એટલે કે વિવેકને કલ્યાણકારી માની પ્રત્યેક વાત સ્વતંત્ર રીતે વિચારો. આંધળું અનુકરણ કોઈ પણ સ્થિતિમાં કયારેય ન કરો.

દેશ, કાળ, પાત્ર, પરિસ્થિતિ અને સત્તાને અનુરૂપ માનવસમાજનાં હિત અને સગવડો માટે જુદાં જુદાં શાસ્ત્રો, નિયમો, કાયદા અને રૂઢિઓ બને છે અને પ્રચલિત થાય છે. સ્થિતિઓના પરિવર્તનની સાથે સાથે આ માન્યતાઓ અને પ્રથાઓમાં સુધારા થતા રહે છે. પાછલાં હજારો વર્ષોમાં અનેક પ્રકારનાં ધાર્મિક વિધાન, રીતરિવાજ, પ્રથા, પરંપરા, શાસનપદ્ધતિ વગેરે બદલાઈ ચૂકયાં છે.

શાસ્ત્રોમાં અનેક જગ્યાએ પરસ્પર વિરોધી મંતવ્યો દેખાય છે. એનું કારણ એ છે કે અલગ અલગ સમયકાળમાં ભિન્ન ભિન્ન કારણોને લીધે રીતિનીતિમાં જે સુધારાવધારા થતા રહ્યા છે તેમનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. લોકો સમજે છે કે આ બધાં શાસ્ત્રો, બધા નિયમો અને આચારસંહિતાઓ એક જ સમયકાળમાં પ્રચલિત હતાં, પરંતુ હકીકતો આનાથી ઊલટી છે. ભારતીય શાસ્ત્રો હંમેશાં પ્રગતિશીલ રહ્યાં છે અને દેશ,કાળ તથા પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થાઓમાં ફેરફાર કરતાં રહ્યાં છે.

કોઈ પ્રથા, માન્યતા તથા પરંપરા સમયની પરિસ્થિતિઓ કરતાં પાછળ રહી ગયેલી હોય, તો પરંપરાનો મોહ રાખીને તેનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. વર્તમાન સ્થિતિઓને ધ્યાનમાં રાખી રૂઢિઓમાં ફેરફાર અવશ્ય કરવો જોઈએ. આજે આપણા સમાજમાં એવી અનેક પ્રથાઓ છે, જે બદલવાની તાતી જરૂર છે.

આપણને પરમાત્માએ જે વિવેકબુદ્ધિ આપી છે તેનો હેતુ એ છે કે કોઈપણ પુસ્તક, વ્યકિત કે પરંપરાની આપણે પરીક્ષા કરી શકીએ. જે વાત બુદ્ધિ, વિવેક અને વ્યવહારમાં યોગ્ય ઠરે તેને જ અપનાવવી જોઈએ.

બુદ્ધિના ન્યાયસંગત, નિષ્પક્ષ, સત્ત્વગુણી, સહૃદય, ઉદાર અને લોકહિતૈષી ભાગને વિવેક કહે છે. આ વિવેકના આધારે લીધેલા નિર્ણયો કલ્યાણકારી હોય છે. આ આધારનો આશરો લેવાથી જો કોઈ ભૂલો થાય તો તેનું નિવારણ જલદીથી થઈ જશે કારણ કે વિવેકમાં દુરાગ્રહ હોતો નથી.

વિવેક આપણને હંસની જેમ દૂધપાણીને અલગ પાડવાનું શિક્ષણ આપે છે. જ્યાં સારું અને ખરાબ ભેગાં થઈ ગયાં હોય ત્યાં બૂરાઈને અલગ તારવી સારપને ગ્રહણ કરવી જોઈએ, અપનાવી લેવી જેઈએ. ખરાબ માણસોના જે કંઈ સારા ગુણો હોય તે માટે માન હોવું જોઈએ અને સારા માણસોના દુર્ગણો છોડી દેવા જોઈએ.

માત્ર પાપ જ દુઃખનું કારણ નથી , ગાયત્રી વિદ્યા

સામાન્ય રીતે દુઃખ કોઈને ગમતું નથી. લોકો સમજે છે કે પાપના બદલામાં અથવા કુદરતના કોપને લીધે દુઃખ આવે છે. આ વાત સંપૂર્ણ સાચી નથી. દુઃખનું કારણ પાપ છે એ સાચું છે, પણ બધાંય દુઃખનું સમગ્ર કારણ પાપ છે એ ખોટું છે.

ઘણીવાર એવું પણ બને છે કે ઈશ્વરની કૃપાથી, પૂર્વસંચિત પુણ્યોને લીધે અને પુણ્ય ભેગું કરવાના તપને લીધે પણ દુઃખ આવે છે. દરેક પ્રાણીને દયાળુ પરમાત્મા પોતાના શરણમાં લેવા માગે છે, કલ્યાણના માર્ગે લઈ જવા માગે છે અને એટલા માટે તેને ભવબંધનમાંથી, કુકર્મોથી છોડાવવા એવી દુઃખદ ઘટનાઓ લાવે છે કે જેની ઠોકર ખાઈને માનવી પોતાની ભૂલ સમજે તથા ઊંધ છોડી જાગૃત થાય.

સાંસારિક મોહ, મમતા અને વિષયવાસનાનો ચટકો એવો લોભામણો છે કે તે સામાન્ય પ્રયત્નોથી છૂટી શકતો નથી. આપણને એવો એક વિચાર આવે છે કે જીવન જેવી અમૂલ્ય સંપત્તિનો ઉપયોગ કોઈ શ્રેષ્ઠ કાર્યમાં કરવો જોઈએ, પણ બીજી જ પળે એવી લલચાવનારી પરિસ્થિતિઓ પ્રત્યક્ષ આવે છે, જેથી પેલો વિચાર ક્યાંય ઊડી જાય છે અને માનવી જ્યાંનો ત્યાં જ તે તુચ્છ પરિસ્થિતિમાં સડ્યા કરે છે. આ પ્રકારની ગંદકીના કીચડમાંથી બહાર કાઢવા ભગવાન ભક્તને હડસેલો મારે છે, ઊંઘતાને જગાડવા ઢંઢોળે છે. આ હડસેલો કે ઝટકો આપણને દુઃખ જેવો લાગે છે.

મોતની નજીક લઈ જનારી બીમારી, પરમપ્રિય સ્વજનોનું અવસાન, ભારે નુકસાન, દુર્ઘટના, નજીકના મિત્ર દ્વારા દગો, વિશ્વાસઘાત જેવી હૃદયને આઘાત પહોંચાડનારી ઘટનાઓ પોતાના જબરદસ્ત ઝટકાથી માનવીને સજાગ બનાવી પોતાની ભૂલ સુધારવા સૂચન કરે છે. આને લીધે જો આપણે ખોટા માર્ગ પર ચાલતા હોઈએ તો સાચા માર્ગ પર આવી જવાય.

ધર્મકૃત્ય કરવામાં, કર્તવ્યપાલન કરવામાં ઘણાં દુ:ખ આવે છે તથા અભાવનો સામનો કરવો પડે છે. એમને કેટલાય દુષ્ટ લોકો પોતાના પરનું આક્રમણ માની ધર્મસેવાની વિરુદ્ધ થઈ જાય છે અને કેટલાય પ્રકારની અડચણો ઊભી કરે છે. સત્પુરુષોને આવા પ્રકારનાં દુઃખો, કષ્ટો ડગલે ને પગલે સહેવાં પડે છે. આ પુણ્ય ભેગું કરવાના તપમાં આપણી સત્યતાની પરીક્ષા લઈને આપણને સોનાની જેમ ચમકાવનારાં એ દુઃખો જ છે.

એ પણ સાચું છે કે કેટલાંય દુઃખ પાપનાં પરિણામ હોય છે, છતાં એ પણ એટલું ચોક્કસ છે કે પૂર્વસંચિત સારા સંસ્કારોથી અને ધર્મસેવાની તપશ્ચર્યાથી પણ તે દુઃખો આવે છે. આમ જ્યારે આપણા પર કોઈ દુઃખ આવે, તો માત્ર એમ ન વિચારવું જોઈએ કે આપણે અભાગિયા છીએ, પાપી છીએ અને ઈશ્વરના કોપનો ભોગ બન્યા છીએ. બનવા જોગ છે કે તે દુઃખોની પાછળ કોઈ એવો લાભ છુપાયો હોય, જે આપણું અલ્પબુદ્ધિ ધરાવતું મગજ યોગ્ય રીતે જાણી પણ ન શકતું હોય.

બીજા લોકો અનીતિ અને અત્યાચાર કરી કોઈ નિર્દોષને સતાવી શકે છે. શોષણ, અત્યાચાર અને અન્યાયનો શિકાર બની કોઈ વ્યક્તિ દુઃખી થઈ શકે છે. અત્યાચારીને ભવિષ્યમાં તેનો જે દંડ મળે તે સાચો, પણ તત્કાળ તો નિર્દોષોએ જ દુઃખ સહેવું પડે છે. આવી ઘટનાઓને દુઃખ પામનાર વ્યક્તિનાં પોતાનાં કર્મોનું ફળ ન ગણાવી શકાય.

મોજશોખ કરનાર પ્રત્યેક વ્યક્તિને પૂર્વજન્મનો ધર્માત્મા અને દુઃખ ભોગવતા પ્રત્યેકને પૂર્વ જન્મનો પાપી માનવાની જરૂર નથી. આ માન્યતા ભ્રમ ભરેલી છે. આ ભ્રમના આધારે કોઈ પોતાને દુષ્ટ સમજે, આત્માને દુઃખ પહોંચાડે, પોતાને નીચ કે તિરસ્કૃત સમજે તેવી કોઈ જરૂર નથી. કર્મની ગતિ ગહન છે, આપણે તેને સાચી રીતે ઓળખી શકતા નથી. માત્ર પરમાત્મા જ તેને જાણે છે.

માનવીનું કર્તવ્ય છે કે સુખદુઃખનું ધ્યાન રાખ્યા વિના સતત પોતાની ફરોનું પાલન કરે, જવાબદારીઓ નિભાવે અને સન્માર્ગે ચાલતો રહે. કાર્યમાં સફળતા મળે છે કે નિષ્ફળતા, આપણી વાહવાહ થાય છે કે નિંદા, આપણે લાભમાં રહીએ છીએ કે ખોટમાં એ બધી વાતોને લીધે કર્તવ્ય છોડી દેવું કોઈ રીતે યોગ્ય નથી. જવાબદારીઓમાંથી પાછા હઠવું સહેજેય યોગ્ય નથી કારણ કે આ સંસારમાં બધે જ કુદરતનો ન્યાય કામ કરી રહ્યો છે. આપણે આપણી અલ્પ બુદ્ધિથી ભલે તેને ન સમજી શકીએ, પણ આપણાં કર્મોનું ફળ વહેલું કે મોડું, પણ સાચું અને યોગ્ય મળશે તે નક્કી જ છે. એટલે આપણે કોઈ પણ સંજોગોમાં પરમાત્માના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.

માનવી પોતે પોતાનો ભાગ્યવિધાતા છે, ગાયત્રી વિદ્યા

શાસ્ત્રોનું કહેવું છે કે સંસાર તો એક જડ, અચેતન વસ્તુ છે. તેને આપણે જેવો બનાવવા માગીએ છીએ તેવો બની જાય છે. જીવ ચેતન અને કર્તા છે, સંસાર પદાર્થ છે અને જડ છે. જડ પદાર્થને પોતાની ઈચ્છા અને જરૂર પ્રમાણે વાપરી શકે એવી યોગ્યતા ચૈતન્યયુક્ત કર્તામાં હોય છે. કુંભાર પાસે માટી હોય તો તે દીપક બનાવી શકે અને ઘડો પણ બનાવી શકે. સત,રજસ અને તમસથી ભરપૂર ત્રિગુણમયી આ કુદરતનાં બે પાસાં છે ઃ એક સારું અને બીજું ખરાબ, એક સફેદ અને બીજું કાળું, એક ધર્મ અને બીજું અધર્મ. આમાંથી પસંદગી કરવી એ આપણા હાથની વાત છે. આપણે એ બાબતે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. દુનિયાનું અસલી રૂપ તો પહેલાં બતાવ્યું છે, પણ એ તો શાસ્ત્રીય વ્યાખ્યા થઈ. વ્યાવહારિક રીતે પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ દુનિયા છે. કોઈ વ્યક્તિ ચોર હોય તો તેને સમગ્ર સંસારમાં ચોરીની ચર્ચા કરવાની જ તક મળ્યા કરશે. વ્યભિચારી વ્યક્તિને બધી સ્ત્રીઓ વેશ્યા જ દેખાશે. એક જ વ્યક્તિ અનેક લોકોને અનેક પ્રકારની દેખાશે. માતા એને હૃદયનો ટુકડો માનશે, પિતા આજ્ઞાકારી પુત્ર માનશે, પત્ની જીવથીય વહાલો માનશે, પુત્ર તેને હિતેચ્છુ પિતા માનશે. આ રીતે આપ જોશો કે એક જ વ્યક્તિના સંબંધમાં આ બધાં સગાં કેવી કેવી વિચિત્ર કલ્પનાઓ કરે છે ! આ કલ્પનાઓ પણ એકબીજા સાથે સુસંગત નથી. એ વ્યક્તિની જેને જે રીતે જરૂર પડે છે તે તેને અનુરૂપ જ કલ્પના કરે છે. વિચિત્રતા તો એ છે કે તે માનવી પોતે પણ પોતાની બાબતે એક એવી જ કલ્પના કરતો હોય છે કે તે વેપારી છે, લખપતિ છે, વૃદ્ધ છે, નિઃસંતાન છે, કદરૂપો છે,

ગણનાપાત્ર છે, દુઃખી છે, ખરાબ મિત્રોથી ઘેરાયેલો છે વગેરે. એ કલ્પનાલોકમાં તે જીવનપર્યંત વિચરણ કરતો રહે છે. જેમ બીજા લોકો તેની બાબતે પોતાના સ્વાર્થ અનુસાર કલ્પના કરે છે તેવી જ રીતે મન પણ પોતાના વિશે ઈન્દ્રિયોની અનુભૂતિના આધારે લૂલી-લંગડી કલ્પના કરી લે છે અને તે ક્લ્પનામાં લોકો દારૂડિયાની જેમ રઝળ્યા કરે છે. “હું કોણ છું ?” એ રહસ્ય જો તે જાણી લે તો તેને ખ્યાલ આવશે કે પોતાની બાબતે તે કેવી ખોટી ધારણાઓ રાખતો હતો. માનવીને કેટલાય પ્રકારનાં દુઃખોમાં રડતો, કકળતો અને કેટલાંય સુખોમાં રાજીનો રેડ થતો જોઈએ છીએ. “દુનિયા ઘણી ખરાબ છે, જમાનો ઘણો ખરાબ છે, પ્રામાણિકતાનો યુગ પૂરો થઈ ગયો છે, બધે છળકપટ તથા બેઈમાની જ છવાયેલાં છે, બધા લોકો દગાબાજ હોય છે, ધરતી પરથી ધર્મનો નાશ થઈ ગયો છે” આવું જે કોઈ અવારનવાર બોલે છે તે જાતે જ દગાબાજ અને બેઈમાન છે. તેને જોઈતી વસ્તુઓ ચારે બાજુથી એકત્ર થઈ ગઈ છે અને તેનો ઉપયોગ કરી એક પૂર્વનિયોજિત કલ્પનાચિત્ર તેના મગજ પર અંકાઈ ગયું છે. જે વ્યક્તિ એમ કહી રહી હોય કે “દુનિયામાં કામ જ ક્યાં મળે છે ? બેકારી વધી રહી છે, ઉદ્યોગ ધંધા ઠંડા થઈ ગયા છે, સારું કામ મળતું નથી,” તો માની લેવું જોઈએ કે એ વ્યક્તિ અયોગ્યતાની લઘુતાગ્રંથીથી પિડાઈ રહી છે અને જ્યાં જ્યાં જાય છે ત્યાંથી અયોગ્ય સાબિત થઈને જ પાછી આવે છે. જેને દુનિયા સ્વાર્થી, કપટી, દંભી, દુઃખમય, કલુષિત, દુર્ગુણી તથા અસભ્ય દેખાય છે તે વ્યક્તિ જાતે જ પોતાના અંતરમાં પ્રબળ અવગુણોનો ભંડાર ભરી બેઠી હોય છે. દુનિયા એક લાંબોપહોળો, શ્રેષ્ઠ કક્ષાનો અરીસો છે, જેમાં આપણું મોં આબેહૂબ દેખાય છે. જે વ્યક્તિ જેવી છે તેને માટે એવાં તત્ત્વો જ આ ત્રિભ્રુણી સૃષ્ટિમાંથી નીકળીને આગળ આવે છે.

ક્રોધી માનવી જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં કોઈ ને કોઈ ઝઘડા કરનારું તેને ગુસ્સે કરનારું મળી જ આવશે. તિરસ્કાર કરનારને કોઈ ને કોઈ તિરસ્કૃત વસ્તુ મળી જ આવશે. અન્યાયી માનવીને બધા લોકો ખરાબ, અસભ્ય અને સજાપાત્ર જ જણાશે. પોતાની મનોભાવના આપણે બીજા પર ઠોકી બેસાડીએ છીએ અને આપણે જેવા છીએ તેવા જ અન્યને પણ માનીએ છીએ. સાધુઓને પોતાના જેવા સદ્ગુણી, વિદ્યાભ્યાસીઓને સાની અને જિજ્ઞાસુઓને જ્ઞાની લોકો મળી જ રહે છે. સતયુગી આત્માઓ પ્રત્યેક યુગમાં હોય છે અને તેમની આસપાસ હંમેશાં સતયુગ જ વર્તાય છે.

મારા આ કથનનો અર્થ એવો નથી કે દુનિયા દૂધે ધોયેલી છે અને આપ આપના દૃષ્ટિદોષથી તેને ખરાબ સમજી બેઠા છો. દુનિયા ત્રિગુણમયી છે. પ્રત્યેક વસ્તુ ત્રણ ગુણોથી બનેલી છે. તેમાં આપનાથી નીચેના વર્ગનાં બાળકો ભણે છે, આપની સાથે ઘણા ભણે છે અને આપનાથી ખૂબ આગળ ભણનારા ય ઘણા છે. ત્રણેય પ્રકારના લોકો અહીં છે. સતોગુણી વિદ્યાર્થીઓ એ છે કે જેઓ આપનાથી આગળના ધોરણમાં ભણે છે, રજોગુણી એ છે કે જેઓ આપની સાથે ભણે છે અને આપનાથી પાછળનાં ધોરણોના વિદ્યાર્થીઓ તમોગુણી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમપદની પ્રાપ્તિ પહેલાં પ્રત્યેક પ્રાણી અપૂર્ણ છે. તેનામાં કંઈક ને કંઈક નીચ, હલકટ તત્ત્વ રહેવાનું જ.

મારા ધ્યાનમાં ઘણા એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે મારે બે વિરોધીઓ વચ્ચે સમાધાન કરાવવાનો વારો આવ્યો હોય, બે દુશ્મનોને મિત્રો બનાવવા પડ્યા હોય. બંનેમાં વિરોધ કઈ રીતે શરૂ થયો તેનું ગંભીર સંશોધન કરતાં ખબર પડી કે હકીકતમાં કારણ નજીવું હતું. પછી તો બંને પોતપોતાની રીતે કલ્પના કરતા ગયા અને વાતનું વતેસર થઈ ગયું. જો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે, પોતપોતાની ભાવના એક્બીજા સમક્ષ રજૂ કરે અને એકબીજાની ઈચ્છા, સ્વભાવ તથા મનોભૂમિનું ઉદારતાથી અધ્યયન કરે, તો અંદરોઅંદરના જે કોઈ ઝઘડા દેખાય છે તેમાંથી ૯૯ ટકા તો દૂર થઈ જ જાય. માત્ર એક ટકો જ બાકી રહે. કલેશ-લહનાં સાચાં કારણોઃ સાવ નજીવાં હોય છે. જેવી રીતે લોટમાં ચપટી મીઠું સ્વાદ પરિવર્તન માટે નાખીએ છીએ તેટલું જ કારણ હોય છે. મરચું ઘણું તીખું છે અને તમતમાટ ઉત્પન્ન કરે છે, છતાં થોડી માત્રામાં તો ભાવે છે.

પ્રત્યેક ઉન્નત આત્માની એ ફરજ છે કે તે આત્મવિકાસ માટે બીજાની ઉન્નતિનો પણ પ્રયત્ન કરે. બધી રીતે પછાતને આગળ લાવવા પ્રયત્ન કરો. સમાજમાં તમોગુણ વધતો રહે તેનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આત્મોન્નતિ ઈચ્છનાર સૌની એ ફરજ છે કે તમોગુણ સામે લડતાં લડતાં પોતાના હાથ મજબૂત કરે. દુષ્ટતા વધવા ન દેવી, પાશવી તત્ત્વોને માનવ તત્ત્વોમાં ભળવા ન દેવાં જોઈએ. હોશિયાર દૂધવાળો દૂધને માખોથી બચાવે છે, ખટાશથી બચાવે છે, જેથી દૂધ બગડી ન જાય. સમાજમાં પાપ પ્રવૃત્તિઓને વધતાં રોકવી જોઈએ. એ જ સાચું ફરજપાલન છે. આ સંગ્રામ માટે ખાસ હોશિયારી રાખવી જરૂરી છે. આ તલવારની ધાર છે, તેના પર ચાલવું એ સાચો યોગ ગણાશે.

દુર્ગુણોથી ભરેલા આ જગતમાં આપણું કર્તવ્ય શું હોવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ ભગવાન સૂર્યનારાયણ આપણને આપે છે. તેઓ પ્રકાશ ફેલાવે છે અને અંધારું અનાયાસે જતું રહે છે, વાદળો વરસાદ વરસાવે છે ત્યારે ઉનાળાનો તાપ જાતે ઠંડો પડી જાય છે, આપણે ભોજન ખાઈએ છીએ, તો ભૂખ આપોઆપ શાંત થઈ જાય છે, સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરતાં દુર્બળતા જાતે જતી રહે છે, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો અજ્ઞાન આપોઆપ દૂર થઈ જાય છે. સરળ રસ્તો એ છે કે સંસારમાંથી બૂરાઈઓને દૂર કરવા સત્કાર્યોનો પ્રચાર કરવો જોઈએ, અધર્મને દૂર કરવા ધર્મનો પ્રચાર કરવો જોઈએ.

આપ સરળ રસ્તો અપનાવો, લડવા ઝઘડવાની નીતિ છોડીને દાન, સુધાર તથા પ્રેમનો માર્ગ અપનાવો. એક આચાર્યનું કહેવું છે, “પ્રેમ ભરેલી વાત કઠોર લાતથી બહેતર છે.” પ્રત્યેક માનવી પોતાની અંદર વત્તાઓછા અંશે સાત્ત્વિકતા ધરાવતો હોય છે. આપ એ સાત્ત્વિકતાને જાગૃત કરો. જે વ્યક્તિમાં જેટલી સાત્ત્વિકતા હોય તેને આગળ વધારવા પ્રયત્ન કરો. અંધકારમાં લડશો નહિ, પ્રકાશ ફેલાવો. અધર્મ ફેલાતો જોઈ નિરાશ ન થશો, ધર્મપ્રચારનો પ્રયત્ન કરો. દુષ્ટતાને દૂર કરવાનો એક માત્ર ઈલાજ છે – સત્કાર્યો વધારવાં.

બનવા જોગ છે કે લોકો આપની ઠેકડી ઉડાડે, તિરસ્કાર કરે, તમારું મહત્ત્વ ન સમજે, તમને મૂર્ખ ગણે અને વિરોધી બની તમારા કામકાજમાં નકામી દખલગીરી કરે, પરંતુ તે અંગે સહેજેય ચિંતા કર્યા વિના કામમાં દૃઢતાથી લાગ્યા રહો. આવા વિરોધીઓની સંખ્યા સાવ નગણ્ય હશે. સો માનવી આપણા શુભ પ્રયત્નોનો લાભ ઉઠાવે, તો બેચાર વિરોધી પણ હોય. આ વિરોધ આપણે માટે ઈશ્વરીય વરદાન સાબિત થશે. તેનાથી તમે આત્મનિરીક્ષણ કરીને ભૂલો સુધારી શકશો તથા દૃઢતાપૂર્વક કામ કરી શકશો. ઉપરાંત સંઘર્ષથી જે શક્તિ આવે છે તે મળતાં આપ ઘણી ઝડપથી આગળ વધી શકશો.

આપ સમજી ગયા હશો કે આ સંસાર અસાર છે, એટલે તે વૈરાગ્યને યોગ્ય છે, પરંતુ આત્માની ઉન્નતિ માટે કર્તવ્યપાલન કરવામાં આ વૈરાગ્ય આડો નહિ આવે. સાચું તો એ છે કે વૈરાગ્ય રાખવાથી જ આપણે વિકાસના પથ પર તીવ્ર ગતિથી આગળ વધી શકીશું. સંસારને દુઃખમય માનવો એ ભૂલ છે. સંસાર સુખમય છે. જો સંસારમાં સુખ ન હોત તો સાવ સ્વતંત્ર, અતિ શુદ્ધ, અતિ બુદ્ધિશાળી અને આનંદી આત્મા તેમાં આવવા તૈયાર જ ન થયો હોત. સુખના અભાવને જ દુ:ખ કહે છે. રાજમાર્ગ પર ચાલવાનું છોડી કાંટાળી કેડીઓમાં ભટકવું એ દુઃખ છે. દુઃખ, વિરોધ, વેર, કલેશ, ક્લહ મોટે ભાગે સાવ કાલ્પનિક જ હોય છે. બીજા લોકો આપણે ધારીએ છીએ એટલા ખરાબ હોતા નથી. જો આપણે આપણા મનની સફાઈ કરી લઈએ, આંખો પરનાં રંગીન ચશ્માં ઉતારી દઈએ તો સંસારનું સાચું રૂપ દેખાશે. સંસાર અરીસા સમાન છે. ભલા માટે ભલો છે અને દુષ્ટ માટે દુષ્ટ છે. જો આપણને બધે ભલાઈ દેખાતી હશે તથા પ્રેમપૂર્વક સુધારો થતો દેખાશે, તો તરત જ આખો સંસાર પોતાનો સમગ્ર પ્રેમ આપણા પર ઉલેચતો જોવા મળશે, અંતરિક્ષમાંથી મુક્ત આત્માઓ અવિરત પ્રેમરસના આશીર્વાદ વરસાવતા જોવા મળશે. જેવી રીતે ઠંડકનાં ચશ્માં પહેરતાં જ જેઠ મહિનાના કાળઝાળ બપોરની ગરમી ઓછી થઈ જાય છે, તેવી જ રીતે સુખની ભાવના ક૨વાથી વિશ્વનો એકેએક કણ પોતાનાં સુખશાંતિનો ભાગ આપણા માટે છોડતો જોવા મળશે. આ સંસારમાં કીડા માટે છાણનો અને હંસ માટે મોતીઓનો ખજાનો ભરેલો છે. આપ જે વસ્તુ ચાહો છો તે આપના માટે ભરપૂર માત્રામાં મોજૂદ છે. જો સંસારને દુ:ખમય, પાપી તથા અન્યાયી માનતા હશો, તો તે કલ્પવૃક્ષની જેમ જ એવા સ્વરૂપે પ્રત્યક્ષ આવીને ઊભો રહેશે. જો સુખમય માનતા હશો તો મસ્ત ફકીરની જેમ સૂકો રોટલો ખાઈ બાદશાહી આનંદ લૂંટી શકશો. હકીકતમાં દુઃખ અને પાપ થોડીઘણી માત્રામાં આ દુનિયામાં છે તો ખરાં, પરંતુ તે સહન કરવા જેવાં છે, સુખનો મહિમા વધારનારાં છે. જે પાપ છે તે આત્માની ઉન્નતિ માટે અત્યંત જરૂરી છે. જો પરીક્ષાની વ્યવસ્થા ન હોય, તો વિદ્વાન અને મૂર્ખમાં કોઈ અંતર જ ન રહે.

વાચકોને ઉપરોક્ત નિવેદનથી એ જાણવામાં સરળતા થઈ હશે કે સૃષ્ટિ જડ હોવાને લીધે આપણા માટે સુખદુઃખનું કારણ ગણી શકાય નહિ. તે અરીસા સમાન છે. પ્રત્યેક વ્યક્તિ તેમાં પોતાનું સુંદર કે કદરૂપું મોં જેવું છે તેવું જોઈ શકે છે. “સંસાર કલ્પિત છે” દર્શનશાસ્ત્રની ઉક્તિમાં પણ રહસ્ય છુપાયેલું છે. દરેક વ્યક્તિ સંસારને પોતાની કલ્પના અનુસાર જ માને છે. કેટલાક આંધળા લોકોએ એક હાથીને સ્પર્શ કર્યો. જેણે પૂંછડી પકડી હતી તે હાથીને સાપ જેવો સમજવા લાગ્યો. જેણે પેટ પકડ્યું હતું તેને પહાડ જેવો લાગ્યો, પગ પકડ્યો તેને હાથી થાંભલા જેવો લાગ્યો. આ સંસાર પણ એવો જ છે. આપણે સૌથી નજીકના સ્થાનને જોઈ, નિરખીને કલ્પના બાંધીએ છીએ. આપ આપની ચારે બાજુ પવિત્રતા, પ્રેમ, ભાઈચારો, ઉદારતા, સ્નેહ અને દયાનું વાતાવરણ તૈયાર કરો, આપની દૃષ્ટિ ગુણો ગ્રહણ કરવાની બનાવો તો હું સોગંદપૂર્વક કહું છું કે આપને આ સંસાર નંદવન જેવો, સ્વર્ગના એક ટુકડા જેવો આનંદમય લાગશે. ભલે તમારા પડોશીઓ પોતાની ખરાબ અને દુઃખદ કલ્પનાઓ દ્વારા સંસારને ખરાબ અને દુઃખદ માનતા રહે.