Archive

Archive for October 2, 2008

સુવિચાર :-

આપણે યશ કરતાં

ચરિત્રને નિર્મળ બનાવવા વિશે વિચારવું જોઈએ. 

ચરિત્રવાન અને નૈતિક પુરુષોનો યશ

તો ફૂલોની મહેકની જેમ ફેલાય છે.

—————-

જયારે પાણીનું દબાણ વધાઅરે હોય છે

ત્યારે ઝરણાં અને નદીઓ તીવ્ર વેગે વહે છે. 

એમની લહેરો ઊછળતી, કલકલ નિનાદ કરતી અને

હિલોળા લેતી ચાલે છે.  પાણીનું દબાણ ન હોય તો

જલધારા મંદ થઈ જાય છે. 

એટલું જ નહિ, તે નિર્જીવ દેખાય છે. 

મહામાનવો અને સામાન્ય

વ્યક્તિઓમાં આ જ ફરક છે.

————–

 

શરીર ક્રિયાશીલતા છોડી દે તો મૃત્યુ છે. 

સૃષ્ટિનાં કાર્યો અટકી જાય

તો પ્રલય છે અને

મનુષ્ય કર્તવ્ય છોડી દે તો તેનું પતન છે.

Categories: સુવિચાર

આધ્યાત્મિક આનંદ :

આધ્યાત્મિક આનંદ

આધ્યાત્મિક આનંદ, ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો શ્રેષ્ઠ છે. એટલા માટે વિદ્ધાન પુરુષો હંમેશા એ પ્રેરણા આપે છે કે, માણસ શારીરિક હિતોને પૂરાં કરવામાં જ રચ્યોપચ્યો ન રહે. મનુષ્ય જીવન જેવી અસાધારણ ભેટ પર પણ (જેનો ઉલ્લેખ યુનિટ 1 થી જ કર્યો છે આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરો. બંધનમોકત આનંદ જ સ્થાયી હોય છે. વિષયજન્ય સુખોની અનુભૂતિ તો થાય છે, પણ જેને આપણે યોગ્ય સમજીએ છીએ તે દુ:ખદાયક હોય છે. આનંદની કલ્પનાથી કરેલું કર્મ જો નિક્ષેપ પેદા કરે તો એ આનંદને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યોચિત ન સમજવો જોઈએ.

પ્રશ્ન એ છે કે આપણે આનંદ મેળવવા તરફ આગળ વધીએ. એ તો આપણે કરી જ રહ્યા છીએ. હર ઘડી આનંદની શોધમાં જ આપણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે છે કે આપણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કઈ રીતે થાય?એના માટે કોઈ મોટા પરિવર્તનની જરૂર નથી. ઘરગૃહસ્થીનો ત્યાગ પણ કરવાની કે વિચિત્ર વેશભુષા પણ કરવાની જરૂર નથી ફકત સાચા દ્રષ્ટિકોણથી આ જીવનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, પરંતુ શરીરમાં વ્યાપેલો જે આત્મા છે એને ન ભૂલીએ. આત્મા આપણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવોને દૂર કરવામાં સક્ષમ છે. આ ત્રણ દોષો વિઘ્ન પેદા ન કરે તો આપણે જે આનંદની શોધમાં છીએ તે એ જ જીવનક્રમથી મળી શકે છે. આત્માના વિકાસથી અમર્યાદિત, સનાતન આનંદ પ્રાપ્ત થઈ શકે છે.

દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક :

દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક   :

તો પણ લોકોની સમજમાં આ વાત નથી આવતી અને તે દુન્યવી સુખોમાં જ આસક્ત બની રહે છે, કારણ કે આપણો દ્રષ્ટિકોણ જેવો બની ગયો છે એમાં કંઈ પરિવર્તન કરવા નથી ઈચ્છતા.  સૂર્ય રોજ એના એ જ ક્રમમાં ઊગે છે.  આપણો દ્રષ્ટિકોણ રોજ ઊગતા રહેતા સૂર્ય જેવો જ હોય છે, પરંતુ જો પોતાનો દ્રષ્ટિકોણ થોડો બદલીએ અને વિરાટ વિશ્વની મહાન ક્રિયાશીલ શક્તિના રૂપે આ સૂર્યનું ચિંતન કરીએ તો તે મહાપ્રાણ અનેક આશ્ચર્યોથી ભરેલો અને જીવનદાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના પરિવર્તનથી સમજવાની સ્થિતિ બદલાય છે અને આપણે ધીરે ધીરે અધિક આનંદ તરફ પ્રયાણ કરીએ છીએ.  દૈનિક જીવનમાં એવી અનેક વાતો આવે છે, જે આમ તો સામાન્ય જેવી લાગે છે, પરંતુ તે પોતાની અંદર ખૂબ મોટું આશ્ચર્ય અને વિજ્ઞાન છુપાવી રાખે છે.  આપણો દ્રષ્ટિકોણ બોધક ન હોતાં નિરર્થક હોય છે, એટલે મહત્વની વસ્તુઓને છોડી દઈએ છીએ અને ફકત એવાં સુખોના ચિંતનમાં ડુબી જઈએ છીએ, જે સ્થુળ પ્રયોગમાં આવી ચૂકયાં હોય છે.

દ્રષ્ટિકોણ બદલાય છે તો બધી ચીજો બદલાયેલી દેખાય છે.  જગદ્દગુરુ શંકરાચાર્યે બતાવ્યું છે કે, ‘આ દુનિયા રણપ્રદેશ છે.  એમાં સુખ ઈચ્છતા હોય તો પ્રભુનું શરણ સ્વીકારો, આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ પ્રભુપરાયણતા કે આત્મચિંતનમાં જ છે.  આ દૈવી સંપત્તિ છે, પણ આ વાત સમજમાં નહીં આવે, કેમ કે અત્યાર સુધી આપણે સુખ અને સંસાર તરફથી આપણી દ્રષ્ટિ નથી બદલી, દ્રષ્ટિકોણ બદલાતાં સર્વત્ર આનંદ જ ફેલાયેલો દેખાશે.

આપણે ભોગોથી આનંદ અનુભવતાં એ જાણતા નથી કે આ દુનિયામાં બીજી ઘણી શ્રેષ્ઠતાઓ છે. જો આત્મા અને પરમાત્માના અસ્તિત્વની વાત સમજમાં આવી જાય તો ભોગને બદલે ત્યાગમાં જ આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિનપ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધતા ચાલીશું.  પછી એ ફરિયાદ નહીં રહે કે ઈશ્વરચિંતનમાં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન છે.  જે રીતે બધી ચેષ્ટાઓ ભૌતિક ઉન્નતિમાં લાગી છે એ રીતે આધ્યાત્મિક પ્રાપ્તિમાં જ મન લાગી શકે છે, પણ પહેલાં પોતાનું ધ્યેય નક્કી કરવું પડશે. પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિએ પૂરું કરવું જોઈએ કે આપણે શરીર નહિ, આત્મા છીએ.

આપણે કોણ છીએ :

આપણે કોણ છીએ   :

લૌકિક આનંદ સિદ્ધિ દેનારો નથી, એનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો.  વિચાર, બુદ્ધિ, તર્ક તથા વિવેકની જે સાધારણ તથા અસાધારણ શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે; ફકત સુખ મેળવવામાં જ લાગેલી રહે તો એમાં કંઈ નવાઈ નથી.  જાણવા જેવી વાત એ છે કે જીવનદીપ બુઝાય તે પહેલાં શું આપણે પોતાની જાતને ઓળખી લીધી છે ? આપણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકેલ જાણવો તે સૌથી મોટી બુદ્ધિમાની છે.  આત્મજ્ઞાન આનંદનું મુળ છે.  જો માણસ આ વિશે અજ્ઞાની રહ્યો તો લૌકિક જીવનમાં ભટકવું પડશે.  આત્માના શરણે જવાથી જ સિદ્ધિ મળી શકે છે.  મનુષ્યની પરસ્પર આશંકાઓ આત્મજ્ઞાનના અભાવમાં દૂર થવી શક્ય નથી.

આપણે રોજ આનંદ મેળવવાનાં સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, એનાથી પણ સ્પષ્ટ છે કે, આપણને થોડા આનંદના બદલે વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ હોય છે.  એક કપડું પહેરીએ છીએ, તો બીજી વાર તે કપડું સારું છે કે ખરાબ તે જાણી શકાય છે અને બીજી વાર કાપડ ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું કાપડ પાછલા દોષો વિનાનું અને કંઈક વિશેષ આકર્ષક હોય.  પ્રથમ રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે અને આપણે એક એવો આનંદ ચાહીએ છીએ, જે પૂર્ણ અન્દ સ્થાયી હોય.  આવો આનંદ લૌકિક જીવનમાં મળી શકતો નથી.  પછી પરલોક જીવનની વાત સામે આવે છે અને આત્મા – પરમાત્મા પર પણ ધ્યાન જવા લાગે છે.  આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.

સુખ અને આનંદમાં ભેદ :

સુખ અને આનંદમાં ભેદ  :

આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયગમ્ય સુખ છે.  તે ચિરસ્થાયી નથી, તે અસ્થિર અને કોઈ કોઈવાર તો ક્ષણિક હોય છે.  ઉદાહરણ માટે આપણે કામભાવનાને જ લઈએ. મનના છ વિકારો   કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં કામ સૌથી ભયંકર છે.  તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે.  કામસુખ ક્ષણિક હોવા ઉપરાંત આપણા શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો નાશ કરે છે. 

સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલા માટે સહુને એ કલ્પના રહે છે કે, જાતજાતની મીઠાઈઓ, ફરસાણ, પકવાન વગેરે પ્રાપ્ત કરવામાં આવે. એનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે પણ છે પરંતુ આ આનંદમાં દોષ છે.  ભોગથી રોગ ઉત્પન્ન થાય છે: એ કહેવત પ્રમાણે આ બધાં સુખોને, જેનાથી ઈન્દ્રિયોના વિષયો તૃપ્ત થાય છે, તેમને વાસ્તવિક આનંદની કક્ષામાં નથી મૂકી શકાતાં.  તેમને માત્ર સુખકહેવું જ યોગ્ય લેખાશે. 

પૂર્ણ આનંદ એ છે જેમાં વિકૃતિ ન હોય.  કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ન ઉઠાવવી પડતી હોય.  સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ.  એટલે તે અયોગ્ય હોય તો પણ એવું નથી લાગતું.  એટલે આનંદની પરખ માટે કસોટી નક્કી કરવામાં આવી છે.  શુદ્ધતમ આનંદપ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ સાફ રાખવાની આવશ્યકતા અનુભવાય છે.


આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

એ બધું એવું જ હતું જેનો જીવનના જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતી વખતે તમે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ કહેવાયું તે આજના યુગની પરિસ્થિતિમાં જીવન જીવનારા સામાન્ય માણસે ભોગવેલી હતાશા, કુંઠા વગેરેને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે. એક બાજુ લોકોની શ્રદ્ધા-ભાવનાનું શોષણ કરીને આડંબરના માધ્યમથી પરોપજીવી સાધુસંતોની ભીડ, બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાની શક્તિ આપવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે કેવી રીતે એવું જીવન જીવી શકાય કે જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત બની શકે?

આપણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ મેળવવાનું છે. રાતદિવસ સહુ એના પ્રયત્નોમાં મંડયા રહે છે. જે જેવી સ્થિતિમાં છે તેમાં એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ગામમાં રહેનારા એટલા માટે ખુશ છે કે એમને મુક્ત કુદરત, સ્વચ્છ હવા, પાણી અને અનેક કુદરતી સાધનો ભોગવવાની તક મળે છે. શહેરનો નિવાસી પણ એમનાથી ઓછો ખુશ નથી. એને પોતાની રીતના સાધન પ્રાપ્ત છે. તેને શિક્ષણ, સારવાર, મનોરંજન, આવાગમન વગેરેના એવાં સાધનસગવડ પ્રાપ્ત છે, જે ગામડામાં ઉપલબ્ધ નથી. કોઈ એક સ્થાન પર સ્થાયી રહીને સુખી છે, કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને રોજગારમાં. સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે. દુકાનદારને પોતાની સ્થિતિ ગમે છે. પોતાના આનંદની સામગ્રી દરેક શોધી રહ્યો છે અને એમાં જ આનંદનો અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે અહીં સહું આનંદનું જીવન જીવવા ચાહે છે. આનંદ ચિરસ્થાયી છે કે ક્ષણિક, ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક, આટલું જ વિચારવાનું બાકી રહે છે.

આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :

હું એકલો હોવા છતાં પણ શક્તિશાળી છું.

મારી અંદર તે શક્તિ છે

જે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરી શકે છે.

હું બીજાનો અનુયાયી નહીં બનું.

હું કદી કોઈનું અનુકરણ નહીં કરું.

હું મારી પોતાની પ્રતિભા અને

મહત્તાનો પ્રભાવ બીજા ઉપર પાડી શકું છું.

મારામાં વિશેષતા છે.

પોતાની મૌલિકતા છે, સાચી શક્તિ મારી અંદર રહેલી છે.

અને મારી શક્તિઓ ઉપર પૂરો ભરોસો છે.

મેં એકલા એ જ સફળતા પ્રાપ્ત કરવાની

દ્રઢ પ્રતિજ્ઞા કરી છે.

મારી પ્રતિજ્ઞા દ્રઢ તેમજ અટલ છે.

આત્મબોધની સાધના :

આત્મબોધની સાધના :

            જીવનના આત્મવાદી ક્ષત્રમાં પ્રવેશ કરવા વાળાને આત્મબોધનો પ્રકાશ ગ્રહણ કરવો જ જોઈએ. નિરંતર એ વિચાર કરવો જોઈએ કે તે સ્વયં શું છે? કે છે? કઈ રીતિનીતિને અપનાવવામાં પોતાની ભલાઈ છે? વિવેકશીલતા, દૂરદર્શિતા અને યથાર્થતાને અપનાવવાનું સાહસ આત્મબોધની એકમાત્ર દેન છે. જેને પોતાને પોતાનું જ્ઞાન થઈ ગયું હશે તે અજ્ઞાનગ્રસ્ત ભીડનું નેતૃત્વ અસ્વીકાર કરશે. પ્રચલિત પરંપરાઓ અને માન્યતાઓથી નહીં પરંતુ ઉચ્ચ આદર્શોથી જ પ્રભાવિત થશે. તેને જ સમજીને સ્વીકારશે. 

            પોતાને અલ્પમતમાં જોવાની ચિંતા તેને નહીં હોય અને નહીં એની ચિંતા કે કોઈએની મજાક કરે છે કે સ્તવન, નથી તે વિરોધ જોતો કે નથી જોતો સમર્થન. માત્ર ઉચ્ચ આદર્શોને માટે જીવનસંપદાઓને નિયોજિત કરવાની તેને ચિંતા હોય છે અને આ પ્રયોજનને તે પોતે વિરોધ અવરોધની ઘનઘોર ઘટાઓને ચીરતા રહીને પણ પૂરા કરીને જંપે છે. 

            આત્મબોધ આત્મબળનો જેટલી માત્રામાં ઉદય થતો જાય છે તેટલો જ તેનો પ્રયાસ આત્મનિર્માણની દિશામાં અગ્રેસર થતો જાય

આસ્તિકતા અને નાસ્તિકતા :

આસ્તિકતા અને નાસ્તિકતા :

અખૂટ સંપત્તિ અને સુખસાધન હોવા છતાં પણ મનુષ્ય જ્યાં સુધી જીવનલક્ષ્યને ઓળખી શકશે નહીં અને પોતાની દિશા, જીવન ઉદ્દેશ્યની પૂર્તિને માટે નિર્ધારિત કરશે નહીં. ત્યાં સુધી સુખી રહી નહીં શકે.

હવાની સાથે ઉડતા પાનની જેમ જ્યાં પરિસ્થિતિ લઈ જાય ત્યાં જઈ પહોંચવું અપરિપક્વતાની નિશાની છે. કયાં ચાલવું અને શું કરવું? શું? બનવું જોઈએ અને શું મેળવવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપમેળે ચેતનાથી, દૂરદર્શી, વિવેકબુદ્ધિની સાથે મેળવવા જોઈએ. લોકો શું કરે છે અને શું કહે છે તેના આધાર ઉપર આંધળુકિયા કરતા રહી ગયા તો સમજી લેવું જોઈએ કે સર્વસુલભ અવસર મળ્યો હોવા છતાં પ્રાપ્ત થયેલ તક ગુમાવવાની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

સન્માર્ગ ઉપર ચાલીને જ સુખદ પરિણામ મળી શકે છે. સદ્દબુદ્ધિની મદદ વડે જ આંતરિક સંતોષ અને આનંદ મળી શકે છે. આ અવસ્થાનું નામ જ આસ્તિકતા છે. નાસ્તિકતા એ અવિશ્વાસનું નામે છે જેમાં દુષ્ટ પ્રવૃત્તિઓની નીતિરીતિ અપનાવીને પણ તેનાં દુ:ખદ પરિણામથી બચી શકાય છે. સ્વતંત્ર ચેતનાની પ્રશંસા એ વાતમાં છે કે તે દેવપથને જ પસંદ કરો અને મહાન બનવાની આકાંક્ષા જાગૃત કરીને આત્મવાદી રીતિનીતિ અપનાવવા માટે સાહસપૂર્વક આગળ વધે. છેલ્લે અંતમાં આ જ નિર્ણય સર્વોપરી બુદ્ધિમત્તાનું ચિન્હ સિદ્ધ થાય છે કે, જેણે દેવમાર્ગ પકડ્યો એણે જીવનલક્ષ્યની પૂર્તિની સાથે જોડાયેલા અજસ્ત્ર આનંદનો લાભ લીધો છે.

ઉપાસનાત્મક ઉપચારોને સાધન કહેવામાં આવે છે, સાધ્ય નહીં. આત્મોત્કર્ષ સાધ્ય છે અને તેના માટે ચિંતન તથા કર્તવ્યમાં પ્રખર પરિષ્કૃત દ્રષ્ટિકોણનો સમાવેશ. જીવનલક્ષ આનું જ બીજું નામ છે. સ્વર્ગ મુક્તિ આનું જ પ્રતિકૂળ છે. આત્મસાક્ષાત્કાર તથા ઈશ્વરદર્શન આ જ મન:સ્થિતિનું નામ છે.

જો અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતાની રિતિનીતિની સાથે જોડી ન શકાય તો સમજવું જોઈએ કે ભજનપૂજનની બધી જ ક્રિયા વિધિઓ, બાળક્રીડા જેવી નિરર્થક અને ઉપહાસપ્રેરક સિદ્ધ થશે.

સમયનો સદુપયોગ કરો :

સમયનો સદુપયોગ કરો :

            મનુષ્ય જ્યારે સમયની ઉપયોગિતા સમજવા લાગે છે ત્યારે જ તેનામાં મહત્તા, યોગ્યતા જેવા અનેક ગુણ આવવા લાગે છે. મનુષ્યમાં ગમે તેટલા ગુણ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી તે સમયની કદર કરતાં નથી શીખતો, ત્યાં સુધી એને કોઈ લાભ મળતા નથી. જો સાચું પૂછો તો સમય બગાડવાવાળાને ક્યારેય પણ સારી તક મળતી નથી.

            જે મનુષ્ય સમયને વ્યર્થ ગુમાવે છે તે તેટલા જ સમયમાં પ્રયત્ન કરતાં ઘણી બધી સફળતાઓ મેળવી શક્યો હોત.જે મનુષ્ય પોતાનું કર્તવ્યપાલન કરવા ઈચ્છે છે, જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાને ઈચ્છુક છે, તેણે સૌથી પહેલાં આ જ પાઠ ભણવો જોઈએ. પોતાની યોગ્યતા, શક્તિ અને સાધનોની ફરિયાદ છોડીને એણે એ સમજ્વું જોઈએ કે સમય જ મારી સંપત્તિ છે અને એમાંથી જ લાભ ઉઠાવવા માટે મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેટલા દુ:ખની વાત છે કે લોકોને બગાડવા માટે ઘણો જ સમય મળી શકે છે પરંતુ કાર્યમાં લગાવવાને માટે તેનો એકદમ અભાવ રહે છે.

            સંસારની સૌથી વધુ ભલાઈ તે જ લોકો દ્વારા થઈ, જેમણે ક્યારેય પોતાની એક ક્ષણ પણ બગાડી નથી. આપણે ઉત્તમ અવસરોના આશ્રયે ન બેસતાં સાધારણ સમયને ઉત્તમ સમયમાં પરિવર્તિત કરવો જોઈએ અને આ જ સફળતા પ્રાપ્ત કરવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે.

સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :

સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :

            જેમનામાં ઈચ્છાશક્તિનો જેટલો અભાવ છે તે તેટલા જ પછાત રહેશે ભલેને તેમનું શરીર અને મસ્તિષ્ક વધારે સારું હોય. તીવ્ર ઈચ્છાવાળો મનુષ્ય અનેક શારીરિક, માનસિક તેમજ વ્યાવહારિક મુશ્કેલીઓના રહેતાં પણ ઘણી ઉન્નતિ કરી લે છે. આળસ, નિરાશા, હતોત્સાહ, જલદી થાકવું, બડબડાટ, સંકોચ, ખચકાટ આ બધું જ ઈચ્છાઓ બાકી છે તેવું પ્રગટ કરે છે. તીવ્ર ઈચ્છા મનુષ્યના ચહેરા ઉપર એક વિજળીની જેમ નાચતી હોય છે. તેને જ ઓજ તેજ તથા પ્રતિભા વગેરે કહે છે.

            જો આપણે સફળ, વિજયી, પુરુષાર્થી, પ્રભાવશાળી, ચતુર અન્દ યશસ્વી બનવા માંગતા હોઈએ તો જરૂરી એ છે કે આપણી ઈચ્છાશક્તિને તીવ્ર કરીએ. જે વસ્તુ મનવાંછિત હોય, જેનું લક્ષ્ય નક્કી હોય તેને મેળવવા માટે ઉત્તમ ઈચ્છા કરવી જોઈએ. શેખચલ્લીની જેમ સુખ-સફળતાની કલ્પના કરવા માત્રથી, સપનાં જોવા માત્રથી કામ નહીં ચાલે.

            આવી તુચ્છ કલ્પના નિરથક ઈચ્છા તેને કહે છે જે અંત:સ્તલને હલાવી દે. પ્રેરણા ઉત્પન્ન કરે, લક્ષ્ય માટે બેચેન કરે અને મુશ્કેલીઓનો ડર પણ માર્ગને રોકી ના શકે. આવી ઈચ્છાઓ જેમના મસ્તિષ્કમાં રહેલી છે. જેમની બુદ્ધિમાં ખરેખર દ્રઢતા તેમજ દૂરદર્શિતા છે તેવી જ વ્યક્તિઓ આજે નહીં તો કાલે નિર્ધારિત દિશામાં સફળતા પ્રાપ્ત કરીને રહેશે.

અંત:પ્રેરણા જાગૃત કરો :

અંત:પ્રેરણા જાગૃત કરો :

જ્યારે મનુષ્યની ગુપ્ત પ્રેરણા જાગૃત થઈ જાય છે ત્યારે તેને અપૂર્વ બળ મળે છે. તેને એવું લાગે છે કે જાણે તે સૂતાં સૂતાં એકદમ જાગૃત થઈ ગયો છે, જેમ અંધકારમાં પ્રકાશનું કિરણ મળી આવ્યું. પ્રેરણા એક એવી વિધુત તરંગ છે જેના પ્રવેશમાત્રથી સમગ્ર શરીર ચેતનવંતુ બની જાય છે. મનુષ્યની શક્તિઓ બે થી ચાર ગણી થઈ જાય છે. જેવી રીતે નદીમાં પૂર આવતાં તે કિનારાઓને તોડતી ફોડતી પોતાનો રસ્તો સાફ કરતી અત્યંત વેગથી આગળ વધતી જાય છે તે જ રીતે પ્રેરણા મેળવ્યા પછી મનુષ્ય શું નો શું થઈ જાય છે. તેની દિવ્ય ધારાઓથી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે તથા તેની પ્રગતિ ઘણા અત્યંત વેગથી થવા લાગે છે.

જો તમે મહાપુરુષોના મનનું વિશ્ર્લેષણ કરો તો તમને જાણવાનું મળશે કે પ્રાય: દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવી કે તેમને કોઈને કોઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ.

આ દિવ્ય જ્યોતિના નિર્દેશન દ્વારા તેઓને પોતાના ઉદ્દેશ્યનું જ્ઞાન થયું તથા તેઓ નિર્ધારિત માર્ગ ઉપર અગ્રેસર થતા ગયા.

પ્રેરણા ઈશ્વરીય શક્તિ છે, જે સાત્વિક પ્રકૃતિના મહાપુરુષોને પોતાનાં જીવન કાર્યો કરવાનો આદેશ આપે છે.આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રેરણાને ઈશ્વરીય તત્વ નથી મનાતું. ઈશ્વર પોતાની જાતે આપણને કોઈ વિશેષ કાર્ય કરવાનું કહેતા હોય તેવી વાત નથી.

પ્રેરિત વ્યક્તિની મનોદશા જોતાં કેટલાંય રહસ્યો મળે છે. સર્વપ્રથમ તો એક નિશ્ચત ઉદ્દેશ્યની પ્રતીતિ થાય છે. પ્રેરણા કોઈ ખાસ દિશામાં હોય છે. બીજું રહસ્ય છે અસાધારણ મનોબળ, પ્રેરિત વ્યક્તિ પરમેશ્વરના સિવાય અન્ય કોઈથી પણ નથી ડરતો. તેના શરીરમાં અધિક બળ નથી હોતું પરંતુ તેનામાં દ્રઢ નિશ્ચય, તીવ્ર ઈચ્છા તથા મજબુત પ્રયત્નનું બળ હોય છે. એ તુચ્છ વિઘ્નો દ્વારા મહાન સાહસિક કાર્યોની પૂર્તિને માટે આગળને આગળ વધે છે મનોબળ તેમની શક્તિઓને પૂર્ણ કરે છે અને તેની અંત:દ્રષ્ટિ તીવ્ર બને છે. ત્રીજું રહસ્ય છે અપૂર્વ આત્મશ્રદ્ધા. તેને પુરો વિશ્વાસ હોય છે કે પરમેશ્વરને સેના મારી સાથે છે. હું ચોક્કસ માર્ગ ઉપર છું. મારામાં કાર્ય પૂરું કરવાની પૂરી યોગ્યતા છે. હું જ મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશ. આત્મશ્રદ્ધા દરેક પ્રકારની સફળતાઓનું મૂળ છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આનાથી અદ્દભૂત પ્રકાશ મળે છે. વિશિષ્ટ ઉદ્દેશ્ય, મનોબળ તથા આત્મશ્રદ્ધાથી જેને પ્રેરણા પ્રાપ્ત થઈ ગઈ છે સાચે જ તે વ્યક્તિ ધન્ય છે.

વિશ્વશાંતિનો માર્ગ :

વિશ્વશાંતિનો માર્ગ :

            આજે પણ વિશ્વ આખું શાંતિ શાંતિની બૂમો પાડી રહ્યું છે. પરંતુ તેની કિંમત કેટલી? બાવળ ફૂટે અને કેરી ને માટે બૂમ પાડવી કેટલા અંશે વાજબી છે?

            નથી સદાચાર, નથી જ્ઞાન કે તપ, નથી સાત્વિકતા કે નથી ધર્મ અને નથી કોઈ નિયમ વડે માત્ર પોતપોતાની વાહવાહ ગદર્ભ રાગનો આલાપ.

            આપણા દેશમાં મહાત્મા જેઓને અહર્નિશ ભગવાનનાં ચરણોમાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, તેઓ જ શાંતિના સાચા નેતા થયા અને થતા રહેશે, કારણ કે તેમણે શ્રીરામના આદર્શોને હ્રદયંગમ કર્યા અને તે જ પ્રમાણે પોતાના જીવનના દરેક કાર્યને અભિમંત્રિત કર્યું અને તેઓ શબ્દસ: વિશ્વ શાંતિને માટે પોતાની ભેટ આપી શક્યા.

            આજે પણ જો માનવસમાજ વિપરીત પથનો ત્યાગ કરી તેમના આદર્શોની ચરણરજનું અનુસરણ કરે તો શાંતિની તો શું વાત કરીએ વિશ્વનું દુર્લભામાં દુર્લભ કાર્ય પણ ક્ષણભરમાં પૂર્ણ થાય કારણ કે શાંતિ તો આપણી અંદર જ છે અને તેની શોધ બહાર કરવી એ અસફળતાનો પ્રથમ સંકેત છે. ત્યારે જે લોકો વિશ્વશાંતિના માટે બહારની તરફ દોડી રહ્યા છે તેઓને અસફળતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી.

            અમારું આશ્વાસન એ જ છે કે તે લોકો જો શ્રીરામની જેમ આચરણ કરવાનું શરૂ કરી દે અને તેમના જીવનના પ્રત્યેક આદર્શોનો સ્વીકાર કરે તો આપણો માનવસમુદાય સમૃદ્ધ અને એકસૂત્રબદ્ધ થઈ શકશે અને એકાત્મ થઈ શકશે.

આનંદને અંદર શોધો :

આનંદને અંદર શોધો :

સમાજમાં એવા મનુષ્યોની ખોટ નથી કે જેની સામે વૈભવનો સંપૂર્ણ વિલાસ નાચી રહ્યો છે. દરેક પ્રકારની સુવિધાઓ તેમના માટે ઉપલબ્ધ છે. મોટરો છે, બંગલા છે, નોકરો છે, યશ છે, આખું કુટુંબ ભર્યું ભર્યું છે. સારો વેપાર અથવા જમીનજાગીર છે, ધનની કોઈ ચિંતા નથી. કાલે શું થશે તે ચિંતાનો અનુભવ તેમણે સ્વપ્નમાં પણ કર્યો નથી. છતાં પણ જીવન અતૃપ્ત અને અશાંત છે. વૈભવના ભાર તળે તેઓ એવા દબાઈ ગયા છે કે દિવસે દિવસે જીંદગી અચેતન થતી જાય છે. જીવનનું સુખ, ધન અને વૈભવની લાલસામાં અને તેમાંથી ઉત્પન્ન થયેલા નાનાં મોટા પ્રલોભનોમાં ડુબી ગયું છે. બધું જ છે પરંતુ કોને ખબર શું નથી કે જેના લીધે બધું જ ફિક્કું અને બેસ્વાદ થઈ ગયું છે. રાતદિવસ એક નસામાં ભૂલો પડેલો આત્મા જીવનયાત્રા પૂરી કરી રહ્યો છે. સુખ નથી, નથી શાંતિ તૃપ્તિ નથી કે નથી આનંદ.

એ સ્પષ્ટ છે કે મનુષ્યનો આનંદ એની પોતાની વસ્તુ છે અને પોતાની અંદર રહેલો છે. એને શોધવા માટે ક્યાંય દૂર નથી જવાનું અને આ ધન થી કે સુખના નામ પર બજારમાં મળતી જરૂરિયાત પર નિર્ભર કરતું નથી. આ ઈચ્છાઓને નિર્બાધ છોડી દેવાથી ન કશું મળ્યું કે ન મળશે, કારણ કે જ્યાં શાંતિ અને તૃપ્તિ નથી ત્યાં સુખ અને આનંદ પણ નથી. એટલા માટે તમે જો સુખ ઈચ્છો છો તો પહેલી વાત એ કે જ્યાં તે છે ત્યાં તે જગ્યાએ તેને જોવા અને મેળવવા પ્રત્યે ધ્યાન દો. આજે સુખની છાયા છે અને જેને તમે રૂપિયાથી ખરીદવા ઈચ્છો છો તેને ભૂલી જાવ. આનંદનો સોદો રૂપિયાથી નથી થતો. અહીંયા તો દિલના સિક્કા ચાલે છે. દિલ નિર્મળ, વિશુદ્ધ, સાચું હશે તો આનંદનો પ્રવાહ તમારા જીવનને ઓતપ્રોત કરી દેશે.

સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :

સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :

સંસારમાં એવું કોઈ કાર્ય નથી જે તમે પૂર્ણ ન કરી શકતા હો. જે કાર્ય, જે સફળતાઓ, જે આશ્ચર્યજનક પરિણામો એક વ્યક્તિ પ્રાપ્ત કરી શક્તો હોય તે સૌના જેવી સામર્થ્યતા તમારામાં પણ રહેલી છે. જે પ્રતિભા, જે બુદ્ધિ, સામર્થ્ય એક વ્યક્તિની પાસે છે તે જ તમારામાં એક બીજ રૂપમાં મોજૂદ છે. તમે જે ઈચ્છશો તે જ કરશો. તમે જે માંગશો તે જ પ્રાપ્ત કરી શકશો. જો તમે સુખ સ્મૃદ્ધિની માંગણી કરશો તો તમને સુખ પ્રાપ્ત થશે જ. જો મુક્તિની ઈચ્છા રાખશો તો મુક્તિ મળશે. સંસાર તો કલ્પવૃક્ષ છે તેની પાસેથી તમે જેની ઈચ્છા રાખશો તે તેનું જ પ્રદાન કરશે. તમે વૈભવના માટે તેની સામે હાથ ફેલાવશો તો તમારા માટે રત્નાકર, વસુન્ધરા અને હિમાલયનાં મુકતામણિ ખોલી દેશે. તમે આનંદપ્રાપ્તિને માટે પ્રાર્થના કરશો તો તમારા માટે સ્વર્ગ તૈયાર થઈ જશે. જે તેને હર્યાભર્યા રમતના સ્થાન તરીકે જોવાની આદતવાળા છે તેમના માટે નિત્ય શાશ્વત અને આનંદધામ બની જશે. ફકત એકાગ્રચિત્ત થઈ ઉત્તમ અને ઉચ્ચ વિચારોને કાર્ય રૂપમાં પ્રગટૅ કરવાનું શીખી લો. આ તમારી સૌથી ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઈચ્છિત કાર્યોમાં લગાડવાથી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

તમે આજથી અત્યારથી જ ર્દઢ સંકલ્પ કરો કે હું નકામી વિચારધારામાં લીન રહીશ નહીં. મારી કાર્યશક્તિ અનંત છે. મને પૂર્ણ અનુભવ થઈ ગયો છે કે મનુષ્ય જે કાર્ય કરે છે તેનું જ ફળ તે મેળવે છે. મારી પ્રગતિ કે અધોગતિ, માન કે અપમાન મારા કાર્ય ઉપર નિર્ભર છે. ઉત્તમ કાર્ય, ઉચિત કાર્ય અને નિરંતર સાધનાથી જોડાયેલા રહો. સારી ભાવના માટેના વિચારો જ ઉત્તમ જીવનનું નિર્માંણ કરે છે.

સમય સાથે સંભાળી જાઓ :

સમય સાથે સંભાળી જાઓ :

આજે તવંગરોએ પોતાની નિતિ બદલી નાખી છે. તેઓ ગરીબોનાં હાડમાંસ ઉપર પોતાના મહેલ બનાવવા માંગે છે. પોતાના સ્વાર્થ માટે તે બીજાનું ખરાબમાં ખરાબ અહિત કરી શકે છે. આવી દશામાં જો તેમના વિરુદ્ધ ઘૃણા, દ્રેષ, શત્રુતા અને ઈર્ષ્યા વધતી જાય જો તે કંઈ અસ્વાભાવિક નહીં હોય. પૂંજીપતિ, સમાજને માટે ઉપયોગી બને તો ભૂતકાળ યાદ કરતાં તેમનું સ્વાગત છે. બુદ્ધિમત્તા કુશળતાની સાથે સાથે ત્યાગ અને સદ્દવ્યવહારનું સંમિશ્રણ કરીને અને રાષ્ટ્ર નિર્માણમાં સહાયક બનીને જનતા પાસેથી પ્રેમ, યશ અને સહયોગ પણ પ્રાપ્ત કરી શકે છે. આનાથી વિરુદ્ધ ધારો કે આજની સ્વાર્થપૂર્ણ અને મદથી ભરેલી ગતિવિધિને જ અપનાવેલી રાખીએ તો નક્કી તે પોતે જ પોતાના નાશનું કારણ બનશે. ભારત જેવા ધાર્મિક દેશમાં સામ્યવાદને માટે કોઈ સ્થાન નથી તેને તો સ્વાર્થી મૂડીવાદીઓ પોતાની દુર્બુદ્ધિથી ઉત્પન્ન કરી વધારવામાં પડ્યા છે. કાળનું ચક્ર ઘણું જ બળવાન છે. જે સમયની સાથે નથી બદલાતો તેને કાળ દંડની થપ્પડ પોતાના નિર્દય પ્રહારો વડે રસ્તા ઉપર લાવી દે છે. મૂડીપતિઓની ભલાઈ સમયની સાથે સાથે સુધરી જવામાં જ છે.