Archive

Archive for October 24, 2008

આખરે આ પડકારને કોણ સ્વીકારે.

આખરે આ પડકારને કોણ સ્વીકારે.

 

              એક કથા પ્રચલિત છે કે બિલાડીથી બચવા માટે ઉંદરોએ તેના ગળામાં ઘંટડી બાંધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ જયારે આ કાર્ય કરવાની જવાબદારી ઉઠાવવાનો પ્રશ્ન આવ્યો તો કોઈ ઉંદર તે માટે તૈયાર ન થયો.  આપણી પણ આ જ દશા છે. મૂઢતાથી ગ્રસિત લોકોની હા માં હા મેળવીને સસ્તી વાહવાહ તથા લોકપ્રિયતા મેળવવા ઈચ્છિએ છીએ, તો પછી નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં ઊભા થતા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે કોણ આગળ આવે? તે માટે તો પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. સુધારકનુ મુખ્ય કામ જનમાનસનો સુધાર કરવાનું છે.  પ્રચલિત વિકૃતિઓ, રૂઢિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો વિરોધ કરવાનો છે. જે લોકો આ કામ હાથમાં લેશે તેમને સ્વાભાવિક રીતે પરંપરાવાદીઓનો વિરોધ સહેવો પડશે.  આ સહન કરવાનું સાહસ તે વ્યક્તિથી નહિ થાય કે જેણે માત્ર યશ અને માન મેળવવા માટે જ સાર્વજનિક જીવનમાં પ્રવેશ કર્યો છે.

બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ.

બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ.

      

              આજે આદર્શવાદિતાની મોટી મોટી વારો કરનારા બીજાને ઉપદેશ આપવામાં જ ઘણા કુશળ છે, પરંતુ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા.  તેના લીધે ઉપદેશ આપવામાં કરેલો શ્રમ વ્યર્થ જાય છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂર્ણ થઈ શકતી નથી.  આ અભાવની પૂર્તિ માટે જો આપણે લોકો સાહસ કરી શકીએ તો સુધારના ક્ષેત્રમાં એક નવા ઉપચારની પરંપરા શરૂ કરી શકાય.

આપણે બદલાઈશું તો યુગ બદલાશે.

 

આપણે બદલાઈશું તો યુગ બદલાશે.

      

              ‘હમ બદલેંગે યુગ બદલેગા’ આ ઉદ્દઘોષમાં નિદાન અને ઉપચાર એમ બંને પક્ષોનો સમાવેશ છે.  પરિસ્થિતિઓને બદલવા માટે, મન:સ્થિતિને તથા સમાજને સુધારવા માટે વ્યક્તિ સુધાર અનિવાર્ય છે.  દરેક વ્યક્તિને આ તથ્યથી માહિતગાર અને સહમત કરવી જોઈએ કે અત્યારે લોકમાનસની દિશાધારામાં સમગ્ર પરિવર્તનની જરૂરિયાત છે.  આજે લોકો જે રીતે વિચારે છે, માને છે અને આચરણ કરે છે તેના ઉદ્દભવ કેન્દ્રમાં એવા ફેરફારની જરૂરિયાત છે કે જેથી સડી ગયેલા ઢાંચાનો ત્યાગ કરી દઈને વિવેકનો આધાર લઈ શકે. તે માટે ત્રણ સિદ્ધાંત સૂત્રોને સમજવા અને અપનાવવાથી કામ ચાલી શકશે.

(1).   નિર્વાહમાં સંયમનો તથા સાદગીનો સમાવેશ કરવામાં આવે. સરેરાશ નાગરિક સ્તરનું જીવન જીવવામાં આવે અને શરીર નિભાવવા માટે જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરવું.

(2).  સાદગી અપનાવતાં જે ક્ષમતા અને સંપત્તિ બચે તેમને સત્પ્રવૃત્તિઓ વધારવા માટે, નવનિર્માણ માટે સમયદાન તથા અંશદાનના રૂપમાં વધુમાં વધુ ઉદારતા અને ઉત્સાહપૂર્વક સમર્પિત કરવામાં આવે.

 

(3),  આંતરિક અને બાહ્ય દુષ્પ્રવૃત્તિઓને ઉખેડીને ફેંકી દેવા માટે સાહસિક શૌર્ય તથા પરાક્રમપૂર્વક સંઘર્ષ કરવામાં આવે.

પરિવર્તનના શ્રીગણેશ કરીએ

પરિવર્તનના શ્રીગણેશ કરીએ

      

              યુગપરિવર્તનનો શુભારંભ આપણો દ્રષ્ટિકોણ નક્કી કરવામાં અને કાર્યોને પ્રકાશવાન બનાવવાના રૂપમાં થવો જોઈએ. એન્જિનિયર હોય તો ભવન બનાવે, ડૉકટર હોય તો હૉસ્પિટલ ચલાવે, શિક્ષક હોય તો બાળકોને ભણાવે. સેનાપતિ હોય તો સિપાહીની જેમ લડે.  આગેવાન માર્ગ માત્ર બતાવાતો નથી, પરંતુ તેને બનાવે પણ છે. જો તે સાચા રસ્તે જતો હશે અને પોતે સીધો હશે તો તે માર્ગ પર ચાલનાર વ્યક્તિઓની કમી નહિ હોય.  મુશ્કેલી તો માત્ર પ્રારંભ કરવામાં હોય છે.  કામ શરૂ થઈ જાય પછી તો મોટા મોટા  ઉધોયો મુનીમ અને ગુમાસ્તાઓ પણ ચલાવી શકે છે. યુગસર્જનમાં મુખ્ય ભૂમિકા જેઓ  અગ્રગામી છે તેમની છે. અર્થાત્ પોતાના વ્યક્તિત્વ ને પ્રયત્નોમાં જેમણે એવી આદર્શવાદિતા ભરી દીધી હોય કે તેને જોઈને અનુકરણ કરવાનું સાહસ દરેક જણને થઈ આવે.  યુગપરિવર્તનના શ્રી ગણેશ આપણા વ્યક્તિગત ક્ષત્રમાં આપણે પોતે જ કરવાના છે.  આપણે એવું બીબું બનવાનું છે, જેથી આપણા સંપર્કમાં આવનારા બરાબર આપણા જેવા જ બનતા જાય.

આપણે બદલી શકીએ છીએ

આપણે બદલી શકીએ છીએ

 

              લોકોના દ્રષ્ટિકોણ, જીવનક્રમ અને તેમના પ્રયત્નોનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેમાંથી મોટે ભાગે રાવણ, કુંભકર્ણ, મારીચ, કંસ, દુર્યોધન, જરાસંઘ, હિરણ્યકશ્યપ, વૃત્રાસર તથા ભસ્માસુરના વંશજો જોવા મળશે.  એમાં અંતર માત્ર એટલું જ છે કે શક્તિ તથા સામર્થ્યના અભાવે તેઓ મનમાની કરી શકતા નથી. તેમની પ્રવૃત્તિઓ તો એ કક્ષાની જ છે.  સૂર્પણખા, તાડકા, ત્રિજટા, સુરસા, પૂતના, તથા મંથરા ઘેરેઘેર છે.  અંતર સાધન અને અવસર ન મળવા જેટલું જ છે.  આ લોકોની વચ્ચે રહેવા છતાં કમલપત્રની જેમ નિર્લેપ રહેવું જોઈએ.  સુદામા, કેવટ, હનુમાન ભાગીરથ જેવાનોનું અનુકરણ કરવામાં નુકસાન થશે એવું ન વિચારવું જોઈએ.  કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, કુંતી, મદાલસા, મીરા, સંઘમિત્રા વગેરેનો માર્ગ અપનાવવામાં કોઈ નુકસાન નથી.  પાછલું જીવન તુચ્છ અને હલકું રહ્યું હોય, તો પણ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાલ્મીકિ, અંગુલિમાલ, બિલ્વમંગલ, અજામિલ જેવા બદલાઈ શકે છે. આમ્રપાલી તથા વાસવદત્તાની કથાઓ બતાવે છે કે સામાન્ય સ્તરની, નિમ્નકક્ષાની નારી પણ આંતરિક પરિવર્તન થતાં વિશ્વવિભૂતિ બની શકે છે.  આદર્શવાદી પરિવર્તનને માટે જીવનનું દરેક ક્ષેત્ર, સંસારનો દરેક ખૂણો ખાલી પડ્યો છે.

આત્મનિરીક્ષણ કરો :

આત્મનિરીક્ષણ કરો   :                                                       

આપણે આત્મનિરીક્ષણ તરફ આગળ વધીએ.

આપણા પોતાના ભૂત, વર્તમાન અને

ભવિષ્ય દ્વારા પણ જ્ઞાન મેળવવું જોઈએ.

માત્ર અધોગામીઓ તરફ ન જોતાં પવન અને

અગ્નિની જેમ ઉપર ઉઠનાર વ્યક્તિઓ તરફ પણ

ધ્યાન આપવું જોઈએ.

તે તરફ પણ જોવું જોઈએ કે

જે માર્ગ મહામાનવોએ અપનાવ્યો છે અને

ઉત્કૃષ્ટ આદર્શવાદિતાના માર્ગે ચાલીને અનુગામીઓને

એવો માર્ગ બતાવ્યો છે કે જેનું અનુકરણ કરીને

તેનો પોતાને તથા પોતાના સાથી સહચરોને પણ

ધન્ય બનાવી શકે. જો સમજદારી હોય તો

આપણે એવા નિર્ણય પર આવવું જોઈએ કે

પતનના માર્ગ તરફથી પાછા વળીને

ઉત્થાનનો માર્ગ અપનાવવો જ કલ્યાણકારી છે.

વિચારો જ જીવનનું નિર્માણ કરે છે.

વિચારો  જ જીવનનું નિર્માણ કરે છે.

       આપણા જીવનમાં વિચારોનું મહત્વનું સ્થાન છે.  આપણાં સુખ-દુખ, હાનિ-લાભ, પ્રગતિ- અધોગતિ, સફળતા- નિષ્ફળતાં બધું જ આપણાં પોતાના વિચારો પર જ આધારિત છે.  જેવા આપણા વિચારો હોય છે, તેવું જ આપણું જીવન બને છે.  સંસાર કલ્પવૃક્ષ છે, એની છાયામાં બેસીને આપણે જે કાંઈ વિચારીશું, તેવાં જ પરિણામ પ્રાપ્ત થશે.  જેઓ પોતાને સદ્દવિચારોથી ઓતપ્રોત રાખે છે, તેઓ દરેક પગલે જીવનનાં મહાન વરદાનોથી શોભાયમાન બને છે, એમને સફળતા, મહાનતા, સુખ શાંતિ, પ્રસન્નતાનો પ્રારિતોષ મળે છે.  એથી ઊલટું જેઓ પોતાને હીન, અભાગી, કમનસીબ માને છે, તેમનું જીવન પણ દીનહીન બની જાય છે.  વિચારોથી પતિત થયેલ વ્યક્તિને પછી પરમાત્મા પણ ઉઠાવી શક્તો નથી.  જેઓ અંધકારમય નિરાશામય વિચારો રાખે છે, તેમનું જીવન ક્યારેય ઉચ્ચ અને ઉત્કૃષ્ટ બની શક્તું નથી. મનુષ્યના વિચારો જેવા હોય છે, તેવું જ તેને પ્રાપ્ત થાય છે.      

            વિચારોમાં મોટો જાદુ છે. તે આપણને ઊંચે લઈ જઈ શકે છે અને નીચે પણ પાડી શકે છે.  જરૂર એ વાતની છે કે આપણે આશાવાદી, ઉદાર, દિવ્ય, પુરોગામી તથા ઉત્કૃષ્ટ વિચારોથી આપણા મનને ઓતપ્રોત રાખવું જોઈએ.  હલકા અને ખરાબ વિચારોથી છુટકારો મેળવવા માટે ઉચ્ચ દિવ્ય વિચારોનો અભ્યાસ કરવો જરૂરી છે. ખરાબ વિચારોને સદ્દવિચારોથી કાપવા જોઈએ.