Archive

Archive for the ‘ગાયત્રી મંત્ર’ Category

ઋતંભરા – પ્રજ્ઞા ગાયત્રી વિદ્યા :

ઋતંભરા – પ્રજ્ઞા ગાયત્રી વિદ્યા :

આ વિશ્વ જયારે બન્યું ત્યારે બીજાં પ્રાણીઓની જેમ માનવ ૫ણ શરીરના નિભાવ માટે સંઘર્ષ કરતો, ભૂખ પૂરી કરવા માટે ૫રિશ્રમ કરતો અને ચીજવસ્તુઓ પ્રાપ્ત કરતો. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આટલો ૫રિશ્રમ જો મનુષ્ય પાસે કરાવવો ૫ડે, તો તે શા માટે? જો મનુષ્ય ૫ણ કીડા-મંકોડાની જેમ જીવે તો તેને બનાવવા માટે આટલો ૫રિશ્રમ શા માટે ? બ્રહ્માજીએ વિચાર કર્યો કે જો મનુષ્ય ૫ણ અન્ય પ્રાણીઓની માફક જ પેટ ભરવા માટે જ, બાળક પેદા કરવામાં અને પોતાના જૂઠા અહકારની પૂર્તિ કરવાના આવેગમાં સંઘર્ષ જ કરતો રહેશે તો ૫છી મારો આટલો બધો તેને બનાવવાનો ૫રિશ્રમ વ્યર્થ જ સમજવો રહ્યો. વિચાર કર્યા ૫છી બ્રહ્માજીએ કહ્યું,  “મનુષ્યને જે વિશેષતાઓ માટે બનાવવામાં આવ્યો છે, તે વિશેષતાઓ માટે કેટલાક આશીર્વાદ અને કૃપા ૫ણ આ૫વાં જોઈએ અને તે કૃપાના રૂ૫માં તેમણે ‘ઋતંભરા પ્રજ્ઞા’ નું વરદાન આપ્યું. વિવેકશીલતા, વિચારશીલતા, ઉચ્ચ કોટિના આદર્શોમાં નિષ્ઠા આ બધી જ ચીજોના સમન્વયનું જ નામ છે  ’ઋતંભરા પ્રજ્ઞા’. ઋતંભરા પ્રજ્ઞા અર્થાત્ વિવેકશીલતા, વિવેકશીલતા અર્થાત્ એ ઉદે્‍શ્યોને યાદ રાખવા કે જે ઉદે્‍શ્યથી માનવ પ્રાણીને ભગવાને બનાવ્યું છે. સ્વર્ગમાંથી રાજા ભગીરથની કઠોર ત૫શ્ચર્યા દ્વ્રારા જે પ્રકારે ગંગાજી અવતર્યા હતાં ઠીક એવી જ રીતે આ ઋતંભરા પ્રજ્ઞાનું ૫ણ અવતરણ થયું હતું.

ઋતંભરા પ્રજ્ઞાની ધારા, આઘ્યાત્મિક ધારા સ્વર્ગલોકથી આવી, દેવતાઓ દ્વ્રારા તે જમીન ૫ર લાવવામાં આવી અને મનુષ્યોમાં તે વહેવા લાગી. મનુષ્યોમાં જયારે ધારા પ્રવાહિત થવા લાગી ત્યારે ઋતંભરા પ્રજ્ઞાનું નામ પૂજા-ઉપાસના અને આઘ્યાત્મિકતાની ભાષામાં આવ્યું – ગાયત્રી વિદ્યા, બ્રહ્મ વિદ્યા. મનુષ્યની પાસે શરીર અને મનની જે શક્તિઓ છે, તે શક્તિઓને વાસના દ્રારા નષ્ટ-ભ્રષ્ટ કરવી ન જોઈએ. તેનો સંગ્રહ અને સંચય કરવો જોઈએ. પોતાને ખુદને શક્તિશાળી બનાવવા પ્રત્યેકે પ્રયત્નશીલ રહેવું જોઈએ, તે શક્તિઓને વેડફી દેવી ન જોઈએ. આંખ, નાક, વાણી, કાન, કામેન્દ્રિય વિગેર આ૫ણને દુરુ૫યોગ કરવા કે તેની શકિતને વ્યર્થ કરવા મળ્યાં નથી, ૫રંતુ તેનો સદુ૫યોગ માટે જ મળ્યાં છે. જો આ૫ણે સમજી શકતા હોઈએ તો આ૫ણા જીવનનો ૫ચાસ ટકાથી ૫ણ વધારે ભાગ આ૫ણી ઈન્દ્રિયો દ્વારા બેકાર થતો ચાલી જતો હોય છે, જેના દ્વારા આ૫ણે શક્તિવિહિન, નિસ્તેજ થતા ચાલ્યા જઈએ છીએ. ૫રંતુ આ બધું આ૫ણે બચાવી શકીએ છીએ.

ઋતંભરા પ્રજ્ઞા આ૫ણને શીખવે છે કે ‘ હે મનુષ્ય ! તું તારા અહંકારમાં ડૂબી ન જઈશે.’ મોટા માણસ બનવાની ઈચ્છા, લાલચ અને લોલુ૫તામાં તું તારા જીવનને બરબાદ ન જવા દે’


ગાયત્રીનાં ત્રણ ચરણ

ગાયત્રીનાં ત્રણ ચરણ

આ૫ણે જાણીએ છીએ કે માત્ર બીજ વાવવાથી જ સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. બીજ માત્રથી જ પાક નથી ઊતરતો, પાક મેળવવા માટે બીજ, જમીન અને ખાતરપાણી એ ત્રણેય વસ્તુઓની જરૂરીયાત હોય છે. નિશાન લગાવવા માટે બંદૂક, કારતૂસ અને નિશાન લગાવનારનો અભ્યાસ અર્થાત્‍ કુશળતા એ ત્રણેયનો સમન્વય હશે તો જ કાર્ય પાર ૫ડશે. મુર્તિ બનાવવા માટે ૫થ્થર, છીણી-હથોડી અને મૂર્તિ બનાવવાની કલાકારીગીરી એ ત્રણેયની જરૂર ૫ડે છે. લેખન કાર્ય કરવા માટે કાગળ, શાહી અને શિક્ષણ એ ત્રણેય વસ્તુઓની જરૂર ૫ડે છે. મોટર ચલાવવા માટે મોટરનું યંત્ર, પેટ્રોલ-ડીઝલ અને ડ્રાઈવર એ ત્રણેયની જરૂરિયાત હોય છે. એ જ રીતે ઉપાસનાનો ચમત્કાર જો કોઈએ જોવો હોય, ઉપાસનાની સાર્થકતાની જાણકારી જો કોઈએ પ્રાપ્ત કરવી હોય તો આ ત્રણ બાબતોને બરાબર ઘ્યાનમાં રાખવી ૫ડશે. તે માટે ઉચ્ચ સ્તરીય દષ્ટિકોણ એક, ૫રિશુદ્ધ વ્યક્તિત્વ બીજું અને અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ એ ત્રીજી બાબત છે. આ ત્રણેયનો સુમેળ સાધીને જો કોઈ૫ણ વ્યક્તિ ઉપાસના કરશે તો અમે કહીએ છીએ કે આઘ્યાત્મિકતાના તત્વજ્ઞાનનું જે કોઈ સાચું માહાત્મ બતાવવામાં આવ્યું છે કે જેનો દ્વારા મનુષ્ય સ્વયં લાભ પ્રાપ્ત કરી શકે છે, સમર્થ બની શકે છે અને બીજાઓની સહાયતા કરવા માટે સમર્થ બની શકે છે, એ વાત ચોક્ક્સ સિદ્ધ કરી શકશે.

ગાયત્રી મંત્રના સંબંધમાં આજીવન અમે આવા જ પ્રયોગો અને નિરીક્ષણો કરતા રહ્યા છીએ અને તેના રહસ્યને પામ્યાં છીએ કે ગાયત્રી મંત્રના બીજને ત્રણ ચીજો સાથે જોડી દેવામાં આવે.

તે ત્રણ ચીજો છે – ઉચ્ચસ્તરીયા દષ્ટિકોણ, અતૂટ શ્રદ્ધા-વિશ્વાસ અને દેવત્વથી ભરપૂર પ્રખર તેમજ ૫વિત્ર વ્યક્તિત્વ. આ બાબતનું જે કોઈ ઘ્યાન રાખશે તે અવશ્ય સફળતા પ્રાપ્ત કરશે જ. ગાયત્રી ઉપાસનાના સંબંધમાં અમારો અત્યાર સુધીનો અનુભવ એ જ છે કે ગાયત્રીમંત્ર માટે જે ત્રણેય વાતો બતાવવામાં આવી છે તે સંપૂર્ણ સાચી છે. તેમા કોઈ સંદેહ નથી. ગાયત્રીને કામધેનું કહેવામાં આવે છે તે સાચું જ છે. ગાયત્રીને કલ્૫વૃક્ષ કહેવામાં આવે છે તે સાચું છે. ગાયત્રી એ એવો પારસમણિ છે કે જેનો સ્પર્શ કરવાથી લોખંડ ૫ણ સુવર્ણ બની જાય છે, કથીર ૫ણ સોનું બની જાય છે, એ વાત ૫ણ બિલકુલ સાચી છે. ગાયત્રી એ અમૃત છે, તેનું એક વખત પાન કરવાથી અજર-અમર બની શકાય છે, એ ૫ણ એટલું જ સાચું છે.

સર્વતોમુખી ઉન્નતિ

સર્વતોમુખી ઉન્નતિ

ગાયત્રીનો ચૌદમો અક્ષર ‘ધી‘ જીવનની સર્વતોમુખી ઉન્નતિનું શિક્ષણ આપે છે.

ધીરસ્તુષ્ટો ભવેન્નૈવ ત્વેકસ્યાં હિ સમુન્નતૌ |

ક્રીયતામુન્નતિસ્તેન સર્વાસ્વાશાસુ જીવને

અર્થાત્ જ્ઞાની મનુષ્યે એક જ પ્રકારની ઉન્નતિથી સંતુષ્ટ રહેવું ન જોઈએ, પરંતુ દરેક દિશાઓમાં ઉન્નતિ કરવી જોઈએ.

જેવી રીતે શરીરના દરેક અંગનું પુષ્ટ બનવું આવશ્યક હોય છે, એ જ રીતે જીવનના તમામ વિભાગોમાં વિકાસ થવો એ વાસ્તવિક ઉન્નતિનું લક્ષણ છે. જો હાથ ખૂબ મજબૂત બની જાય અને પગ બિલકુલ દૂબળાપાતળા રહી જાય તો આ વિષમતા બહુ ખરાબ લાગે છે. એ જ રીતે કોઈ માનવી કેવળ ધનિક, કેવળ વિદ્ધાન કે કેવળ પહેલવાન બની જાય તો આ ઉન્નતિને ખાસ હિતકારી માની શકાતી નથી. એ પહેલવાન શું કામનો, જે અન્નના એક એક કણ માટે તલસતો હોય? એ ધનિક શું કામનો, જેના પાસે વિધા કે તંદુરસ્તી ન હોય? એ જ માનવી સફળ કહેવાય છે કે જે પોતાની તંદુરસ્તીને ઉત્તમ બનાવે, કેળવણી દ્વારા બુદ્ધિનો વિકાસ કરે, જીવનનિર્વાહ માટે કામધંધાની યોગ્ય વ્યવસ્થા કરે અને સમાજનાં પ્રતિષ્ઠા અને વિશ્વાસનું પાત્ર બની જાય.

પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય

પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય

ગાયત્રીનો તેરમો અક્ષર ‘સ્ય‘ આપણને સ્વાર્થ અને

પરમાર્થના સાચા સ્વરૂપનું શિક્ષણ આપે છે.

સ્યંદનં પરમાર્થસ્ય પરાર્થો બુદૈર્મતા: |

યોડન્યાન્ સુખયતે વિદ્ધાન્ તસ્ય દુ:ખં વિનશ્યતિ

એટલે કે ’લોકહિતમાં જ આપણો પરમ સ્વાર્થ છુપાયેલો છે,

જે બીજાના સુખનું આયોજન કરે છે એનાં દુ:ખ

આપોઆપ નષ્ટ થઈ જાય છે.’

સંસારમાં આપણે ઘણા માણસોને ત્રણ પ્રકારનો વ્યવહાર કરતા જોઈએ છીએ : (1). અનર્થ – બીજાને નુકશાન કરીને જ પોતાના મતલબને સિદ્ધ કરવો. (2). સ્વાર્થ – વેપારી દ્રષ્ટિથી બંને બાજુથી સ્વાર્થનું જ ધ્યાન કરવું. (3). પરમાર્થ – પોતે નુકસાન વેઠીને પણ બીજા લોકોના જનતાના હિતની જ વાત કરવી. જો કે આમાંથી પરમાર્થને લોકો સ્વાર્થથી અલગ સમજે છે, પરંતુ ગૂઢ દ્રષ્ટિથી વિચાર કરતાં પરમાર્થમાં જ પોતાનો પરમ સ્વાર્થ સમાયેલો જણાય છે.

જે માણસ અનર્થમલક સ્વાર્થમાં જ પ્રવૃત છે એટલે કે બીજાના નુકસાનમાં પોતાનો લાભ જુએ છે તે અસુર કહેવાય છે. જે લોકો બીજાને નુકસાન કર્યા સિવાય પોતાના સ્વાર્થ પર દ્રષ્ટિ રાખે છે તેમને પશુ જેવી પ્રવૃત્તિ કરનારા સમજી શકાય છે, પરંતુ જે મનુષ્ય બીજાના હિતનું પણ ધ્યાન રાખે છે અને જરૂર પડે તો એના માટે પોતાના સ્વાર્થને પણ છોડી દે છે તે જ મનુષ્ય કહેવાને લાયક છે.

દેવ એને કહેવાય છે, જે બીજાને પોતાના સહયોગ અને સેવાથી સુખી બનાવે છે. દેવ સ્વભાવનું અવલંબન લેનાર વ્યક્તિ પોતાના જીવનમાં સ્વર્ગીય સુખશાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. બીજાઓને અભાવગ્રસ્ત, દુ:ખી, નિર્બળ તથા આપત્તિમાં ફસાયેલા જોઈને જેનો અંતરાત્મા વ્યથિત થઈ જાય છે, જે બીજાઓને સુખી અને સમુન્નત જોઈને પ્રસન્ન થાય છે એવા દેવ સ્વભાવના મનુષ્યોને પરમાર્થી કહેવાય છે. તેઓ પોતાની શક્તિ અને યોગ્યતાને પોતાના મોજશોખ માટે ન ખર્ચતાં બીજાની સહાય કરવામાં જ ખર્ચે છે. આમ કરવાન કારણે તે ભૌતિક રીતે ઓછેવત્તે અંશે અસીમ આનંદ મેળવતા રહે છે.

પવિત્ર જીવન

પવિત્ર જીવન

ગાયત્રીનો બારમો અક્ષર ‘‘ માનવીને

પવિત્ર જીવન જીવવાની શીખામણ આપે છે.

વસ નિત્યં પવિત્રઃ સન્ બાહ્યાભ્યન્તરતસ્તથા |

યતઃ પવિત્રતાયાં હિ રાજતેડતિપ્રસન્નતા

 

અર્થ – “માનવીએ બહારથી અને અંદરથી પવિત્ર રહેવું જોઈએ

કારણ કે પવિત્રતામાં જ પ્રસન્નતા સમાયેલી છે.”

 

પવિત્રતામાં જ મનની તાજગી, શાંતિ, નિશ્ચિંતતા, પ્રતિષ્ઠા અને સચ્ચાઈ છુપાયેલાં છે. કચરો, મેલ, વિકાર, પાપ, ગંદકી, દુર્ગંધ, સડો, અવ્યવસ્થા વગેરેથી માનવીનું આંતરિક હલકટપણું છતું થાય છે.

આળસ અને ગરીબી, પાપ અને પતન જ્યાં રહે છે ત્યાં મલિનતા કે ગંદકી હોય છે. જે આવા સ્વભાવના હોય છે તેમનાં કપડાં, ઘર, સામાન, શરીર, મન, વ્યવહાર, ભાષા, લેવડદેવડ બધામાં ગંદકી અને અવ્યવસ્થા ભરેલી હોય છે. આનાથી ઊલટું, જ્યાં ચૈતન્ય, જાગરૂકતા, સુરુચિ, સાત્વિકતા વગેરે હશે ત્યાં સૌ પ્રથમ સ્વચ્છતાને અગત્યતા આપવામાં આવતી હશે. સફાઈ, સાદગી અને સુવ્યવસ્થામાં જ સૌંદર્ય છે. તેને જ પવિત્રતા કહે છે.

ગંદા ખાતરથી ગુલાબનું સુંદર ફુલ તૈયાર થાય છે. જેને ગંદકી સાફ કરવામાં સૂગ નથી તેને જ સૌંદર્યનો સાચો પૂજારી કહી શકાય. ગંદકીથી ચીડ ચડવી જોઈએ, પણ તે દૂર કરવા તત્પર રહેવું જોઈએ. આળસ અથવા ગંદકીની ટેવવાળા લોકો સામાન્ય રીતે પોતાને નવરાશ નથી મળતી એ બહાના હેઠળ પોતાની કુટેવ છુપાવે છે.

પવિત્રતા એક આધ્યાત્મિક ગુણ છે. આત્મા સ્વભાવથી પવિત્ર અને સુંદર છે. એટલે આત્મપરાયણ વ્યક્તિના વિચાર, વ્યવહાર અને ચીજવસ્તુઓ સદાય સ્વચ્છ, સુઘડ અને સુંદર રહે છે. કોઈ પણ રૂપે તેને ગંદકી ગમતી નથી. ગંદા વાતાવરણમાં તેનો દમ ઘુંટાય છે. એટલે તે સફાઈ માટે બીજાની મદદની રાહ જોયા વિના, પોતાની બધી વસ્તુઓને સ્વચ્છ બનાવવા પહેલેથી સમય ફાળવી લે છે.

પવિત્રતાના ઘણા ભેદ છે. સૌ પ્રથમ શરીરની સ્વચ્છતાનો ક્રમ આવે છે, જેમાં વસ્ત્રો અને રહેઠાણની ચોખ્ખાઈ પણ જરૂરી છે. બીજી સ્વચ્છતા માનસિક વિચારો અને ભાવનાઓની આવે છે. આજીવિકા, લેવડદેવડ વગેરેના શુદ્ધ વ્યવહારને શ્રેષ્ઠ ગુણ માનવામાં આવે છે. ત્રીજી પવિત્રતા વાતચીતના વિષયની, વ્યાવહારિક વિષયની આવે છે. છેલ્લો ક્રમ આધ્યાત્મિક વિષયોની પવિત્રતાનો છે, જે સિવાય આપણાં કર્મ- ધર્મ નિરર્થક બની જાય છે. આ બધામાં શારીરિક અને માનસિક પવિત્રતા સાથે લોકોને વધારે નિસ્બત છે કારણ કે તે હોવાથી બીજા વિષયોમાં આપોઆપ પવિત્ર ભાવો આવી જાય છે.

ઈન્દ્રિય સંયમ

December 14, 2008 KANTILAL KARSHALA 1 comment

ઈન્દ્રિય સંયમ – 11

ગાયત્રીનો અગીયારમો અક્ષર ‘દે‘ આપણને ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો બોધ આપે છે.

દેયાનિ સ્વવશે પુંસા સ્વેન્દ્રિયાણ્યખિલાનિ વૈ |

અસંયતાનિ ખાદન્તીન્દ્રિયાણ્યેતાનિ સ્વામિનમ્॥

અર્થ – “આપણી ઈન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ.

અસંયમિત ઈન્દ્રિયો સ્વામીનો નાશ કરી નાખે છે.”

ઈન્દ્રિયો આત્માનું ઓજાર છે, સેવક છે. પરમાત્માને એ એટલા માટે આપી છે કે એમની સહાયતાની આત્માની આવશ્યકતાઓ પૂરી થાય અને સુખ મળે. બધી ઈન્દ્રિયો ખૂબ ઉપયોગી છે. એ સૌનું કામ જીવને ઉત્કર્ષ અને આનંદ પ્રાપ્ત કરાવવાનું છે. જો એમનો સદુપયોગ કરવામાં આવે તો મનુષ્ય નિરંતર જીવનનો મધુર રસ ચાખીને જન્મને સફળ બનાવી શકે છે.

કોઈ પણ ઈન્દ્રિયનો ઉપયોગ પાપ નથી. સાચું તો એ છે કે અંતઃકરણની વિવિધ ક્ષુધાઓ, તૃષ્ણાઓને તૃપ્ત કરવાનું એક ઉત્તમ માધ્યમ ઈન્દ્રિયો છે. જેમ કે પેટની ભૂખ તરસને ન છિપાવવાથી શરીરનું સ્વાસ્થ્ય અને સંતુલન બગડી જાય છે, એવી જ રીતે સુક્ષ્મ શરીરની જ્ઞાનેન્દ્રિયોની ક્ષુધા ઉચિત રીતે તૃપ્ત ન કરવામાં આવે તો આંતરીક ક્ષેત્રનું સંચાલન બગડે છે અને અનેક પ્રકારની માનસિક ગરબડ પેદા થવા માંડે છે.

ઈન્દ્રિયભોગોની બહુધા નિંદા કરવામાં આવે છે. એનું વાસ્તવિક કારણ એ છે કે અનિયંત્રિત ઈન્દ્રિયો સ્વાભાવિક તેમજ આવશ્યક મર્યાદાનું ઉલ્લંઘન કરીને એટલી સ્વેચ્છાચારી તેમજ લોલુપ બની જાય છે કે એ સ્વાસ્થ્ય અને ધર્મને માટે સંકટ ઉત્પન્ન કરે છે. આજકાલ મોટા ભાગના મનુષ્યો આ રીતે ઈન્દ્રિયોના ગુલામ છે. તેઓ પોતાની વાસના પર કાબૂ નથી રાખતા. બેકાબૂ બનેલી વાસના પોતાના સ્વામીને ખાઈ જાય છે.

એટલા માટે એ પરમ આવશ્યક છે કે ઈન્દ્રિયો આપણા કાબૂમાં રહે. એ પોતાની મનમાની કરીને આપણને ધારે ત્યારે ગમે ત્યાં ઘસડી જઈ ન શકે, પરંતુ જ્યારે આપણ જ આવશ્યક અનુભવીએ, જ્યારે આપણો વિવેક નિર્ણય કરે ત્યારે ઉચિત આંતરિક ભૂખને સંતોષવા એમનો ઉપયોગ કરીએ. આ જ ઈન્દ્રિયનિગ્રહ છે. નિગ્રહિત ઈન્દ્રિયોથી વધારે સારો અને સાચો અને સાચો મનુષ્યનો કોઈ મિત્ર નથી તથા અનિયંત્રિત ઈન્દ્રિયોથી વધારે ખરાબ બીજો કોઈ શત્રુ નથી.

સહયોગ અને સહિષ્ણુતા : (1/2)

December 14, 2008 KANTILAL KARSHALA 1 comment

સહયોગ અને સહિષ્ણુતા :

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો‘ આપણી આજુબાજુવાળાને સહકાર આપવાનો અને એમના પ્રત્યે સહિષ્ણું બનવાનું શિક્ષણ આપે છે.

ગોપ્યા સ્વીયા મનોવૃત્તિર્નાસહિષ્ણુર્નરો ભવેત્ |

સ્થિતિમન્યસ્ય સંવીક્ષ્ય તદનુરુપતાં ચરેત્

અર્થ – “પોતાના મનોભાવોને સંતાડવા ન જોઈએ, આત્મીયતાનો ભાવ રાખવો જોઈએ. માનવીએ અસહિષ્ણુ ન બનવું જોઈએ. બીજાની પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ.”

પોતાના મનોભાવ અને મનોવૃત્તિનોને સંતાડવાં એ જ છળ, કપટ અને પાપ છે. મનમાં હોય એવો જ ભાવ બહાર પ્રગટ કરવો એ પાપ નિવૃત્તિનો સૌથી મોટો રાજમાર્ગ છે. સ્પષ્ટ અને સાચું કહેનારા, મનમાં જેવું હોય એવું મોઢેથી કહી દેનારા કોઈને ગમે તેટલાં ખરાબ લાગે પણ તેઓ ઈશ્વર અને આત્મા આગળ અપરાધી સાબિત થતા નથી.

જેઓ આત્મા પર અસત્યનું આવરણ ચઢાવે છે તેઓ એક રીતે પોતાના જ હત્યારા હોય છે. કોઈ વ્યક્તિ વધુ રહસ્યવાદી હોય, અનેક અપરાધી કૃત્યો કરતી હોય, તે છતા પણ એના કોઈ વિશ્વાસુ મિત્રો ચોકસ હોવા જોઈએ, જેની આગળ એ પોતાના રહસ્યોને વ્યક્ત કરીને મનને હળવું કરી શકે અને એમની સલાહથી પોતાના દોષોનું નિવારણ કરી શકે.

દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર અલગઅલગ હોય છે, એટલે બધાના વિચારો પણ અલગઅલગ હોય છે. આ તથ્યને સમજીને દરેક વ્યક્તિએ બીજા પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર બનવું જોઈએ. પોતાનાથી કોઈ પણ બાબતમાં મતભેદ રાખનારને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ કે વિરોધી માની લેવાનું ઉચિત નથી. મોટા ભાગના કલહોનું મૂળનું આવી અસહિષ્ણુતા જ હોય છે. એકબીજાના દ્રષ્ટિકોણના અંતરને સમજીને યથાસંભવ સમજાવટનો રસ્તો કાઢવો જોઈએ. પછી જે મતભેદ બાકી રહે એને ધીરેધીરે ઉકેલતા રહેવું જોઈએ.

સંસારમાં બધા જ પ્રકારના માણસો છે. મૂર્ખ-વિદ્વાન, રોગી-નીરોગી, પાપી-પુણ્યશાળી, કાયર-વીર, ઉદ્દંડ-નમ્ર, ચોર-પ્રામાણિક, નિંદણીય-આદરણીય, કર્તવ્યપરાયણ-કર્તવ્યવિમુખ, દયાપાત્ર-દંડપાત્ર, શુષ્ક-રસિક, ભોગી-ત્યાગી વગેરે પરસ્પર વિરોધી સ્થિતિઓના મનુષ્યો રહેલા છે. એમની સ્થિતિ જોઈને એ પ્રમાણે એમની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખી એમને સહકાર આપવો જોઈએ. એમની સ્થિતિના આધારે જ એમની સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ.

કપટ અને અસહિષ્ણુતા એ બે બહુ મોટાં પાતકો છે. દગો, વિશ્વાસધાત, કપટ, ઢોંગ, પાખંડ એ માનવતાને કલંકિત કરનારાં સૌથી દુષ્ટ પ્રકારનાં કાયરતાભર્યાં કૃત્યો છે. જેમને આપણે ખરાબ સમજીએ છીએ, એની સાથે લડીએ તો એટલો વાંધો ન હોત, પરંતુ મિત્ર બની, હળીમળી, મીઠીમીઠી વાતો દ્વારા અંધારામાં રાખી એનો અનર્થ કરવો એ હલકી કોટિનું પાપ છે. અનેક લોકો ઉપરથી સારું રાખે છે, મીઠું બોલે છે, હિતેચ્છુ બને છે અને અંદરથી શત્રુનું કામ કરે છે. મિત્રતાનું વચન આપે છે કે અમે તમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરીશું, પરંતુ પાછળથી પોતાના વચનનો ભંગ કરાને વિપરીત કાર્ય કરે છે.

આજકાલ માણસ અત્યંત કાયર થઈ ગયો છે. એની દુષ્ટતા હવે લડાઈના મેદાનમાં દ્રષ્ટિગોચર નથી થતી. પ્રાચીન કાળમાં લોકો જેની સામે દ્રેષ રાખતા કે જેનું અહિત કરવા ઈચ્છતા એમને ચેતવણી આપીને પછી મેદાનમાં લડવા માટે નીકળતા. પરંતુ આજે તો વીરતાનાં દર્શન દુર્લભ થઈ ગયાં છે. મિત્ર બનીને વિશ્વાસ સંપાદન કરીને, કોઈને પોતાની જાળમાં ફસાવીને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એના પ્રાણના પણ ગ્રાહક બની જવું એ આજનો એક વ્યાપક રિવાજ બની ગયો છે. જ્યાં જોઈએ ત્યાં છળ, કપટ, દગો, વિશ્વાસઘાતની બોલબાલા જ દેખાય છે. આ આત્મિક કાયરતા માનવીના પતનની જ નિશાની છે. એનાથી ઉપર ઊઠયા વગર કોઈ વ્યક્તિ ‘સાચો માનવી’ બની ન શકે.

કોઈની અમાનત આંચકી લેવી, ઝેર આપી દેવું, આપેલું વચન તોડવું, બનાવટી વસ્તુને અસલી કહીને આપી દેવી, મિત્ર બનીને શત્રુનું કામ કરવું, આ બધી બાબતો માનવતા પરનું કલંક છે.

આગળ સહયોગ અને સહિષ્ણુતા (2/2) ઉપર

સહયોગ અને સહિષ્ણુતા : (2/2)

સહયોગ અને સહિષ્ણુતા : (2/2)

ગાયત્રીનો દસમો અક્ષર ‘ગો’ આપણી આજુબાજુવાળાને સહકાર આપવાનો અને એમના પ્રત્યે સહિષ્ણું બનવાનું શિક્ષણ આપે છે.

લગ્ન વખતે લોકો દેવતા અને પંચોની સાક્ષીમાં ધર્મપ્રતિજ્ઞા લે છે કે અમે એ સ્ત્રીના જીવનની દરેક જવાબદારી ઉપાડીએ છીએ. જેમ બાળકની બધી જ જવાબદારી માતા પર હોય છે અને માતા પોતાના બાળકને એ રીતે સંભાળે છે, વઢે છે, મારે છે, પરંતુ એના કરતાંય એના હ્રદયમાં અનંત કરુણા, આત્મીયતા, મમતા અને ક્ષમાનો સમુદ્ર લહેરાતો હોય છે. જે માતાના હ્રદયમાં વાત્સલ્ય, ક્ષમા, મમતા અને કરુણાની ભાવના ન હોય અને બાળકો પાસેથે પોતાનો ફાયદો ઉઠાવવાની, બાળકોને ગુલામની જેમ વશમાં રાખવાની વૃત્તિ હોય, એ ‘માતા’ શબ્દને કલંકિત કરે છે. એ જ રીતે જેઓ દેવતાઓ અને મંત્રોની સાક્ષીમાં પોતાની ધર્મપત્નીને માતા-પિતા, ભાઈ-બહેન વગેરે સ્વજનોથી છોડાવીને તેનો સ્નેહ અને જવાબદારી પોતાના માથે લે છે, એમણે જીવનભર લગ્નનીએ પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે સ્ત્રીની નાનકડી ભૂલ હોય તો પણ એને એટલી ભારે શિક્ષા કરવામાં આવે છે કે તે જોઈને ન્યાયનો આત્મા પણ કંપી ઊઠે. પતિ દ્વારા પત્નીની હત્યા કે ત્યાગમાં સામાન્ય રીતે આવો જ કાયરતાભર્યો વિશ્વાસઘાત ભરેલો હોય છે.

વાસના અને ધનનો લોભી મનુષ્ય જ્યારે યોગ્ય માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શક્તો નથી, ત્યારે તે અનેક અનૈતિક કપટભર્યા માર્ગો અપનાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. શાસ્ત્રનો આદેશ છે કે આપણે હંમેશા પોતાનાં ધર્મ, કર્ત્તવ્ય અને જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવીએ. સચ્ચાઈના માર્ગે ચાલવામાં જો કોઈ અગવડો સહેવી પડે તો એને પ્રસન્નતાપૂર્વક સહેવી જોઈએ. આ રીતે જેઓ સત્યના માર્ગે ચાલવામાં આવતી મુશ્કેલીઓનું-આફતોનું સ્વાગત કરવા પણ તૈયાર રહે છે, તેઓ જ ગાયત્રી માતાના સાચા પ્રેમપાત્ર બની શકે છે.

બીજી આવશ્યકતા છે કે આપણે સહિષ્ણું બનીએ. કોઈની નાનકડી ભૂલ પર રાતાંપીળાં થઈ જવું કે કોઈ સાથે જરા પણ મતભેદ થતાં એને કટ્ટર દુશ્મન માની લેવો એ બહુ સંકુચિત વિચાર છે. સંસારમાં કોઈ પણ સંપૂર્ણ રીતે નિર્ધોષ કે નિષ્પાપ નથી. દરેક મનુષ્ય અપૂર્ણ છે એમાં કોઈને કોઈ દોષ કે ક્ષતિ જરૂર હોય છે. નાનકડી નબળાઈના કારણે એને પૂર્ણ ત્યાજય સમજી લેવાનું બરાબ નથી. બીજાની ઈચ્છાઓનો સમુચિત ઉપયોગ કરવો જોઈએ. એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ત્રુટિઓ સુધારવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એના માટે અધીરા ન થવું જોઈએ. સહિષ્ણુતા અને ધૈર્યપૂર્વક કામચલાઉ સહયોગનો માર્ગ શોધી કાઢવો જોઈએ અને જોર જુલમથી નહિ પણ મધુર, સુવ્યવસ્થિત અને ન્યાયોચિત માર્ગથી પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આપણા બધા વિચારો યોગ્ય જ હોય એ જરૂરી નથી. એ આપણા માટે યોગ્ય હોઈ શકે છે, પણ બીજાને એ માનવા માટે આપણે ફરજ પાડી શકીએ નહિ. અનેકદાર્શનિક, ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક મતભેદો એવા હોય છે, જેમાં બંને પક્ષો દિગ્ભ્રાન્ત જોવા મળે છે. એ વખતે આપણે અધિક સહિષ્ણુતાનો પરિચય આપવો પડે છે. કેટલાક વિરોધોને તો અપરાધ જ કહી શકાય, જેના માટે રાજદંડની વ્યવસ્થા છે. ચોરી, હત્યા, લૂંટ, કપટ, દોરાચાર જેવાં અનૈતિક કર્મોનો પ્રબળ વિરોધ થવો જ જોઈએ. એમાં જરાપણ સહિષ્ણુતાની જરૂર નથી. પરંતુ ‘પ્રબળ વિરોધ’ આપણને જ અપરાધી ન બનાવી દે એ ધ્યાન રાખવું જોઈએ. શિક્ષા કરવામાં બધા વિવેક જાળવી શકતા નથી, ખાસ કરીને જે અપરાધનો ભોગ બન્યા હોય તેઓ તો વિવેક ગુમાવી જ બેસતા હોય છે. એટલે શિક્ષા માટે ઉદાર, વિવેકી અને ન્યાયલયો અને ન્યાયાધીશોની સ્થાપના એ જ આધારે કરવામાં આવી છે.

સંસારમાં કોઈ પણ બે વ્યક્તિઓ એકસરખા રંગ-રૂપની હોતી નથી. પ્રભુની રચના જ એવી છે કે દરેક મનુષ્યની આકૃતિમાં કોઈને કોઈ ફેરફાર જોવા મળે છે. જેમ વિભિન્ન આકૃતિવાળા માણસો એકસાથે પ્રેમપૂર્વક રહી શકે છે એમ જ વિભિન્ન મનોભૂમિવાળા લોકોને પણ એક સાથે પ્રેમપૂર્વક સહકારપૂર્વક રહેવામાં કોઈ વાંધો ન જ હોવો જોઈએ. સમાજનાં સુખ, શાંતિ, એકતા, ઉન્નતિ આ જ વાત ઉપર આધાર રાખે છે. અસહિષ્ણું લોકોનો સમાજ હંમેશા કલહ અને સંઘર્ષોને લીધે જર્જરિત થતો રહે છે અને કોઈ પણ રીતે ઉન્નતિ સાધી શક્તો નથી.

માનસિક સંતુલન :

માનસિક સંતુલન :

ગાયત્રીનો નવમો અક્ષર

ભર્‘ આપણને દરેક સ્થિતિમાં માનસિક ભાવોને

સમતોલ રાખવાની શિક્ષા આપે છે.

ભવોદ્રૈગ્નમના નૈવ હ્રદુદ્રેગં પરિત્યજ |

કુરુ સર્વાસ્વવસ્થાસુ શાન્તં સંતુલિતં મન:

અર્થ – “માનસિક ઉત્તેજનાઓને છોડી દો.

બધી જ અવસ્થામાં મનને શાંત અને સમતોલ રાખો

શરીરમાં ગરમી વધી જાય તો એને તાવ કહેવાય છે અને એ તાવ અનેક દોષ્પરિણામોને ઉત્પન્ન કરે છે.તેવી જ રીતે માનસિક તાવ આવવાથી ઉદ્રેગ, આવેગ, ઉત્તેજના કેફ, આતુરતા વગેરે લક્ષણ પ્રકટ થાય છે. આવેશની પ્રબળતા મનુષ્યના જ્ઞાન વિચાર અને વિવેકને નષ્ટ કરી નાંખે છે. એવા સમયે તે જે બાબતો ન વિચારવી જોઈએઅ તે વિચારવા લાગે છે અને જે કાર્ય પહેલાં નિંદિત લાગતાં હતાં તે જ કાર્યો કરવા લાગે છે. આવી સ્થિતિ માનવજીવન માટે હંમેશા અનિચ્છનીય છે.

આપત્તિ આવે અથવા કોઈક પ્રકારની લડાઈ કે ઝઘડો થાય ત્યારે લોકો ચિંતા, શોક, નિરાશા, ગભરાટ, ક્રોધ વગેરેને તાબે થઈને માનસિક શાંતિ ખોઈ બેસે છે. એવી રીતે કોઈ મોટી સફળતા મળી જાય અથવા સંપત્તિ પ્રાપ્ત થાય તોઅ અહંકાર, મદ, મત્સર, વધુ પડતો ઉપભોગ, વધુ પડતો આનંદ વગેરે દોષોમાં ફસાઈ જાય છે. કોઈ પણ પ્રકારની ઉત્તેજના મનુષ્યની આંતરિક સ્થિતિને વિચ્છિન્ન કરી નાખે છે. એના ફળ સ્વરૂપે મનુષ્યને જાતજાતનાં અનિષ્ટ પરિણામો ભોગવવાં પડે છે.

જે લોકોની પ્રકૃતિ આવી ઉત્તેજિત થઈ જાય એવી અથવા તરત જ આવેશમાં આવી જાય એવી હોય છે તેઓ મોટા ભાગે માનસિક નિર્બળતાનો શિકાર બને છે. તેઓ પોતાના મનને એકાગ્ર કરી કોઈ એક કામમાં લગાવી શક્તા નથી અને તેથી કોઈ મોટી સફળતાની પ્રાપ્તિ એમને માટે અશક્ય બની જાય છે. એમના મોટા ભાગના વિચાર ક્ષણિક જ સિદ્ધ થાય છે. આવું માનસિક અસંતુલન મનુષ્યની પ્રગતિમાં વિઘ્નરૂપ બની એને પતન તરફ લઈ જાય છે.

શિષ્ટાચાર અને સહયોગ :

શિષ્ટાચાર અને સહયોગ :

ગાયત્રીનો આઠમો અક્ષર

યં‘ આપણને સહયોગ અને શિષ્ટાચાર શીખવે છે.

યથેચ્છતિ ફનસ્ત્વન્યૈ: સદાન્યેભ્ય્સ્તથાચરેત્ |

નમ્ર: શિષ્ટ: કૃતજ્ઞશ્ચ સત્યસાહાચ્યવાન્ ભવેત્

અર્થ – “મનુષ્ય બીજા સાથે એવો જ વ્યવહાર કરે, જેવો પોતાના માટે બીજા દ્વારા ઈચ્છે છે. તેણે નમ્ર શિષ્ટ, કૃતજ્ઞ અને સચ્ચાઈ તથા સહયોગની ભાવનાવાળા થવું જોઈએ..”

શિષ્ટતા, સભ્યતા, આદર, સન્માન અને સહયોગની ભાવના માનવજીવનની સફળતા માટે જરૂરી બાબતો છે. કોણ એવું નથી ઈચ્છતું કે બીજી વ્યક્તિ તેની સાથે નમ્રતાથી બોલે, સભ્યતાથી વર્તે, જરૂર પડતાં તેને મદદ કરે અને તેનાથી કોઈ ભુલ થઈ જાય તો સહિષ્ણુતાનો પરિચય આપે. જયારે આપણી સાથે બીજા દ્વારા ઉત્તમ વ્યવહાર ઈચ્છીએ છીએ, તો સાથે આપણા માટે પણ જરૂરી બની જાય છે કે બીજાની સાથે તેવો જ વ્યવહાર કરીએ. સંસારમાં દરેક ક્રિયાની પ્રતિક્રિયા થવાનો નિયમ વ્યાપક રૂપથી કામ કરી રહ્યો છે. આપણે બીજાની સાથે જેવો વ્યવહાર કરીશું તેનો પ્રભાવ ફકત તેના પર નહિં, પરંતુ બીજા અનેક માણસો પર પણ પડશે અને તેઓ પણ તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરશે. આ રીતે ભલાઈ તથા બૂરાઈને એક શૃંખલા ચાલે છે અને તેનો તેવો જ પ્રભાવ જનસમાજ પર પડે છે.

પ્રકૃતિનું અનુસરણ :

પ્રકૃતિનું અનુસરણ :

ગાયત્રીનો સાતમો અક્ષર

ણિ‘ કુદરતના સાંનિધ્યમાં રહીને તેપ્રમાણેનું

જીવન ગુજારવા માટે શિક્ષણ આપે છે.

ન્યસ્યન્તિ યે નરા: પાદાન્ પ્રકૃત્યાજ્ઞાનુસારત |

સ્વસ્થા: સન્તસ્તુ તે નૂનં રોગમુક્તા ભવન્તિ હિ ॥

અર્થ – “જે મનુષ્ય કુદરતના નિયમાનુસાર આહારવિહાર રાખે છે તે પોતાનું જીવન બધા જ રોગોથી મુક્ત થઈને સ્વસ્થ રીતે વિતાવે છે..”

સ્વાસ્થ્યને સારું રાખવા અને સુધારવા માટેની જડીબુટ્ટી કુદરતના નિયમાનુસાર ચાલવું, કુદરતી આહારવિહારને અપનાવવાં અને કુદરતી જીવન પસાર કરવું તે છે. અકુદરતી, અસ્વાભાવિક, કૃત્રિમ, આડંબરી અને એશઆરામી જીવન જીવવાથી લોકો બીમાર પડે છે અને નાની વયમાં જ કાળનો કોળિયો બની જાય છે.

મનુષ્ય સિવાય બધાં જીવજંતુ, પશુ, પક્ષી, કુદરતના નિયમોનું પાલન કરે છે. ફળસ્વરૂપે ન તો તેઓને જાતજાતના રોગો લાગુ પડે છે કે નથી તેઓને વૈધ ડોકટરોની જરૂરત પડતી. જે પશુ-પક્ષી મનુષ્યો દ્વારા ઊછરી રહ્યાં છે અને અકુદરતી ખાનપાન અને રહેણીકરણી માટે લાચાર હોય, તેઓ પણ બીમાર પડે છે. તેમને માટે પશુઓનાં દવાખાનાં ખોલવામાં આવ્યાં છે, પરંતુ સ્વતંત્ર રીતે જંગલો અને મેદાનોમાં રહેનારાં પશુ-પક્ષીઓમાં ક્યાંય બીમારી કે નાદુરસ્તીનાં નામ પણ જોવા મળતું નથી. એટલું જ નહિ ક્યારેક કોઈ દુર્ઘટના કે અંદરઅંદરની લડાઈમાં જખમી કે અધમૂવાં થઈ જાય, છતાં પણ તેઓ પોતાની જાતે જ સારાં થઈ જાય છે. કુદરતના નિયમોનું પાલન તંદુરસ્તીનો સૌથી ઉત્તમ નિયમ છે.

ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા

ગાયત્રીનો છઠો અક્ષર

રે‘ ગૃહલક્ષ્મીના રૂપમાં નારીના ગૌરવનો પરિચય આપે છે.

રેવેવ નિર્મલા નારી પૂજનીયા સતાં સદા |

યતો હિ સૈવ લોકેડસ્મિન્ સાક્ષાલ્લક્ષ્મીમ્રર્મતા બુદૈ: ॥

અર્થ – “નારી સદૈહ નર્મદા નદી સમાન નિર્મળ છે.

તે પૂજનીય છે, કેમ કે તેને દુનિયામાં

સાક્ષાત્ લક્ષ્મી માનવામાં આવી છે.”

જેવી રીતે નર્મદાનું પાણી હંમેશા સ્વચ્છ રહે છે તે રીતે ઈશ્વરે નારીને સ્વભાવથી જ સ્વચ્છ અંત:કરણ આપ્યું છે. કદાચ પરિસ્થિતિના દોષોના કારણે કે દુષ્ટ સંગતિના પ્રભાવથી તેનામાં વિકાર પેદા થઈ જાય છે, પરંતુ જો કારણોનું નિવારણ કરી દેવામાં આવે તો નારીહૃદય ફરીથી પોતાની શાશ્વત નિર્મળતાને પ્રાપ્ત કરે છે.

નારી લક્ષ્મીનો અવતાર છે. ભગવાન મનુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. એટલે તે સ્થાનમાં સુખશાંતિ રહે છે. પ્રતિષ્ઠિત તેમજ સંતુષ્ટ નારી અનેક સગવડો અને સુવ્યવસ્થાનું ઘર બની જાય છે. તેની સાથે ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળે છે. ધનદોલત તો નિર્જીવ લક્ષ્મી છે, પરંતુ સ્ત્રી તો લક્ષ્મીની સજીવ પ્રતિમા છે. તેના સંપૂર્ણ આદર, સહયોગ અને સંતોષનું નિરંતર ધ્યાન રાખવું જોઈએ.

સ્ત્રીમાં પુરુષની સરખામણી સહ્રદયતા, દયા, ઉદારતા, સેવા, પરમાર્થ અને પવિત્રતાની ભાવનાઓ વધારે હોય છે. તેનું કાર્યક્ષેત્ર સંકુચિત કરીને તેને ઘર સુધી સીમિત કરી દેવાના કારણે સંસારમાં સ્વાર્થીપણું, નિષ્ઠુરતા, હિંસા, અનીતિ અને વિલાસિતાનાં પૂર આવ્યાં છે. જોએ રાષ્ટ્ર અને સમાજની લગામ નારીઓના હાથમાં હોય તો તેમનો માતૃભાવ પોતાના સૌજન્ય અને સહૃદયતાના કરણે સુખશાંતિની સ્થાપના કરી શકે છે.

નારીનો અનંત ઉપકાર તેમજ અસાધારણ સહયોગ પ્રાપ્ત કરવાના બદલામાં નરની એ પવિત્ર જવાબદારી થઈ જાય છે કે તેને સ્વાવલંબી, સુશિક્ષિત, સ્વસ્થ, પ્રસન્ન અને સંતુષ્ટ રાખવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે. તેની સાથે કઠોર અથવા અપમાનજનક વ્યવહાર કરવો તે ઉચિત નથી.

નારીની મહાનતા

નારીની મહાનતા

ગાયત્રી મહામંત્રનો પાંચમો અક્ષર

‘ નારીજાતિની મહાનતા અને તેના વિકાસની સમજ આપે છે.

વદ નારીં વિના કોડન્યો નિર્માતા મનુ સન્તતે |

મહત્ત્વં રચના શકતે: સ્વસ્યા: નાર્યાહિ જ્ઞાયતામ્ ॥

એટલે કે ‘મનુષ્યનું સર્જન કરનાર નારી જ છે.

નારીએ પોતાની શક્તિનું મહત્વ સમજવું જોઈએ.’

નારીથી જ મનુષ્ય ઉત્પન્ન થાય છે. બાળકની પ્રથમ ગુરુ માતા જ હોય છે. પિતાના વીર્યનું એક બુંદ જ નિમિત્ત માત્ર હોય છે, બાકી બાળકનાં બધાં જ અંગ,ઉપાંગ માતાના લોહીથી બને છે. તે લોહીમાં જેવી સ્વસ્થતા, પ્રતિભા, વિચારધારા અને અનુભૂતિ હશે તે મુજબ બાળકનું શરીર, બુદ્ધિ અને સ્વભાવ બનશે. નારી જો અસ્વસ્થ, અશિક્ષિત, અવિકસિત, પરાધીન, સંકુચિત અને નિર્દયી રહેશે, તો તેના દ્વારા જન્મેલું બાળક પણ એવા જ દોષોથી ભરેલું હશે. હલકી જમીનમાં સારો પાક પાકી શકતો નથી.

જો મનુષ્ય જાતિ ઉન્નતિ ઈચ્છતી હોય તો પ્રથમ નારીને શારીરિક બૌદ્ધિક, સામાજિક, આર્થિક એમ બધી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ અને સુવિકસિત બનાવવી પડશે, તો જ મનુષ્યોમાં સબળતા, સક્ષમતા, સદ્દબુદ્ધિ, સદ્દગુણ અને મહાનતાના સંસ્કારોનો ઉદય થઈ શકશે. નારીને પછાત રાખવી તે આપણા જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે.

માનવસમાજ બે ભાગોમાં વહેંચાયેલો છે. (1). નર (2). નારી. આજકાલ પુરુષની ઉન્નતિ, સુવિધા અને સુરક્ષા માટે પ્રયત્ન થાય છે, પરંતુ નારી બધાં જ ક્ષેત્રોમાં પાછળ છે, જેના કારણે આપણું અડધું રાષ્ટ્ર, અડધો સમાજ, અડધો પરિવાર, અડધુ જીવન પછાત રહી ગયું છે. જે રથનું એક પૈડું મોટું અન્દ બીજું નાનું હોય તે રથ સારી રીતે ચાલી શક્તો નથી. જયાં સુધી નારીને પણ પુરુષના જેટલી જ ક્રિયાશીલતા અને પ્રતિભા પ્રગટ કરવાની તક ન મળે ત્યાં સુધી આપણા દેશ, સમાજ અને જાતિને સાચા અર્થમાં વિકસિત કહી શકાય નહીં.

સંકટમાં ધૈર્ય :

સંકટમાં ધૈર્ય :

ગાયત્રી મહામંત્રનો ચોથો અક્ષર : તુર્ આફતોમાં અને

આપત્તિઓમાં ધૈર્ય ધારણ કરવાનું શીખવે છે.

તુષારાણાં પ્રપાતેડિપ યત્નો ધર્મસ્તુ ચાત્મન: |

મહિમા ચ પ્રતિષ્ઠા ચ પ્રોક્તા પરિશ્રમસ્ય હિ

એટલે કે દુ:ખી દશામાં પણ શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરવો એ આત્માનો ધર્મ છે. પ્રયત્નનું મહત્વ અને પ્રતિષ્ઠા અપાર ગણવામાં આવે છે.

માનવીના જીવનમાં વિપત્તિઓ, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, નુકસાન અને દુ:ખની ઘટનાઓ આવતી જ રહે છે. જેવી રીતે કાળચક્રમાં રાત્રિ અને દિવસ છે તેવી જ રીતે સંપત્તિ અને વિપત્તિ, સુખ અને દુ:ખ પણ જીવનરથનાં બે પૈડાં છે. બંને માટે માનવીએ નિ:સ્પૃહી બની તૈયાર રહેવું જોઈએ. દુ:ખમાં રડવું અને સુખના મદમાં છકી જવું એ બંને અયોગ્ય છે.

આશાના મિનારા તૂટી પડતાં નિરાશા, ચિંતા, ભય, ગભરામણ, ઉત્પન્ન કરનારી પરિસ્થિતિઓમાં પણ માનવીએ તેનું માનસિક સમતોલપણું ટકાવી રાખવું જોઈએ. ધીરજ રાખી સજાગતા, બુદ્ધિ, શાંતિ અને દૂરદર્શિતા સાથે મુશ્કેલીઓ નિવારવા પ્રયત્ન કરવો જોઈએ. જે મુશ્કેલીઓમાં પણ હસતો રહે છે, જે નાટકનાં પાત્રોની જેમ જીવનનો ખેલ ખેલી શકે છે તેને સ્થિર બુદ્ધિનો માની શકાય.

સંજોગવશાત્ ખરાબ દિવસો તો આવે છે, પણ તે અનેક અનુભવો, ગુણો તથા સહનશીલતાનું શિક્ષણ આપી જાય છે. મુશ્કેલીઓ માનવીને દસ ગુરુઓ કરતાં પણ મહાન શિક્ષણ આપી જાય છે. આ મુશ્કેલીઓ વધારે મોટું આપણા વિવેક અને પુરુષાર્થને પડકારવા આવે છે અને જેઓ આ પરીક્ષામાં પાસ થાય છે તેમના ગળામાં કીર્તિ અને પ્રતિષ્ઠાનો હાર પણ પહેરાવતી જાય છે.

એટલા માટે માનવીનું કર્ત્તવ્ય છે કે ભૂતકાળ પ્રત્યે દુર્લક્ષ્ય સેવે, વર્તમાન માટે સજાગ રહે અને ભવિષ્ય માટે નિર્ભય રહે.માનવીએ સારામાં સારાં પરિણામો માટે આશા રાખવી જોઈએ, પણ ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓ ભોગવવા તૈયાર પણ રહેવું જોઈએ. સંપત્તિ અને વિપત્તિ, કોઈ પણ દશામાં માનસિક સમતોલન ગુમાવવું જોઈએ નહિ. વર્તમાનની સરખામણીમાં ઉત્તમ સ્થિતિમાં પહોંચવા સંપૂર્ણ પ્રયત્ન કરવો એ તો આત્માનો ધર્મ છે, પરંતુ મુશ્કેલીઓથી ગભરાઈ જવું એ આત્માના ગૌરવને છાજતું નથી.

માનવીના જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓનું ઘણું મહત્વનું સ્થાન છે. મુશ્કેલીઓના ગર્ભમાં કુદરતના ક્રર વર્જાઘાતોમાં જ પ્રગતિઅનું રહસ્ય છુપાયેલું છે. જો રોજ સરળતા અને અનુકૂળતા જ રહે તો ચેતના ઘટતી જશે અને માનવી ધીમેધીમે આળસુ અને નકામો બનતો જશે. આવી સ્થિતિમાં તેના મનમાં એક પ્રકારની હતાશા ઉદ્દભવશે, જેથી ઉન્નતિ, સંશોધન, મહત્વાકાંક્ષાઓનો માર્ગ રુંધાઈ જશે. જયાં સુધી દુ:ખનો કોઈ અનુભવ નહિ થાય ત્યાં સુધી સુખમાં કોઈ આનંદ મળશે નહિ. રાત્રિ ન હોય અને કાયમ દિવસ જ હોય તો, એ દિવસથી શો આનંદ મળે? જો ખારો, ખાટો, તિખો, કડવો તથા તૂરા સ્વાદ જ ન હોય, હંમેશાં માત્ર ગળ્યું જ ખાવાનું મળે, તો કોઈવાર એ ગળપણ પણ ગમતું નથી. આ રીતે જો દુ:ખ હોય તો જ આપણે સુખની અનુભૂતિ કરી શકીએ. દુ:ખને આપણે અવગણીએ છીએ, પણ ખરી રીતે પ્રગતિનું સાધન તે જ છે.

સંસારમાં જેટલા મહાપુરુષો પેદા થયા છે તેમની મહાનતા, યશ, પ્રતિષ્ઠા વગેરે માત્ર તેમની સહનશક્તિના આધારે જ છે. રાજા હરિશ્ચંદ્ર જો ભંગીને ત્યાં વેચાયા ન હોત તો તેઓ પણ સામાન્ય રાજાની જેમ ખપી ગયા હોત, તેમનું નામ પણ કોઈ ન જાણતું હોત ! દધીચિ, શિબિ,પ્રહલાદ, મોરધ્વજ, સીતા, દમયંતી, દ્રૌપદી, કુંતી વગેરેના જીવનમાં જો મુશ્કેલીઓ ન આવી હોત, તે લોકો જો ભોગ-વિલાસનું જીવન વ્યતીત કરતા હોત, તો તેમની મહાનતાનું કોઈ કારણ જ ન હોત. દુર્ગમ પર્વતો પર ઊગતાં વૃક્ષો જ વિશાળ ઘેરાવાંવાળા અને ઘણાં વર્ષો ટકનારા હોય છે, જે બગીચાને દરરોજ સીંચવામાં આવે છે તે થોડા જ દિવસોમાં જ કરમાઈ જઈ પોતાની જીવનલીલા સમાપ્ત કરી દે છે. જે સમાજ અને રાષ્ટ્ર પરિશ્રમી અને સહનશીલ છે તે જ પ્રગતી કરે છે અને વિજય મેળવે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જે જાતીઓ ભોગવિલાસમાં ડૂબી ગઈ તેમને થોડાક વર્ષોમાં જ ગરીબી અને ગુલામી ભોગવવી પડી છે.

આપણા પૂર્વજો સહનશીલતાના મહાન લાભોથી માહિતગાર હતા, તેથી જ તેમણે વિદ્યાભ્યાસને જીવન વ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપ્યું હતું. કઠોર શિસ્ત અને તપના કાર્યક્રમો અનુસાર તેઓ દુઃખો સામે લડવાની ટેવ પાડતા હતા. યુદ્ધસ્થળમાં લડતાં પહેલાં જવાનોને ઘણા લાંબાગાળા સુધી યુદ્ધકૌશલની તાલીમ મેળવવી જ પડે છે. રાજા, જાગીદારોનાં બાળકો પણ પ્રાચીનકાળથી વિદ્યાભ્યાસ માટે ઋષિઓનાં ગુરુકુળમાં જતાં હતાં અને કઠોર શ્રમજીવી દિનચર્યા અપનાવી ભણતાં હતાં. જેવી રીતે સરોવરને પાર કરવાની તક મળતાં તરવૈયાને ઘણો ઉત્સાહ અને આનંદ થાય છે તેવી જ રીતે કષ્ટમય જીવનથી ટેવાયેલા લોકોને નાનીમોટી મુશ્કેલીઓ અને દુઃખો સામે લડવામાં પોતાના પૌરુષ અને ગૌરવના વિકાસની ઉમદા તક દેખાય છે. આનાથી ઊલટું જે લોકો માત્ર સુખ જ ઈચ્છે છે તેઓ સાવ ન ગણ્ય મુશ્કેલીઓમાં પણ ગભરાટ, ચિંતા, બેચેની તથા દુઃખ અનુભવે છે, જાણે કે તેમના માથા પર કોઈ મોટું વજ્ર ન પડ્યું હોય !

મુશ્કેલીઓ પ્રત્યેક માનવીના જીવનમાં આવે છે. તેમનું આવવું જરૂરી છે અને અનિવાર્ય પણ છે. પ્રારબ્ધ કર્મભોગનો બોજો ઉતારવા માટે જ નહિ, પણ માનવીની મનોભૂમિ અને અંતરાત્માને સુદઢ, તીક્ષ્ણ, પવિત્ર, પ્રગતિશીલ, અનુભવી અને વિકસિત કરવા માટે પણ દુઃખો અને મુશ્કેલીઓની જરૂર છે જ. જેવી રીતે પરમાત્મા માનવી પર દયા કરીને કેટલાય પ્રકારની ભેટ, વરદાન આપ્યા કરે છે તેવી જ રીતે દુઃખ અને મુશ્કેલીઓનું આયોજન પણ કરે છે, જેથી માનવીનું અજ્ઞાન, અભિમાન, આળસ, લોભ તથા અપવિત્રતાનો નાશ થાય.

મુશ્કેલીઓ આવવાથી નિરાશ, સૂનમૂન કે કાયર બની જવું અથવા હાથપગ પછાડવા, મોં ફુલાવવું, રડવાનું શરૂ કરી દેવું, પોતાની જાતને કે બીજાને દોષિત ગણવા તે સાવ અયોગ્ય છે. આ તો ભગવાનની એ મહાન કૃપાનું અપમાન થયું, તેના વરદાનનો તિરસ્કાર થયો. આ રીતે તો એ મુશ્કેલી લાભ આપી શકે નહિ. પણ અવળી અસર કરી નિરાશા, કાયરતા, શોક, ગરીબી વગેરેનું કારણ બની જશે. મુશ્કેલી જોઈ ડરી જવું, પ્રયત્ન છોડી દેવો, ચિંતા કે શોક કરવાં એ કોઈ સાચા માનવી માટે શોભાસ્પદ નથી. મુશ્કેલીઓ એક રીતે આપણા પુરુષાર્થ માટે પરમાત્માનો પડકાર છે, જેનો સ્વીકાર કરી આપણે પ્રભુના પ્રિય બની શકીએ છીએ. અખાડાનો ઉસ્તાદ પહેલવાન નવા શિખાઉ વિદ્યાર્થીને કુસ્તીના દાવ શીખવતાં તેને પટકી દઈ દાવપેચ શિખવાડે છે. વિદ્યાર્થી આ રીતે પટકવાથી દુઃખી થવાને બદલે પોતાની ભૂલ સમજી ફરીથી ઉસ્તાદ સાથે લડે છે અને ધીમે ધીમે તે પાકો પહેલવાન બની જાય છે. ઈશ્વરે એક આવો જ ઉસ્તાદ છે, જે મુશ્કેલીઓની લપડાક મારી મારીને આપણી અનેક ભૂલો સુધારી આપણને પૂર્ણતા સુધી પહોંચાડવાની મોટી કૃપા કરે છે.

મુશ્કેલીઓથી ગભરાવવાની કે ડરવાની કોઈ જરૂર નથી. તે તો આ સૃષ્ટિની ખૂબ જ જરૂરી, ઉપયોગી અને અનિવાર્ય ઘટના છે. આનાથી દુઃખી થવાની જરૂર નથી, વ્યાકુળ થવાની પણ જરૂરે નથી અને કોઈના પર દોષારોપણ કરવાની પણ જરૂર નથી. પ્રત્યેક મુશ્કેલીનો પ્રસંગ ટળી ગયા બાદ પરિસ્થિતિઓ સામે ઝઝુમવાનો અને પ્રતિકુળતા હઠાવી અનુકૂળતા ઉત્પન્ન કરવાનો ઉમંગભર્યો પ્રયત્ન નવા સાહસ સાથે ચોક્કસ કરવો જોઈએ. આ પ્રયત્ન આત્માનો ધર્મ છે. એ ચુક્યા એટલે આપણે અધર્મી બન્યા. પ્રયત્નનો મહિમા અપાર છે, મુશ્કેલીઓ દ્વારા જે દુઃખ પડે છે તેની સરખામણીમાં એ ખાસ સમયમાં ચોક્કસ પ્રકારનો પ્રયત્ન કરવાની જે તક મળે છે તેનું મહત્વ વધારે છે. પ્રયત્નશીલતા આત્માની ઉન્નતિનું મુખ્ય સાધન છે અને મુશ્કેલીઓ આ પ્રયત્નશીલતાને ઝડપી ગતિએ વધારી આપે છે.

પ્રયત્ન, પરિશ્રમ અને કર્તવ્યપાલનથી માનવીના ગૌરવ અને વૈભવનો વિકાસ કરે છે. જેઓ આનંદમય જીવનનો રસ ચાખવા માગતા હોય તેમણે મુશ્કેલીઓ સામે નિર્ભય બનીને પોતાના કર્ત્તવ્યપથ પર દ્રઢ બની પ્રયાસ કરવો જોઈએ અને હસતે મોંએ પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ.

ધનનો સદુપયોગ

ધનનો સદુપયોગ

ગાયત્રી મંત્રનો ત્રીજો અક્ષર : વિ આપણને ધનનો સદુપયોગ

કેવી રીતે કરવો તેનો ઉપદેશ આપે છે.

વિત્તશક્ત્યા તુ કર્તવ્યા ઉચિતાભાવપૂર્તય : |

ન તુ શક્યા તયા કાર્ય દર્પોદ્રિત્યપ્રદર્શનમ્

અર્થ ધન ઉચિત અભાવોની પૂર્તિ કરવા માટે છે,

તેના વડે અહંકાર તથા અયોગ્ય કાર્યો થવાં જોઈએ નહિ.

ધન ઉપાર્જન કરવા પાછળ એક જ દ્રષ્ટિ હોવી જોઈએ કે તેનાથી આપણા અને અન્ય લોકોના અભાવોની પૂર્તિ થાય. શરીર, મન બુદ્ધિ તથા આત્માના વિકાસ માટે તથા સાંસારિક જવાબદારીઓની પૂર્તિ માટે ધનનો ઉપયોગ થવો જોઈએ અને તે હેતુ માટે જ કમાવુ જોઈએ.

જેમાં માનવીનો સંપૂર્ણ શારીરિક તથા માનસિક શ્રમ જોડાયો હોય, જેમાં કોઈ બીજાના હકનું પડાવી લેવામાં આવ્યું ન હોય, જે મેળવવામાં ચોરી, છળકપટ, અન્યાય, શોષણ વગેરેનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય, તે જ ધન કમાવાનો યોગ્ય માર્ગ છે. જે ધન મેળવવામાં આપણું સન્માન હણાતું ન હોય અને રાષ્ટ્રનું અહિત ન થતું હોયા તેવી કમાણી દ્વારા મેળવેલું ધન ફૂલે-ફાલે છે અને માનવીની સાચી ઉન્નતિ સાધે છે.

જેવી રીતે ધન કમાવામાં તેના ઔચિત્યનું ધ્યાન રાખવાની જરૂર છે, તેટલી જ જરૂર ધન વાપરવામાં અને તેનો ઉપયોગ કરવામાં છે. ધન ખર્ચવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. પોતાના અને પોતાના કુટુંબીજનોના આવશ્યક વિકાસ કરવા માટે જ ધનનો ઉપયોગ કરવો તે જ કર્ત્તવ્ય છે. મોટાઈ અને અમીરી બતાવવા તથા દુર્વ્યસનોની પૂર્તિ માટે ધનનો વ્યય કરવો તે મનુષ્યની અવનતિ, અપ્રતિષ્ઠા તથા દુર્દશાનું કારણ બને છે.

પોતાની જરૂરી શારીરિક, માનસિક, આત્મિક તથા સાંસારિક જરૂરિયાતોની ઉપેક્ષા કરીને જે લોકો વધુને વધુ ધન ભેગું કરવાની તૃષ્ણામાં ડૂબેલા રહે છે તથા પોતાની સાત પેઢી માટે અમીરી મૂકી જવાનું વિચારે છે તેઓ ભયંકર ભૂલ કરે છે. હરામનું ધન મળતાં ભાવિ સંતાનો આળસું, વ્યસની, અપવ્યયી તથા દુર્ગુની પાકે છે. પરસેવો પાડીને જેઓ પૈસા કમાયા નથી, તેઓ પૈસાનું મૂલ્ય પણ સમજતા નથી. બાળકોને માટે ધન ભેગું કરીને મૂકી જવાને બદલે બાળકોને સુશિક્ષિત, સ્વસ્થ તથા સ્વાવલંબી બનાવવામાં ખર્ચ કરવો વધારે યોગ્ય છે..

શક્તિનો સદુપયોગ

શક્તિનો સદુપયોગ

ગાયત્રી મંત્રનો બીજો અક્ષર :

શક્તિની પ્રાપ્તિ અને તેના સદુપયોગ બોધ આપે છે.

સત્તાવન્તસ્તથા શૂરા: ક્ષત્રિયા લોકરક્ષકા: |

અન્યાયાશક્તિસંબૂતા ધ્વંસયેયુર્હિ ત્વાષદ

 

અર્થ – સત્તાધારી, શૂરવીર તથા સંસારના રક્ષક

ક્ષત્રિયો અન્યાય અને અશક્તિથી ઉત્પન્ન થનારી

આપત્તિઓનો નાશ કરે.

 

ક્ષત્રિયત્વ એક ગુણ છે. એ કોઈ વંશવિશેષમાં ઓછોવત્તો ભલે હોય, પરંતુ કોઈ એક વંશ કે જાતિ સુધી જ સીમિત હોઈ શકે નહીં. ક્ષત્રિયત્વનાં મૂખ્ય લક્ષણો છે-શૂરતા, ધૈર્ય, સાહસ, નિર્ભયતા, પુરુષાર્થ, દ્રઢતા, પ્રરાક્રમ વગેરે. આ ગુણ જેનામાં જેટલો ઓછો કે વધુ હોય એટલા જ અંશમાં તે ક્ષત્રિય છે.

શારીતિક પ્રતિભા, તેજ, સામર્થ્ય, શૌર્ય, પુરુષાર્થ અને સત્તાનું ક્ષાત્રબળ જેમની પાસે છે, એમનું પવિત્ર કર્તવ્ય છે કે તેઓ પોતાની શક્તિ દ્વારા નિર્બળોની રક્ષા કરે, તેમને ઉપર ઉઠાવે તથા અન્યાય, અત્યાચાર કરનારા દુષ્ટ પ્રકૃતિના લોકો સાથે સંઘર્ષ કરવામાં પોતાના પ્રાણનો પણ મોહ ન રાખે.

શક્તિ અને સત્તા ઈશ્વરકૃપાથી પ્રાપ્ત થનાર એક વારસો છે, જે મનુષ્યને એટલા માટે આપવામાં આવે છે કે એ તેના દ્વારા નિર્બળોની સહાયતા કરવાને બદલે એમનું શોષણ, દમન, ત્રાસ તથા પીડા કરે છે એ ક્ષત્રિય નહીં, અસુર છે. સામર્થ્યનો આસુરી ઉપયોગ કરવો એ મહાશક્તિનું સીધું અપમાન છે અને આ અપમાનનું ફળ એવું જ ભયંકર હોય છે કે જેવું મહાકાળી સાથે લડનારા મહિષાસુર આદિને મળ્યું હતું. વર્તમાનયુગમાં આ શક્તિનો દુરુપયોગ વધી ગયો છે, જેના ફલસ્વરૂપે છેલ્લાં વર્ષોમાં અનેક સત્તાધારીઓનું પતન થઈ ચૂકયું છે.

બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ

બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ

ગાયત્રી મંત્રનો પહેલો અક્ષર :તત્

બ્રહ્મજ્ઞાનને પ્રાપ્તિ અને તેના પ્રચારનું શિક્ષણ આપે છે.

તત્ત્વજ્ઞાસ્તુ વિદ્વાન્સો બ્રાહ્મણા:સ્વતપોબલૈ:|

અન્ધકારમપાકુર્યુ: લોકાદજ્ઞાન સંભવમ્

એટલે – તત્વદર્શી, વિદ્વાન બ્રાહ્મણ પોતાના તપ દ્વારા

સંસારના અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરે.

અંધકારમાં અનેક પ્રકારના ભય, ત્રાસ અને વિઘ્ન છુપાયેલાં રહે છે. દુષ્ટ તત્વોને અંધકારમાં તક મળે છે. આ વિધાને અંધકાર કહેવામાં આવે છે. આ વિધાનો અર્થ અક્ષરજ્ઞાનની જાણકારીનો અભાવ એવો નથી, પરંતુ જીવનની લક્ષ્યભ્રષ્ટતા છે. એને નાસ્તિક, અનીતિ, માયા, ભ્રાન્તિ, પશુતા વગેરે નામો અપાયાં છે. આ બૌદ્ધિક અંધકારમાં, આધ્યાત્મિક રાત્રિમાં વિહાર કરનારો જીવ ભ્રમિત – પતિત થઈને ઈશ્વરે નિર્ધારિત કરેલા ધર્મ, નીતિ, લક્ષ્ય, આચરણ અને કર્તવ્યથી વિમુખ થઈને એવાં કામો કરે છે, જે એના માટે વિવિધ પ્રકારનાં દુ:ખો ઉત્પન્ન કરે છે.

ઉપર્યુક્ત શ્ર્લોકમાં ‘જ્ઞાની બ્રાહ્મણ’ ને એવો આદેશ આપવામાં આવ્યો છે, કે તે તપશ્ચર્યા દ્વારા સંસારનાં સમસ્ત દુ:ખોનાં મૂળ કારણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. અહીં ‘બ્રાહ્મણ’ શબ્દ કોઈ વર્ગ વિશેષ માટે પયોજાયો નથી. આત્માનો સૌથી પ્રધાન ગુણ બ્રહ્મનિષ્ઠા અને આધ્યાત્મિકતા છે. આ ગુણ જેનામાં જેટલા પ્રમાણમાં વધારે – ઓછા છે, તે એટલી જ ઓછી-વત્તી માત્રામાં બ્રાહ્મણ છે. જેના આત્મામાં જેટલું બ્રાહ્મણત્વ છે, તે તેટલો જ તપસ્વી, દૂરદર્શી અને તત્વજ્ઞાની હોય છે. આ બ્રાહ્મણત્વને ગાયત્રીએ સર્વ પ્રથમ પડકાર ફેંકયો છે, આહ્વાન આપ્યું છે કે પોતાના અને બીજાઓના કલ્યાણને માટે બ્રહ્મજ્ઞાનનો પ્રકાશ ફેલાવી વ્યાપક અંધકારને દૂર કરવો એ તારું પરમ પવિત્ર કર્ત્તવ્ય છે.

દીપક પોતે બળે છે ત્યારે તેનો પ્રકાશ ચારેય બાજુ ફેલાય છે અને એનાથી ઘણે દૂર સુધીનો અંધકાર નાશ પામે છે. તપ, દૂરદર્શિતા અને તત્વજ્ઞાનનો દ્રષ્ટિકોણ અપનાવવાથી જે અંતર્જ્યોતિ ઉત્પન્ન થાય છે, તેનાથી જનતાના અંત:કરણોમાં સત્યનો પ્રકાશ પ્રજ્વલિત થાય છે. લોકકલ્યાણ અને આત્મોદ્ધારનો આનાથી સારો બીજો કોઈ માર્ગ હોઈ શકે નહિ. બ્રહ્મજ્ઞાન જ સંસારનું સૌથી મોટું દાન છે.

ઈશ્વરનું વિરાટ રૂપ

ઈશ્વરનું વિરાટ રૂપ

ગાયત્રી મંત્રમાં પ્રયુક્ત ‘ૐ ભૂર્ભુવ:સ્વ

ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે.

ભૂર્ભુવ: સ્વસ્ત્રયો લોકા વ્યાપ્તમોમ્બ્રહ્મ તેષુ હિ |

સ એવ તથ્યતો જ્ઞાની યસ્તદ્દવેત્તિ વિચક્ષણ: ॥

અર્થાત્ – ભૂ: ભુવ: સ્વ: આ ત્રણ લોક છે.

એમાં ‘ઓઉમ્’ બ્રહ્મ વ્યાપ્ત છે.

જે આ જાણે છે, વાસ્તવમાં તે જ જ્ઞાની છે.

ભૂ: (પૃથ્વી) ભુવ: (પાતાળ) સ્વ: (સ્વર્ગ) આ ત્રણેય લોક પરમાત્માથી પરિપૂર્ણ છે. આ રીતે ભૂ: (શરીર) ભુવ: (સંસાર) સ્વ: (આત્મા) આ ત્રણેય પરમાત્માનાં ક્રીડાસ્થળ છે. આ બધા સ્થળોને, નિખિલ વિશ્વ બ્રહ્માંડને, ભગવાનનું વિરાટ રૂપ સમજીને, એ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાને પોતાનું વિરાટ રૂપ દર્શાવી અર્જુનને પ્રાપ્ત કરાવી હતી.

પ્રત્યેક જડ, ચેતન પદાર્થમાં, પ્રત્યેક પરમાણુંમાં, ભૂ: ભુવ: સ્વ: માં, સર્વત્ર ‘ઓઉમ્’ બ્રહ્મને વ્યાપેલો જોવો, પ્રત્યેક વસ્તુમાં વિશ્વવ્યાપી પરમાત્માનું દર્શન કરવું એ એક એવી આત્મિક વિચાર પદ્ધતિ છે, જેના દ્વારા વિશ્વસેવાની ભાવના ઉત્પન્ન થાય છે. આ ભાવનાને કારણે સંસારના પ્રત્યેક પદાર્થ તેમજ જીવની બાબતમાં એક એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, જેને કારણે અનુચિત સ્વાર્થ સાધવાનો નહિ, પરંતુ સેવાનો જ કાર્યક્રમ બને છે. એવી વ્યક્તિ પ્રભુની આ સુરમ્ય વાટિકાના કોઈ પણ સાથે અનુચિત અથવા અન્યાયી વ્યવહાર કરી શકતી નથી.

કર્તવ્યશીલ પોલીસ, ન્યાયાધીશ અથવા રાજાને સામે ઊભેલો જોઈ કોઈ પાકો ચોર પણ ચોરી કરવાનું કે કાયદો તોડવાનું સાહસ કરી શકતો નથી. આ રીતે જે વ્યક્તિના મનમાં એ ભાવના દ્રઢતાપૂર્વક સમાયેલી હોય કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને હજાર આંખોથી એનાં દરેક વિચાર અને કાર્યને જોઈ રહ્યા છે તો તે ગુપ્ત કે પ્રકટ રૂપે કોઈ પાપ કરવાની હિંમત કરી શક્તો નથી.

ગાયત્રી જ કામઘેનું છે.

ગાયત્રી કામઘેનું છે.

પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગલોકમાં દેવતાઓની પાસે એક કામધેનું નામની ગાય છે, જે અમૃત સમાન દૂધ આપે છે. તે પીને દેવતાઓ હંમેશા સંતુષ્ટ અને સુસંપન્ન રહે છે. આ ગાયમાં એક એવી વિશેષતા છે કે તેની પાસે કોઈ પોતાની કામનાઓ લઈને જાય તો તેની ઈચ્છાઓ તરત જ પૂરી થઈ જાય છે. આ કામધેનું ગાય વાસ્તવમાં ગાયત્રી જ છે. આ મહાશક્તિની જે દેવતાઓ, દિવ્ય સ્વભાવવાળા મનુષ્યો ઉપાસના કરે છે, તેઓ માતાના સ્તનપાન સમાન આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે. આનંદમગ્ન રહેવું એ તેનો મુખ્ય ગુણ છે. દુ:ખો દૂર થતાં જ તે પોતાના મૂળ સ્વભાવમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં કાયમ આનંદિત રહે છે. એવી જ રીતે મનુષ્યનાં કષ્ટોનું નિવારણ થઈ જાય, તો તે પણ આ ધરતી પર સદા આનંદિત રહી શકે છે. કામધેનુ ગાયત્રી મનુષ્યનાં તમામ કષ્ટોનું સમાધાન કરી દે છે.

ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શક્તિઓનો ઉદ્દભવ

ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી શક્તિઓનો ઉદ્દભવ

ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષરો છે. તેનો સંબંધ શરીરમાં આવેલી એવી ચોવીસ ગ્રંથીઓ સાથે છે, જે જાગૃત થવાથી સદ્દબુદ્ધિ પ્રકાશક શક્તિઓને સતેજ કરે છે.

ગાયત્રી મંત્ર :

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ || ના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરરૂપી સિતાર ચોવીસ સ્થાનોએથી ઝણકાર કરે છે અને એમાંથી એવી સ્વરલહેરીઓ પેદા થાય છે, જેમનો પ્રભાવ અદ્રશ્ય જગતનાં મહત્વપૂર્ણ તત્વો પર પડે છે. આ પ્રભાવ જ ગાયત્રીસાધનાના ફળનો મુખ્ય હેતુ છે.

શબ્દોનો ધ્વનિપ્રવાહ કોઈ સામાન્ય વસ્તુ નથી. શબ્દવિધાના આચાર્યો જાણે છે કે શબ્દમાં કેટલી શક્તિ છે અને તેની અજ્ઞાત ગતિવિધિઓ દ્વારા કયાં કયાં પરિણામો પેદા થઈ શકે છે. શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મની સ્ફૂરણા કંપનો પેદા કરે છે. શબ્દોનાં કંપનો સૂક્ષ્મ પ્રકૃતિ પાસેથી પોતાની જાતિના અન્ય પરમાણુઓને લઈને ઈથરનું પરિભ્રમણ કરીને જ્યારે પોતાના ઉદ્દગમકેન્દ્ર પર થોડીક જ વારમાં પરત આવે છે ત્યારે તેમાં પોતાની જાતની એક ખાસ વિધુતશક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ અનુસાર ઉપયુકત ક્ષેત્ર પર તે શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્યો થવા પાછળનું કારણ પણ આ જ છે. ગાયત્રી મંત્ર દ્વારા પણ આવા પ્રકારની શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્રોચ્ચારણથી મુખનાં જે અંગો ક્રિયાશીલ થાય છે, તે ભાગના નાડીતંતુઓ કેટલીક ચોક્કસ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. તેમાં સ્ફૂરણા થવાથી એક વૈદિક છંદનો ક્રમબદ્ધ યૌગિક સંગિત-પ્રવાહ ઈથરતત્વમાં ફેલાઇ જાય છે અને પોતાની થોડીક જ ક્ષણોમાં થતી વિશ્વપરિક્રમામાંથી પાછા આવતાં આવતાં એક સ્વજાતીય તત્વોની સેના સાથે લઈને આવે છે, જે ઈચ્છિત ઉદ્દશ્યની પૂર્તિમાં ખૂબ સહાયક નીવડે છે.