Archive

Archive for September, 2008

સુવિચાર :

September 30, 2008 KANTILAL KARSHALA Leave a comment

આત્મવિશ્વાસ અને ભવિષ્ય

પ્રત્યે અતૂટ આશા એ બે સાધનો છે,

જેમની મદદથી મનુષ્ય સંકટોના પડકારોને

ઉજ્જ્વળ ભવિષ્યમાં બદલી શકે છે.

—————-

જીવન એક એવો સુયોગ છે, જેનો પરિપૂર્ણ લાભ ઉઠાવો.

જીવન એક સ્વપ્ન છે, જેને સાકાર કરી બતાવો.

જીવન એક આનંદ છે, જેનો આનંદ લઈ બીજાઓને વહેચો

જીવન એક પડકાર છે, જેનો સામનો કરો.

જીવન એક સંઘર્ષ છે, જેની સાથે બહાદુરીપૂર્વક લડો.

જીવન એક કર્તવ્ય છે, જેને પૂર્ણપણે નિભાવો.

જીવન એક રમત છે, જેને ખેલાડીની ભાવનાથી રમો.

જીવન એક ગીત છે, જેને તન્મયતાથી ગાઓ અને સાંભળો.

જીવન એક વરદાન છે, જેનો હળીમળીને ઉપયોગ કરો.

જીવન એક રહસ્ય છે, જેને ખોલી બતાવો.

જીવન એક યાત્રા છે, જેના પર સતત ચાલી લક્ષ્ય સુધી પહોંચો.

————–

જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ

તેમ તેમ ઉદારતા વધતી જાય છે.

Categories: સુવિચાર

સુવિચાર :

September 29, 2008 KANTILAL KARSHALA Leave a comment

જ્ઞાનરૂપી આ ગંગા પાસેથી આપણે કંઈક શીખીએ.

ડગળાંની યથાર્થતા શોધીએ, સફળતા તપાસીએ અને

જેમાંથી જેટલો થઈ શકે તેટલો અનુકરણ

અને અનુગમનનો પ્રયાસ કરીએ.

આ નફાનો સોદો છે, નુકસાનનો નહિ.

————–

લાંબા સમય સુધી વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી

વ્યક્તિત્વમાં એટલાં બધાં છિદ્રો હોય છે કે

તેમાંથી નીકળતી ગંધ બીજા લોકો સુધી પહોંચી જ જાય છે.

તેથી કમજોરીઓ અને ગંદકી પર પડદો ન પાડતાં

તેમને દુર કરવાના તથા સફાઈના પ્રયાસોમાં

લાગી જવું જોઈએ.

—————-

ચિંતા નહિં, વિચાર કરો,

આખો દિવસ ચિંતા કરવા છતાં કશું હાથમાં નહિં આવે.

જ્યારે પણ સમસ્યાનું સમાધાન થયું છે

તે યોગ્ય રીતે વિચાર કરવાથી જ થયું છે.

Categories: સુવિચાર

હું કોણ છું? મારી શક્તિ શું છે? મારું શું કર્તવ્ય છે? (ફ્રી ડાઉનલોડ)

September 24, 2008 KANTILAL KARSHALA 1 comment

હું કોણ છું?   મારી શક્તિ શું છે?  

મારું શું કર્તવ્ય છે?   

(ફ્રી ડાઉનલોડ) 

હુ કોણ છું?

front-tital

હું કોણ છું?

       આ સંસારમાં જાણવા જેવી ઘણી વાતો છે.  વિધાનાં અનેક ક્ષેત્રો છે.  સંશોધન માટે, માહિતી મેળવવા માટે ઘણા રસ્તા છે.  વિજ્ઞાનનાં એવાં કેટલાંયે પાસાં છે જે જાણવા મનુષ્ય માટે જરૂરી છે.  શા માટે કેવી રીતે ? કયાં ? ક્યારે ?…….. આ પ્રશ્નો દરેક ક્ષેત્રમાં માનવીએ ફેંકયા છે.  આ જિજ્ઞાસુવૃત્તિને લીધે જ માનવીએ અત્યાર સુધી આટલું બધું જ્ઞાન મેળવ્યું છે અને સાધન સંપન્ન બન્યો છે.  સાચે જ જ્ઞાન એ જીવનની દીવાદાંડી છે.

       જાણકારીની ઘણી વાતોમાંથી “પોતાની જાતની જાણકારી ” સર્વશ્રેષ્ઠ છે.  આપણે દુનિયાની અનેક વાતો જાણીએ છીએ અથવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે પોતે શું છીએ પોતાની જાતને જાણ્યા વિના જીવન ડામાડોળ, અનિશ્વિત અને કાંટાળું બની જાય છે.  પોતાની વાસ્તવિક જાણકારી ન હોવાથી માણસ ન વિચારવા જેવી વાતો વિચારે છે અને ન કરવા જેવાં કૃત્યો કરે છે.  સાચા સુખ અને સાચી શાંતિનો રાજમાર્ગ એક જ છે અને તે છે  :  આત્મજ્ઞાન.

       આ પુસ્તકમાં આત્મ જ્ઞાનની સમજ આપવામાં આવી છે.  “હું કોણ છું ? આ પશ્નનો જવાબ શબ્દોથી નહીં, પણ સાધના દ્વારા હ્રદયંગમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને અધ્યાત્મ માર્ગના વટેમાર્ગુઓને ઉપયોગી રસ્તો ચીંધશે…………………..

વાચકોને વિનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…

   

ૐકારનો અનુભવ :-

September 21, 2008 KANTILAL KARSHALA Leave a comment

ૐકારનો અનુભવ  :-

            ૐકાર દિવ્ય નાદ છે.  એ પરમ સંગીત છે.  સૃષ્ટિના બધા જ સ્વર આમાં પરોવાયેલા છે.  વૃક્ષો પર બેઠેલાં પક્ષીઓનો કલરવ, ઉચ્ચ હિમશિખરો પર છવાયેલી શાંતિ, પહાડો પરથી ઉતરતાં ઝરણાઓઅનું ખળખળ, વૃક્ષોમાંથી પસાર થતી હવાની સરસર, મહાસાગરોમાં લહેરોનું તર્જન, આકાશમાં વાદળાંઓનું ગર્જન દરેકનો સાર આ ૐકાર છે.

       ૐકાર શબ્દ બીજ છે.  બધા જ શબ્દોની ઉત્પત્તિ આની જ અંદરથી થઇ છે.  આમાંથી જ તેમને જીવન મળે છે અને આમાં જ તેમને લય પામવાનું છે.  વેદ જ નહિ.  બાઇબલ પણ ૐમાંથી ઉત્પન્ન થયું છે.  ગીતા અને ગાયત્રી આમાંથી જ પ્રગટ થયાં છે.  એટલા માટે તો વેદ કહે છે કે જેણે ૐને જાણી લીધો, તેમને જાણવા માટે કશું બાકી રહ્યું નથી.  બાઇબલ પણ આ જ સચ્ચાઇને દોહરાવે છે કે પ્રારંભમાં ઇશ્વર હતા અને ઇશ્વરની સાથે શબ્દ હતો અને પછી એ જ શબ્દ દ્વારા બધું પ્રગટ થયું.

       ૐકાર સૃષ્ટિ બીજ છે.  એ સૃષ્ટિની બધી જ ઊર્જાઓનો પરમ સ્ત્રોત છે. અનંત બ્રહ્માંડમાં વ્યાપ્ત ઊર્જાના વિભિન્ન સ્તર, આયામ અને ઊર્જાધારાઓ ૐકારમાંથી જ પ્રવાહિત થયાં છે.  ત્યારે જ ઉપનિષદ કહે છે કે ૐકારમાંથી બધું જ ઉત્પન્ન થયું, ૐકારમાં દરેકનું જીવન છે અને અંતમાં બધું જ ૐકારમાં વિલીન થઇ જશે.  સૃષ્ટિના સૂક્ષ્મતમથી મહાવિરાટ હોવા સુધીનાં બધાં જ રહસ્યો આ ૐકારમાં સમાયેલા છે.

       ૐકાર ધ્યાન બીજ છે.  એના ધ્યાનથી બધાં જ રહસ્યો ઉજાગર થાય છે.  શક્તિના સ્ત્રોત ઊભરે છે.  આ ૐકાર અમારામાં છે, તમારામાં છે, દરેકમાં છે, પરંતુ છે હજી એ બંધનમાં.  જયાં સુધી એ બંધનમાં રહેશે ત્યાં સુધી આપણી અંદર રુદનનો હાહાકાર મચેલો રહેશે, વેદનાઓ આપણે છંછેડતી રહેશે.  ૐકાર બંધનમુકત થવાની સાથે જ રુદનનો ચિત્કાર સંગીતના ઉલ્લાસમાં ફેરવાઇ જશે.  આ બંધનમુક્તિ ધ્યાન દ્વારા જ સંભવ બને છે.  ધ્યાન દ્વારા જ ૐનું બીજ અંકુરિત, પલ્લવિત, પુષ્પિત થાય છે.  આ ૐકારનાં ધ્યાનમાંથી જ ગાયત્રીનું ગાન ફૂટે છે.  એ શાસ્ત્રની નહિ અનુભવની વાત છે.

જીવન સફળતાનો માર્ગ :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

જીવન સફળતાનો માર્ગ : 

        કાંઈ પણ કાર્યમાં ઈચ્છા પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરવાને માટે તેનો યોગ્ય વિચાર કરવો, તેનાં દરેક પાસાંઓની યોગ્ય રીતે જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે, તેનાં દરેક પાસાંઓનું બારીકાઈથી સૂક્ષ્મ તપાસ કરીને પોતાના હાનિ, લાભ, રસ્તાની મુશ્કેલીઓ, બીજા દ્વારા વ્યર્થ વિરોધ, પોતાની શક્તિ, સાધન, યોગ્યતા તથા કાર્યની રૂપરેખા અને ક્રમ વગેરે ઉપર સારી રીતે ગંભીરતા પુર્વક વિચાર કરીને કાર્યની શરૂઆત કરવી જોઈએ. 

        એ નિશ્ચિત છે કે આપણાં કર્તવ્યોને ગંભીરતાથી વિચારપૂર્વક અને યોગ્ય કાર્યપદ્ધતિ દ્વારા કરવામાં આવે તો અસફળતાની સંભાવના ઘટી જાય છે. સામાન્ય રીતે અસફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાનાં કર્તવ્યોને સાવધાનીપૂર્વક વિચારી અને વ્યવસ્થા વગર કરવામાં આવે છે. 

        આપણે કોઈ પણ મહાપુરુષને જોઈએ તો દરેકના જીવનમાં યોજનાઓનો સુંદર મેળ હોય છે. યોગ્ય યોજનાઓ સિવાય તે કોઈ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકત નહીં. જો આપણે પણ સફળતા પ્રાપ્ત કરવી હશે તો પછી તે વેપાર, કારીગરી અથવા કોઈ પણ કાર્ય અંગેની હશે. આપણે આપણા મહાન ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી નક્કર યોજના બનાવી કાર્યની શરૂઆત કરી તેને સફળ બનાવવી પડશે. જીવનમાં યોગ્ય સફળતા, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના આ જ નક્કર રસ્તા અને ઉપાય છે.

ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ :

જીવનને અસફળતામાં નષ્ટ ન કરીએ જો તેને સફળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય સાધક બનવાનો છે. જીવનની સાધના એ જ છે કે પોતાને તથા બીજાને વિવિધ પ્રકારનાં દુ:ખ આપવાવાળાં જે ત્રણ રાક્ષસી તત્વો છે તેવા અજ્ઞાન, અશક્તિ અને અભાવને દૂર કરવાને માટે બ્રાહ્મણ થવાનું વ્રત લઈએ. બ્રાહ્મણ થવાનું તાત્પર્ય છે જ્ઞાન, બળ અને સંપતિનું અભિવર્ધન . આ પોતાના માટે જ નહીં પરંતુ દરેકના માટે વધારવા યોગ્ય છે. કોઈ વ્યક્તિ, રાષ્ટ્ર અથવા સમાજ આ ત્રણ દ્રારા જ સુખી થઈ શકે છે. જ્યાં કોઈ જગ્યાએ આ ત્રણની ઊણપ હશે ત્યાં તેના પ્રમાણમાં જ તકલીફ અને દુ:ખ ઉપસ્થિત રહેવાનાં.

જીવન અસ્તવ્યસ્ત જીવવાને માટે, તુચ્છ અને ક્ષુદ્ર કાર્યોમાં ગુજારવાને માટે નથી. મહાન સંપત્તિ એવા મહાન ઉદ્દેશ્યોની પૂર્તિને માટે ખર્ચાવી જોઈએ જે વ્યાપક રૂપમાં સુખશાંતિની વર્ષા કરવા વાળા હોય, આપણું લક્ષ્ય બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને કર્તવ્યધર્મની પૂર્તિ હોવું જોઈએ. એને પૂરું કરવા માટે સાધનાત્મક દ્રષ્ટિ અને કાર્યપદ્ધતિ હોવી જોઈએ. આપણું જીવન સાધનાત્મક હોવું જોઈએ કારણ કે માનવજન્મની સફળતા સાધનાત્મક ગતિવિધિ પર જ નિર્ભર છે.

એટલા માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે ઉદ્દેશ વિનાનો દિવસ પૂરો ન થવા દેતાં જીવનનં કોઈ નિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરીએ અને જો લક્ષ્ય નિર્ધારિત થઈ જાય તો તેને પૂરું કરવાને માટે દ્રઢતા અને એકાગ્રતા કેળવી લઈએ. નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે મક્કમતાથી જે પ્રવૃતિ થાય છે તેને જ સાધના કહે છે.

સુખ – મનની સ્થિતિ પર નિર્ભર :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

સુખ – મનની સ્થિતિ પર નિર્ભર :

             તમે જીવન પ્રત્યેની તમારી ધારણાઓ બદલી નાખો. વિશ્વાસ તથા જ્ઞાનથી જ તમારા જીવનભવનનું નિર્માંણ કરો. જો વર્તમાન મુશ્કેલીમાં ઘેરાયેલો છે તો તેનો અર્થ એવો નથી કે ભવિષ્ય પણ અંધકારમય છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. વિચારપૂર્વક જુઓ કે જે કાંઈ તમારી પાસે છે તેનો સૌથી સુંદર ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? કારણ કે જો ઉપસ્થિત સાધનોનો દુરુપયોગ કરતા હો તો પછી તે ગમે તેટલાં તુચ્છ અને સાર વગરનાં કેમ નથી તમે એના પણ અધિકારી નહીં રહો. તે પણ તમારાથી દૂર ભાગી જશે અથવા તો છીનવાઈ જશે.

         તે સત્ય છે કે જ્યાં સુધી તમે પોતે પોતાની દશા-સ્થિતિ નહીં સુધારો ત્યાં સુધી દુ:ખ, શોક તથા ચિંતાઓ પીછો છોડી નથી શકતી અને પરિણામ સ્વરૂપ તમે કાયમ દુ:ખી રહી શકો છો. એટલા માટે આપણી આંતરિક દશા સુધારીએ. આંતરિક જીવનની સાથે બાહ્ય જીવનમાં પરિવર્તન થવું નિશ્ચત છે. જેમની મનોદશા ઉત્તમ છે તે થોડાં સાધન હોય તો પણ કાયમ સુખમય વાતાવરણમાં જ ફર્યા કરશે.

પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે :

        જો આજે પણ તને ખરાબ પરિસ્થિતિઓ અને વારાવરણમાં બંધાયેલા છો, તો નિરાશ ન થાવ, તમારા ભાગ્યને દોષ ન દો, આ પરિસ્થિતિને માટે કોઈ બીજાને દોષી ન ગણો, ફક્ત તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો અવગુણનું કારણ તો તમારામાં જ હયાત છે. એને સમજી લઈ પોતાની જાતને આનંદપૂર્વક ઘટનાસ્થળ ઉપર ઘટનાની સામે આવવા દો. આ ઘટના તમારી પોતા દ્રારા જ નિર્માઈ છે. તેને તમે પોતે તાત્કાલિક દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલો તો કાયમ ઉત્તમ વિચારોમાં જ રત રહો. તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો તો બાહ્ય જીવનમાં પણ તે દશા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકો છો જેના માટે તમે ચિંતિત રહો છો. 

        જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અનુચિત માનસિક દોષોના શિકાર હોવા છતાં આબાદીવાળા સ્વસ્થ જીવનની કલ્પના કરીએ તો આપણે અસંભવ વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. જો આપણે ખરેખર આપણા જીવનને સુખી અને આબાદ જોવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા તથા વિચારોને ઓછા કરી હટાવવાનો પ્રયત્ન કરવો પડશે.

સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર :

        જેવા આપણે છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી છીએ તો આપણો આખો સંસાર સુખી છે અને આપણે દુ:ખી છીએ તો આપણને આખો સંસાર પછી ભલેને તે સુખમય હોય દુ:ખમય જ દેખાશે.

        આ બધું આપણી મનોદશા ઉપર જ આધાર રાખે છે. જો આપણે દુ:ખમાં પણ સુખનો અનુભવ કરીશું અને વિચારીશું કે આ આપણને ફકત આપણા જીવન સ્તરની સીડીઓ પર ચઢવા હેતુ પરીક્ષા માટે જ મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ અડકી નહીં શકે. જ્યારે આપણે આ પ્રકારનો અનુભવ કરવા લાગીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું અને અધ્યાત્મ તત્વની તરફ આગળ વધીને બીજાનાં દુ:ખને પણ સુખમાં બદલી શકીશું.

        આવું કરવા માટે આપણને ત્યાગ અને તપસ્યાની જરૂર પડે છે જેની પ્રતિક્રિયા આપણા આત્મા ઉપર થાય છે. જો આપનો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણામાં એક આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે. જેનું નિર્માણ આપણે આપણા વિચારોથી કરીએ છીએ. આજે આપણે જે કોઈ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ આપણા દ્રષ્ટિકોણને બદલવો પડશે તથા આપણા વિચારોને કાયમ પ્રસન્નતા, આશા, શાંતિ, શક્તિ અને પ્રયત્નની તરફ લઈ જવા જોઈએ. જે સમયે તમે આવું કરવા લાગશો તો જોઈ શકશો કે તમારું જીવન એકદમ પ્રસન્નતા, શાંતિ, શક્તિ વગેરે ગુણોથી આભૂષિત થતું નજરે પડશે.

આધ્યાત્મિક જીવન જીવો :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

આધ્યાત્મિક જીવન જીવો :

        આધ્યાત્મિક જીવન કેવળ ગપસપ કે ફકત આવેશ માત્ર નથી. આ જ સાચું આત્મસ્વરૂપ જીવન છે. આ વિશુદ્ધ આનંદ અને સુખનો ઉત્તમ અનુભવ છે. આને જ પૂર્ણતા પ્રાપ્ત જીવન કહે ચે. શું તમે અક્ષય આનંદ અને પરમસુખની અમરપદની પ્રાપ્તિ માટે લલચાયેલા નથી? જો હા તો આવો, પોતાની ઉપર અને ઈન્દ્રિયો પર સંયમ રાખીએ, સદ્દગુણોને શીખીએ. આત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો તો જ તમે તે ઘણા ગંભીર, અપાર આનંદ અને અમરત્વને પામી શકશો. ફકત ત્યારે તમે અમરપદ સુધી પહોંચી શકશો.

        આ શરીરને જ આત્મા સમજી લેવો સૌથી મોટું પાપ છે. આવા ભ્રમમાં રહેલા ભાવને ત્યજી દો. સાંસારિક મહત્વાકાંક્ષાઓની પૂર્તિને માટે ઉપાયો કરવા, યુક્તિઓ વિચારવી, જુઠા મનસુબા બાંધવા, શેખચલ્લીના વિચારો છોડો, જૂનીપુરાણી આકર્ણક લાગતી આશાઓને તિલાંજલિ આપો. વાસનાઓ અને ઈચ્છાઓને કાબૂમાં લઈ તેનાથી ઉપર ઉઠો. બુદ્ધિથી કામ લો. ઉપનિષદ શાસ્ત્રોના સદ્દવિચારોનો મનનપૂર્વક અભ્યાસ કરો. નિયમિતરૂપથી સતત અભ્યાસ કરો.

જીવન યુદ્ધમાં વિજયી હો :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

જીવન યુદ્ધમાં વિજયી હો : 

પોતાના આદર્શ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કરવું પડતું યુદ્ધ જ જીદંગી છે. આ યુદ્ધમાં વિજ્ય મેળવવો જ જીવન છે. અનેક પ્રકારની જાગૃતિઓને જ જીવન કહે છે. મન અને ઈન્દ્રિયો ઉપર વિજ્ય પ્રાપ્ત કરો, આ જ તમારા ખરા શત્રુ છે. પોતાની બ્રાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરો. આપણી જૂની ખરાબ આદતો તથા કુવિચારો અને કુસંસ્કારો, કુવ્યસનોને અવશ્ય જીતવાં પડશે. આ રાક્ષસી શક્તિઓ સાથે યુદ્ધ કરવું પડશે, વિજય પ્રાપ્ત કરવો પડશે. અધ:પતનની તરફ લઈ જતી વાસનાઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે. તમારો જન્મ જ આત્મસાક્ષાત્કાર કરવા માટે થયો છે. ફળની ઈચ્છાવાળાં કાર્યો દ્વારા પોતાના મન અને બુદ્ધિને શુદ્ધ કરો. ઈન્દ્રિયોને અંકુશમાં રાખી પોતાના સ્વરૂપમાં જ સ્થિર બનો. 

જીવન-યુદ્ધમાં તમને દરરોજ આઘાત લાગે છે. જ્યારે નુકસાન થાય છે, ત્યારે જ મન આધ્યાત્મિક માર્ગ તરફ ઢળે છે અને ત્યારે સાંસારિક કાર્યો પ્રત્યે ધ્યાન ન રહેતા અનિચ્છા થાય છે. આ સાંસારિક માયાથી ઉદ્ધાર પામવાથી ઉત્કંઠા જાગૃત થાય છે. એટલા માટે જ ઊંડી ધારણા અને ધ્યાનમાં લાગી જાઓ.

જીવન શું છે ? :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

જીવન શું છે ? :

ખાવું, પીવું, પચાવવું, શ્વાસ લેવા વગેરે શરીરમાં નિત્ય થતા કાર્ય માત્ર શું જીવન છે અથવા શું ધન, સંપત્તિ, નામ, યશ મેળવવા માટે કરવામાં આવતી તરકીબ અને ઉપાયોનો વિચાર કરવો ફકત જીવન છે અથવા સૃષ્ટિની પરંપરાને ચલાવવા માટે સંતાનોની ઉત્પત્તિ કરતા રહેવું એ જ જીવન છે.

જીવન બે પ્રકારનાં હોય છે. એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિચારવું, જાણવું, ઈચ્છા કરવી, ભોજન કરવું અને તેનું પરિણામ મેળવવું, શ્વાસ લેવો વગેરે જે કાર્યો છે તે જ જીવન છે. પરંતુ આવું જીવન અમર નથી હોતું. આવું જીવન સુખ-દુ:ખ, ચિંતા-પીડા, મુશ્કેલી, પાપ, ઘડપણ વગેરે રોગના શિકાર બની જાય છે.

પ્રાચીન મહર્ષિ, યોગી અને તપસ્વીઓએ પોતાના આત્માને ઓળખીને ખાતરીપૂર્વક કહ્યું કે જે આત્મામાં લીન છે ફકત તેઓ જ સ્થિર અને અપાર આનંદ તથા અમરતત્વ મેળવી શકે છે. ગુરુવચન, શાસ્ત્રોમાં જે લોકોને અતૂટ શ્રદ્ધા છે તે સૌ આધ્યાત્મિક અને સત્યના માર્ગ ઉપર નિર્ભય થઈ પ્રવાસ કરે છે અને સ્વતંત્રતા, પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. તેઓ સત્ ચિત આનંદ બ્રહ્મમાં કે પોતાના જ સ્વરૂપમાં જ સ્થિર રહે છે. આ જ માનવજીવનનું સાચું ધ્યેય અને પરમ ઉદ્દેશ્ય છે. આ જ અંતિમ લક્ષ્ય છે. આત્મસાક્ષાત્કારને માટે પ્રયત્ન કરવો એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે.

મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા :

September 18, 2008 KANTILAL KARSHALA Leave a comment

મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા :

આપણા પ્રિયજનોનો વિયોગ થવાથી આપણે ગભરાઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને ચાલી ગયા. આ વિષયમાં ગભરાઈ જવાથી થોડું ચાલશે. શું તે આપણું દુ:ખ જોઈ પરત આવશે? જો ના, તો આપણું દુ:ખી થવું વ્યર્થ છે. પછી આપણે ગભરાઈ જવાનું કોઈ વાજબી કારણ પણ નથી કેમ કે જેણે જન્મ ધારણ કર્યો છે, તેણે એક દિવસ મરવાનું તો છે જ. જેનો જન્મ છે તેનું મૃત્યું નિશ્ચિત છે. સંપૂર્ણ સૃષ્ટિના પિતામહ બ્રહ્મા છે. સમગ્ર સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થઈ છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ પણ નથી રહેતા કારણ કે તેઓ પણ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલયમાં તેઓ પણ વિષ્ણુંના શરીરમાં વિલીન થઈ જાય છે.

આ અટલ સત્ય છે કે આવનારી વસ્તુનો નાશ થશે જ તો પછી તમે તે પ્રિયજનનો શોક શું કામ કરો છો? તણે તો મરવાનું હતું જ, આજે નહિં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે. કાયમ કોઈ જીવતું રહ્યું છે કે તે રહેશે. જ્યાંથી આવ્યો હતો ત્યાં જતો રહ્યો. એક દિવસ તમારે પણ જવાનું છે. જે દિવસો શેષ રહ્યા છે તેને ધૈર્યની સાથે સદ્દગુણીના ગુણોના ચિંતનમાં વિતાવશો.

શરીરધારી એવું કોઈ પણ નથી જેણે મુશ્કેલીઓનાં કડવા ફળનો સ્વાદ ચાખ્યો ન હોય. દરેક જણ અવશ્ય પ્રાપ્ત થવાવાળાં કર્મોના સ્વાદથી પરિચિત છે, પછી આપણે ગભરાયેલા કેમ છીએ? આપણે ગભરાઈશું તો આપણા આશ્રિતો પણ દુ:ખી થશે. એટલા માટે આપણે ધૈર ધરીને તેમને કેમ ન સમજવીએ? જે થવાનું છે તે થશે જે. બસ, વિવેકી અને અવિવેકીમાં આ જ અંતર છે. વૃદ્ધાવસ્થા, મૃત્યું અને બીમારી બંનેને થવાની છે પરંતુ વિવેકી તેને અવશ્ય બનવાનું સમજી ધૈર્યની સાથે સહન કરે છે અને અજ્ઞાની વ્યાકુળ બની મુશ્કેલીઓને વધુ મુશ્કેલ કરે છે. મહાત્મા કબીર આ વિષય માટે કહે છે,

જ્ઞાની કાટે જ્ઞાને સે, અજ્ઞાની કાટે રોય,

મૌત, બુઢાપા, આપદા, સબ કાહું કો હોય !!

જે ધૈર્યનો આશરો નથી લેતા તે નરમ બની જાય છે, સંસારમાં બીજા ઉપર આધારિત બનવું, બીજાની પાસે જઈ કરગરવું, કોઈની પાસેથી લાલચ રાખવી આનાથી વધારે દુ:ખ બીજું કોઈ નથી. એટલા માટે જ મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય રાખીને મુશ્કેલી દૂર કરવાનાં કારણો શોધી અનુકૂળતા સર્જવાના પ્રયત્નો કરવા. જેટલી શક્તિ ગભરાઈ જવાથી દુ:ખી થવામાં ખર્ચાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં લગાડાય તો વધુ મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તા મળી આવે છે.

શ્રી ગાયત્રી ચાલીસા પાઠનો

September 16, 2008 KANTILAL KARSHALA 2 comments

એક્રોબેટ રીડર – પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ 

      શ્રી ગાયત્રી ચાલીસા પાઠનોમહિમા :-

 

       ગાયત્રી દિવ્ય શક્તિઓનો એક મોટો ખજાનો છે, એમાં કેટલીએ શક્તિઓ સમાયેલી છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.  પ્રાચિન ઋષિ-મુનિઓએ પોત-પોતાના સાધનાત્મક અનુભવોના આધારે એનો મહિમા ગાયો છે.

 

           ગાયત્રીની વિભિન્ન શક્તિઓ અને એની ઉપાસનાથી મળતાં લાભના વિષયમાં દરેક ઉપાસકે જાણવું જોઈએ. દરેક શિક્ષિત-અભણ પરિજન માતા ગાયત્રીનું માહાત્મય સમજી જાણી શકે એ માટે આપણાં પ.પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી ચાલીસાનું સર્જન કર્યું છે.  ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ગાયત્રીની શક્તિઓમાં શી શી વિશેષતાઓ રહેલી છે તેનો આપણને ખ્યાલ આવતો જાય છે. જે રીતે આપણે કોઈ ઔષધિના ગુણ ધર્મ જાણ્યાં પછી જ એનો લાભ ઉઠાવી શકીએ છીએ.  એ રીતે માતા ગાયત્રીનો મહિમા અને એની શક્તિઓ તથા એનું મહત્વ નહિ સમજીએ ત્યાં સુધી આપણે એનો લાભ લઈ શકીશું નહિ.

        ગાયત્રીમાં કેવી કેવી શક્તિઓ છે અને એની પ્રાપ્તિ દ્વારા આપણે કયા કયા લાભ મેળવી શકીએ એ અંગેનો ગાયત્રી ચાલિસા ભાવાર્થ સાથે અહીંથી મળશે.  એનો દરરોજ પાઠ કરવાથી ગાયત્રીની મર્યાદા, પ્રકૃતિ, તેની શક્તિઓ વગેરેની પૂર્ણ જાણકારી મળે છે.  આ ગાયત્રી ઉપાસનાનું પહેલું પગથીયું છે.  સાચું જ છે કે કોઈ વસ્તુની વિશેષતા જાણ્યા પછી જ એ તરફ આપણું લક્ષ દોરાય છે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી આપણને એ વાત બરાબર સમજાઈ જાય છે કે ગાયત્રી વેદમાતા છે, જગતની માતા છે, દેવોની માતા છે. આમ થવાથી આપણી શ્રદ્ધા ભક્તિ પ્રગટે છે અને દ્રઢ બને છે.

        જેને પારસમણિના ગુણોનો ખ્યાલ હોય છે તે જ વ્યક્તિ તેની શોધ કરે છે, તેને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મળી ગયા પછી તેને સાચવે છે અને એનો ઉપયોગ કરીને ઈચ્છિત લાભ મેળવે છે.  પરંતુ જેને પારસમણિના ગુણોનો ખ્યાલ જ ન હોય તેને મનતો તે એક સામાન્ય પથ્થરના ટૂકડા જેવો જ લાગે છે અને હાથમાં આવેલ હોવા છતાં પણ અજ્ઞાનપણાના કારણે પારસમણિથી લાભ ઉઠાવી શકાતો નથી.

        આથી જ સમસ્ત ગાયત્રી ઉપાસકોને ગાયત્રી ચાલિસા નો પાઠ્જ શ્રદ્ધાપૂર્વક કરવાનું કહેવામાં આવે છે. આવો ! આપણે પણ ગાયત્રી ચાલિસા નો શ્રદ્ધાપૂર્વક કરીએ અને એમાં વર્ણવામાં આવેલ મહિમાનું ગુનગાન કરતાં કરતા તેના સ્વરૂપો જોતાં જોતાં માતા ગાયત્રીનો કૃપા પ્રસાદ ગ્રહન કરીએ.

વાચકોને વીનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…..

આશાવાદી બનો :

September 15, 2008 KANTILAL KARSHALA Leave a comment

આશાવાદી બનો :

        આપણે કરવાથી કશું નથી થવાનું એવો નિરાશાવાદી વિચાર સફળતાનો નાશ કરતો શત્રુ છે.  આશાવાદ ઘણી મોટી ઉત્પાદક શક્તિ છે.  જીવનનું મૂળ છે.  તેની અંદર પ્રત્યેક વસ્તુ નિવાસ કરે છે.  તે માનસિક ક્ષેત્રમાં પ્રવેશતાં જ મોટો લાભ પહોંચાડે છે.  એટલા માટે જેને નિરાશાથી છુટકારો મેળવવાની ઈચ્છા હોય તેણે વાજબી છે કે પોતાના મનની સ્થિતિને ઉત્સાહપૂર્ણ, વધારનારી, ઉદાર અને નરમ રાખે.

       તમે નિરાશ એટલા માટે છો કે ભય અને સંદેહ તમારા અંત:કરણ ઉપર છવાઈ ગયાં છે.  તમને તમારી યોગ્યતાને માટે અવિશ્વાસ થઈ ગયો છે. તમને સફળતા અને દુર્ભાગ્યની માનસિક પ્રવૃત્તિઓએ પરાસ્ત કરી દીધા છે અને હીણી ભાવનાઓએ તમારા માનસિક જગતમાં તોફાન ઉત્પન્ન કરીને તમને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે.  વિચારોની આ પરાધીનતા જ તમને ડુબાડી રહી છે.

       યાદ રાખો જ્યાં સુધી તમે કોઈ કાર્યમાં હાથ નહીં નાખો ત્યાં સુધી તમને તમારી શક્તિનો અંદાજ નહીં આવે.  મનુષ્ય જ્યાં સુધી પોતાની જાતને ઓળખી ન લે કે તે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તે પાંગળો જ છે.

       તમારે જે કાંઈ શ્રેષ્ઠ, છે તે કરવું છે, જે કાંઈ તમારો અંતરાઆત્મા કહે છે, તેને દ્રઢ સંકલ્પપૂર્વક જરૂરથી શરૂ કરો.  ડરો નહીં, શંકા, સંદેહ કે અવિશ્વાસની કોઈ વાત ન વિચારો પરંતુ કાર્યની શરૂઆત કરો.  પ્રત્યેક મનુષ્ય કંઈક જરૂરથી કરી શકે છે અને કરશે.  જો કાર્યરત્ બની હિંમત નહીં હારે, હિંમત હંમેશા દાવ જીતે છે.

       તમે તમારી શક્તિ અને માનસિક બળની અભિવૃદ્ધિ કરતા રહો.  સંસારમાં જે કરોડો મનુષ્ય નિરાશ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી છે. શ્રદ્ધા ગુમાવી બેઠા છે અને ખરાબ કારણ વગરના વિચારોના તેઓ કોળિયા બની બેઠા છે. તમે કાયમ આનાથી બચતા રહો.  હંમેશા આંતરિક મનની ઊંચી ભાવનાઓ પ્રત્યે  લક્ષ્ય રાખો અને પોતાની દરેક શક્તિમાં અખંડ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખો.  કોઈ ખાસ મર્યાદા સુધી ફકત ઉપરછલ્લો વિશ્વાસ ન રાખતાં આંતરિક તળિયા સુધી દ્રઢતાથી વિશ્વાસની કાયમી છાપ જમાવી દો. પછી વિશ્વાસનાં સુમધુર ફળ જુઓ. તમારી દરેક નિરાશા રફુચક્કર થઈ જશે.

       આજથી તમે તમારી ક્ષુદ્રતાનું ચિંતન છોડો. જ્યારે પણ સૃષ્ટિની વિશાળતાનો વિચાર કરવા બેસો ત્યારે પોતાના મન, શરીર, આત્માની મહાન શક્તિઓ ઉપર ચિત્ત એકાગ્ર કરો.  શક્તિના આ કેન્દ્ર ઉપર મન સ્થિર રાખવાથી કોઈ કમજોરી તમારા અંત:કરણમાં પ્રવેશ કરી શકશે નહીં.

આત્મસન્માનની રક્ષા કરો :

September 15, 2008 KANTILAL KARSHALA Leave a comment

આત્મસન્માનની રક્ષા કરો :

        જો તમે આત્માનું હનન કરતા હો તો, પોતાના વિષયમાં હલકો ભાવ રાખતા હો તો તમે ભાવનાઓની બીમારીમાં ફસાયેલા છો.  આ બીમારી તમને તમારી મોટાઈનો અનુભવ થવા દેતી નથી.  આનાથી છૂટવાનો ઉપાય એ છે કે તમે કાર્યોને ભાવનાની ચિંતા કર્યા વગર પૂર્ણ કરતા જાઓ.  એ નિયમ બનાવી લો કે તમે પોતે કરેલા કોઈ પણ કાર્યની નિંદા કરશો નહીં.  પોતાના વિષયમાં ઉચ્ચ અને પવિત્ર કલ્પના કરી લો અને તેને સમર્થન આપતા રહો.  કાર્ય કરવાની તમારી હીનતા અદ્રશ્ય થતી જશે.  વધારે વિચાર કરવાથી તે તીક્ષ્ણ બનતી જશે.  ઓછું વિચારો અને કાર્ય વધુ કરો.  જે વ્યક્તિ પોતાની નિંદા કરે છે અને ભૂલ શોધ્યા કરે છે તે આત્મવિકાસ અને શુદ્ધિ રોકી રહ્યો છે.

       તમે તમારા સંતોષ અને ઉત્સાહ માટે બીજા ઉપર નિર્ભર ન રહો.  બીજાનું અનુકરણ ન કરો.  એવું કરવાથી તમારી મૌલિકતા, ગુણ, વિશેષતા પ્રગટ નથી થતી.  કોઈ કાંઈ પણ કહે મનનું ધાર્યુ કરો.  તમે પોતે વિચારો કે ઉત્તમ શું છે?  તમારી વિશેષતાઓ બહાર આવશે અને લોકો ચમકશે.

       માનસિક દ્રષ્ટિકોણથી બાળક ન બનો.  સંસારની ડરામણી ચીજો, આપત્તિઓ અને સંઘર્ષને સહન કરવાની આત્મશક્તિનો નિરંતર વિકાસ કરતા રહો.

કર્તવ્યનું પાલન કરો :

September 15, 2008 KANTILAL KARSHALA Leave a comment

કર્તવ્યનું પાલન કરો :

        કર્તવ્ય તે કાર્ય છે જે કરવાનું આપણો ધર્મ છે અને જે ન કરવાથી આપણે અન્ય લોકોની નજરમાં નીચા પડીએ છીએ અને ચરિત્રની દ્રષ્ટિએ અન્યથી નીચા બનીએ છીએ.

       દ્રઢ વિશ્વાસ રાખો કે જ્યારે પણ તમારું મન કોઈ કાર્યને કરતાં અચકાય અથવા તો દૂર ભાગે ત્યારે તે કાર્ય ન કરો. તમને ધર્મનું પાલન કરવામાં તકલીફ તો પડશે જ, પરંતુ ધૈર્ય ન તોડશો.  તમારો પડોશી ઠગવિધા અને અસત્યનો આશરો લઈ ધનાઢય થઈ ગયો અને તમે નિર્ધન જ રહ્યા તેમાં શું થયું ? તેમાં શું કે બીજા લોકોએ ખોટી ખોશામત કરીને મોટી મોટી નોકરીઓ  મેળવી લીધી અને તમને કશું ન મળ્યું અને તેમાં શું થયું કે બીજા નીચ કાર્યો કરી સુખ ભોગવે છે અને તમે સદા દુ:ખમાં રહો છો. તમે તમારા કર્તવ્યધર્મને કદી ન છોડતા અને જુઓ કે તેમાં કેટલાં સંતોષ અને સન્માન મળે છે.

       કંઈક લોભાવનારું જોઈને લપસી ન પડતા. પાપનું આકર્ષણ શરૂઆતમાં ઘણું લલચાવનારું દેખાય છે, પરંતુ અંતમાં તો નુકસાની જ મળે છે. જે તેની વાતોમાં આવી ગયું તેને જુદી જુદી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે.  સાવધાન રહો. લોભમાં ન ફસાવ, ભલે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ કર્તવ્ય પ દ્રઢ રહો. કર્તવ્ય પ્રત્યે દ્રઢ રહેનાર મનુષ્ય જ સાચો મનુષ્ય કહેવડાવવાને અધિકારી બને છે

પોતાની શક્તિઓનો વિકાસ કરો :

September 15, 2008 KANTILAL KARSHALA Leave a comment

પોતાની શક્તિઓનો વિકાસ કરો :

        પરમેશ્વર દ્વારા દરેકને શક્તિઓ આપવામાં આવી છે.  એવું નથી કે કોઈનામાં વધારે અને કોઈમાં ઓછી.  કોઈની સાથે ખાસ લાગવગ કરી હોય.  પરમેશ્વરને ત્યાં અન્યાય નથી.  દરેક અદ્દભુત શક્તિઓ તમારા શરીરમાં હયાત છે.  તમે તે શક્તિઓને જાગૃત કરવાનું કષ્ટ નથી કરતા.  કેટલીય શક્તિઓની પાસેથી કાર્ય ન લઈ તમે તેને નકામી બનાવી દીધી છે. બીજી વ્યક્તિઓ તે જ શક્તિને કોઈ એક વિશેષ દિશામાં વળાંક આપીને વધુ પરિપુષ્ટ અને વધુ ખીલવે છે.  પોતાની શક્તિઓને જાગૃત તથા ખીલવવી અથવા તો તેને મંદ, પાંગળી, અનુપયોગી કરવી તમારા પોતાના હાથમાં છે.  યાદ રાખો કે સંસારની પ્રત્યેક ઉત્તમ વસ્તુ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે.  જો તમે તમારા મનની ગુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન અને મહેનત સાથે ઉત્સાહપૂર્વક આગળ વધવાનું શીખી લો તો જેવું ઈચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો.  મનુષ્ય જે વસ્તુની ઈચ્છા રાખે છે, એના મનમાં જે મોટાઈ મેળવવાની ઈચ્છાઓ પ્રગટે છે અને જે જે આશાપૂર્ણ વિચારોના તરંગ ઊભરે છે તે ચોક્ક્સ પૂર્ણ થાય છે, જો તે દ્રઢ નિશ્ચય દ્વારા પોતાની પ્રતિજ્ઞાને જાગૃત કરી લે.

       એટલા માટે પ્રતિજ્ઞા કરી લો તમે ભલે ગમે તે હો, જે સ્થિતિ, જે વાતાવરણમાં હો, તમે એક કાર્ય અવશ્ય કરશો, અને તે એ કે તમારી શક્તિઓને ઊંચીને ઊંચી બનાવશો.

પરિવાર એક તપોવન :

September 12, 2008 KANTILAL KARSHALA Leave a comment

પરિવાર એક તપોવન :

        કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે.  પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે.  પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે.

            વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું.     

            પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે.  જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.

પરિવાર એક પ્રયોગશાળા :

September 10, 2008 KANTILAL KARSHALA Leave a comment

પરિવાર એક પ્રયોગશાળા :

            જીવનપથમાં આવનારી મુશ્કેલી પ્રત્યે તમને સચેત કર્યા હતાં.  સાથોસાથ તે વિશેષતાઓ તરફ પણ તમને પ્રેરિત કર્યા, જેમને સ્વીકારવાથી તમે સફળ વ્યક્તિ કહેવાશો.  તમે સમાજનું પ્રથમ એકમ છો.  વ્યક્તિ પરિવારનો સભ્ય હોય છે.  આજે આપણે પારિવારિક તથા સામાજિકતાનો અભ્યાસ કરીશું.

            વ્યક્તિ અને સમાજની વચ્ચેની કડી પરિવાર પરિવાર છે.  સમાજનું વિશાળ શરીર પરિવારનાં નાનાં નાનાં એકમોનો સમૂહ છે.  કડીઓ મજબૂત હોય તો સાંકળ મજબૂત બને છે.  જેથી આપણે પરિવારોનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે, જેમાં જન્મેલા, ઉછરેલા અને પોષાયેલા સભ્ય દરેક દ્રષ્ટિએ સુયોગ્ય-સુવિકસિત બની શકે. 

            પરિવાર એક નાનકડો સમાજ તથા નાનું રાષ્ટ્ર છે.  તેની સુવ્યવસ્થા પૂરા રાષ્ટ્રની છે.  આ નાનકડી પ્રયોગશાળામાં તેના બધા સભ્યોને વ્યક્તિગત કર્તવ્યો તથા સામાજિક જવાબદારીઓને સમજવા, નિભાવવાનું શિક્ષણ મેળવવાની તક મળી શકે એવું આયોજન ગોઠવવું જોઈએ.  આ પ્રવૃતિ વિકસતાં વિકસતાં વિશ્વનાગરિકતા તથા માનવપરિવારનું સર્જન કરશે.  પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજવામાં આવે, પરંતુ તેના પ્રત્યે મોહગ્રસ્ત ન બનવામાં આવે.