ગાયત્રી મહાશક્તિ શું છે?
ગાયત્રી મહાશક્તિ શું છે?
પ્રાણોને તારાવાની ક્ષમતાના કારણે આદિશક્તિને ગાયત્રી કહેવાય છે. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં તેનો અર્થ સ્પષ્ટ કરતાં લખવામાં આવ્યું છે- ‘ગયાન્ પ્રાણાન્ ત્રાયતે સા ગાયત્રી’ એટલે કે જે ગય(પ્રાણ)નું રક્ષણ કરે છે તે ગાયત્રી છે. શંકરાચાર્ય ભાષ્યમાં ગાયત્રી શક્તિને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે -”ગીયતે તત્વ મનયા ગાયત્રીતિ” એટલે કે જે વિવેકબુદ્ધિ ઋતંભરાથી વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે તે ગાયત્રી છે.
ગાયત્રી એવી બુદ્ધિનું નામ છે કે જે સારા ગુણો તથા કલ્યાણકારી તત્વોથી ભરપૂર હોય છે. તેની પ્રેરણાથી મનુષ્યનું શરીર અને મન એવા માર્ગ પર ચાલે છે કે ડગલે ને પગલે કલ્યાણનું જ દર્શન થાય છે. દરેક ઠેકાણે આનંદનો જ સંચાર થાય છે. પ્રત્યેક ક્રિયા તેને વધારે પરિપુષ્ટ, સશકત અને મજબૂત બનાવે છે તથા તે દિવસે દિવસે વધારે ગુણવાન અને શક્તિશાળી બનતો જાય છે. જ્યારે દુર્બુદ્ધિથી પેદા થયેલા વિચારો અને કાર્યો આપણી પ્રાણશક્તિને રોજેરોજ ઘટાડતાં જાય છે. દુર્બુદ્ધિથી આ અમૂલ્ય જીવનને નિરર્થક બરબાદ કરી રહેલી વ્યક્તિઓ માટે ગાયત્રી એક પ્રકાશ છે, એક સાચો આશરો છે, એક આશાસ્પદ સંદેશો છે, જે તેમની સદ્ બુદ્ધિને જગાડીને આ પતનની ખાઈમાંથી બચાવે છે, તેમના પ્રાણોનું રક્ષણ કરે છે તથા જીવનમાં સુખશાંતિ અને આનંદનાં દ્વાર ખોલી નાખે છે.
આમ ગાયત્રી એ કોઈ દેવી, દેવતા કે કલ્પિત શક્તિ નથી, પરંતુ પરમાત્માની ઈચ્છાશક્તિ છે, જે મનુષ્યમાં સદ્ બુદ્ધિ રૂપે પ્રગટ થઈને તેના જીવનને સાર્થક અને સફલ બનાવે છે.
જીવન તથા સૃષ્ટિનાં રહસ્યોની શોધખોળમાં સાધનારત રહેતા ઋષિઓએ ધ્યાનના ઊંડાણમાં જઈને અનુભવ કર્યો કે તેમના મૂળમાં સક્રિય શક્તિઓ શબ્દ સ્વરૂપે રહેલી છે. આદિશક્તિનો સાક્ષાત્કાર ચોવીસ અક્ષરના મંત્રરૂપે થયો છે, જેનું નામ તેની પ્રાણરક્ષક ક્ષમતાના કારણે ગાયત્રી પડ્યું. તેની શોધ કરવાનું શ્રેય વિશ્વામિત્ર ઋષિને જાય છે.










RSS - Posts
પ્રતિભાવો