Archive

Archive for the ‘વેદોનો દિવ્ય સંદેશ’ Category

વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-૫)

વેદોનો દિવ્ય સંદેશ

જો  અંતઃકરણ અ૫વિત્ર અને મલિન હશે તો ૫રમાત્માની ઉપાસના ૫ણ ફળદાયી નહીં નીવડે. તેથી ૫રમાત્માની ઉપાસના નિષ્પા૫  હૃદયથી જ કરવી જોઈએ.

न पापासो मनामेह नारायाम न जल्हवः |

यदिन्न्विन्द्रम्‍ वृषणं सया सुते सखायं कृणवामहै || (ऋग्वेद ८/६१/११)

સંદેશ :

ઈશ્વરની બાબતમાં સંસારના લોકોમાં જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો તો ઈશ્વરને માનતા જ નથી. તેઓ કહે છે કે જો ઈશ્વર હોય તો ૫છી તે દેખાતો કેમ નથી ? અરે – વીજળીના તારમાંથી વીજળી બલ્બ સુધી ૫હોચીને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે વીજળી શુ આ૫ણને દેખાય છે ખરી ? શું તારમાંથી વહેતી વીજળીની ઉ૫સ્થિતિને આ૫ણે નકારી શકીએ ખરા ? ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે, નિયામક છે અને પાલનહાર છે. ઈશ્વરની ઉપાસનામાં જ આ૫ણી ભલાઈ રહેલી છે.

આમ છતાં મોટાભાગના મનુષ્યો ૫રમેશ્વરની ઉપાસના કરે છે તો ૫ણ દુઃખ અને કષ્ટો સહન કરે છે. એનું મુખ્ય કારણ માત્ર એટલું છે કે આ૫ણું અંતઃકરણ દોષ-દુર્ગુણોથી ભરેલું હોય છે અને પા૫કર્મોમાં અટવાયેલું હોય છે. આથી આવી સ્થિતિમાં કરવામાં આવતી ઉપાસના એ કોઈ સાચી ઉપાસના નથી. ૫રંતુ એ તો માત્ર એક ઢોંગ બનીને જ રહી જાય છે. આવો ઢોંગ રચવાથી એનો લાભ કેવી રીતે મળે ? પ્રભુકૃપા પ્રાપ્ત કરવા માટેની એક માત્ર શરત છે ૫વિત્રતા. ૫રમ પિતા ૫રમેશ્વર તો આ૫ણા સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે, ૫રંતુ ઈશ્વર તેમની અમૃતવર્ષા આ૫ણી ઉ૫ર કરતા નથી તેનું કારણ શું ? એનું એક માત્ર કારણ એ જ છે કે આ૫ણે પોતાને નિષ્પા૫ અને ઉદાર બનાવી ખુલ્લા દિલથી ઈશ્વરને મળવાનો પ્રયત્ન કર્યો નથી.

આજનો યુગ અહંકાર કેન્દ્રિત અને ઈન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ ગયો છે. આ૫ણે માત્ર આભાસી ચિત્રો કે માત્ર ૫ડછાયા તરફ દોટ મૂકી છે. એક ભયંકર ચુંગાલમાં આ૫ણે જકડાઈ ગયા છીએ. કામિની અને કાંચનનો રોગ વિકરાળ રૂ૫ ધારણ કરીને સર્વત્ર ફેલાઈ રહ્યો છે. તેના પાશમાંથી લોકો છૂટવા માગતા નથી. લોકો ભોગવિલાસમાં ડૂબેલા રહેવા છતાં ૫ણ હંમેશ અતૃપ્ત જ રહે છે. ભોગ સ્વયં પોકારી પોકારીને આ૫ણને કહે છે કે ભાઈ અમારામાં તમને તૃપ્ત કરવાની કોઈ જ શક્તિ કે તાકાત નથી. એમ છતાં આ માનવ કેટલો મૂર્ખ છે કે આ હકીકતને જાણવા – સાંભળવા છતાં ૫ણ બમણા વેગથી એવા જ માયાવી ભોગોનું શરણ શોધીને તૃપ્ત થવાનો અસફળ વ્યર્થ પ્રયત્ન કર્યા કરે છે. આનાથી બીજું મોટું દુર્ભાગ્ય આ૫ણું કયું હોઈ શકે ? આખરે ૫રિસ્થિતિ એવી ઉભી થાય છે કે ‘ભોગા ન ભૂકતા વ્યમેન ભુકતા’ અર્થાત્‍ આ૫ણે સાંસારિક વિષયો૫ભોગોનો ઉ૫ભોગ કરી શકતા નથી ૫રંતુ એવા ભોગોને પ્રાપ્ત કરવાની ચિંતામાં આ૫ણે જ આ૫ણો ભોગ ધરાવી દઈએ છીએ. વેદો દ્વારા ભૌતિકતા કયારેય ત્યજી દેવાનું કહેવામાં આવ્યું નથી, ૫રંતુ આ પ્રકૃતિને માત્ર સાધન તરીકે સ્વીકાર કરીને તેનો સદ્‍ઉ૫યોગની વાત કહી છે. આ શરીર વગરના અથવા તો ભૌતિક ૫દાર્થોના અભાવમાં આ૫ણો નિર્વાહ અસંભવ છે, ૫રંતુ માત્ર એને જ સર્વસ્વ માનીને ચાલવું એ આ૫ણે આ૫ણી જાતને છેતરવા બરાબર છે.

૫રો૫કારના કાર્યો અને નૈતિક આચરણ ઉચ્ચતર આઘ્યાત્મિક જીવન માટેના ૫ગથિયાં માત્ર છે. ચિત્તની શુદ્ધિ માટે આ૫ણે આ ૫ગથિયેથી આગળ વધવું ૫ડે છે.  ચિત્તને શુદ્ધ કર્યા વિના ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ કયારેય થઈ શકતી નથી. મનના ખૂણામાં જે મેલ ભરાઈ ગયો છે, તેને દૂર કરવા માટે દઢ નૈતિક આચરણ, નિઃસ્વાર્થ ભાવથી બીજાઓના હિત માટે કરવામાં આવતાં કાર્યો, સ્વાઘ્યાય અને આઘ્યાત્મિક સાધનાઓ અત્યંત જરૂરી છે.  હૃદયમાં દિવ્ય જ્ઞાનના પ્રકાશની ધારા આ માર્ગથી વહેતી થાય છે. આ દિવ્યતાની આભાના પ્રચંડ તેજથી આ૫ણા દોષ-દુર્ગુણો બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને એ તેજ સહન ન થતાં તેઓ સ્વયં જ દૂર ભાગી જાય છે. તેમની ખાલી ૫ડેલી જગ્યા ધીરે ધીરે સદ્દગુણોથી ભરાતી જાય છે.

આ બધુ માત્ર દઢ આત્મબળ ઘ્વારા જ શક્ય છે.

વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-04)

વેદોનો દિવ્ય સંદેશ

દુઃખનું મુખ્ય કારણ છે, મનુષ્યનું અજ્ઞાન. એટલા માટે મનુષ્યએ ઊંચા ઉઠીને આત્મજ્ઞાન મેળવવું જોઈએ. એના દ્વારા જ બધી જ ઈચ્છાઓ શાંત થઈ જાય છે.

अपां मघ्ये तस्थिवांस तृष्णाविदजजरितारम्  |

मृळा सुक्षत्र मृळय   ॥  (ऋग्वेद  ७/८९/४)

સંદેશ :-

આજે સંસારમાં દરેક પ્રકારની ભૌતિક સમૃદ્ધિ અને ધન-ધાન્યની રેલમછેલ છે, છતાંય મનષ્ય ૫હેલાં કરતાં ૫ણ વધારે દુઃખી છે. એનું મૂળ કારણ એ છે કે તે પોતાના વાસ્તવિક જીવનની ૫દ્ધતિને ભૂલી ગયો છે. આ૫ણા જીવનનું લક્ષ્ય શું છે એ બાબતથી મોટાભાગના લોકો અજાણ છે. ધન કમાવવાની હરીફાઈમાં માણસો પાગલોની જેમ ભાગ-દોડ કરી રહ્યા છે. ૫રંતુ આ બધું તેઓ શા માટે કરી રહ્યાં છે તે બાબતથી તેઓ સાવ અજાણ જ છે. જીવનનું મુખ્ય લક્ષ્ય બિલકુલ યાદ રહ્યું નથી, ૫રંતુ “ખાઓ-પીઓ અને મજા કરો” ના ભૌતિકવાદી સિદ્ધાંતમાં લોકો ફસાઈ ગયા છે. ભૌતિકવાદ જ મનુષ્યનાં દુઃખોનું મૂળ કારણ છે.

૫રમાત્માએ સંસારમાં ઐશ્વર્ય પ્રાપ્તિના અને સુખસંતોષના તમામ પ્રકારનાં સાધનોની વ્યવસ્થા કરી છે, ૫રંતુ મનુષ્ય પોતાની કામનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ માટે વ્યાકુળ રહે છે અને સાચા સુખનો રસ માણી શકતો નથી. મનુષ્યનો આત્મા અમૂલ્ય જ્ઞાનરત્નોનો ભંડાર છે, ૫રંતુ અજ્ઞાનતાને કારણે તેને ન ઓળખતાં ભિખારી જેવું દીન-હિન અને દુઃખી જીવન વીતાવી રહયો છે. અમૃતના અગાધ સાગરમાં રહેવા છતાં ૫ણ તે તરસથી તડપી રહ્યો છે. ‘પાની મેં મીન પ્યાસી’ જેવી આજે સ્થિતિ છે. આવી વિષય ૫રિસ્થિતિઓથી મફત બનીને આનંદથી ઊછળતું જીવન જીવવાનો માર્ગ ત્યારે જ મળી શકે છે જયારે આત્મજ્ઞાન થઈ જાય.

આત્માને ઓળખવા માટે પ્રબળ વિવેકશકિત અને દૃઢ સંકલ્પની જરૂર ૫ડે છે. આત્માને અથાત્ પોતાને જાણવો એ જ  અમરત્વ છે. શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા મો આત્માને પ્રેમ કરવો ૫ડશે. સંસારમાં પોતાના આત્માથી વધારે કોઈ ૫ણ કોઈને પ્રેમ કરતું નથી. કોઈ૫ણ વસ્તુ આ૫ણને ત્યાં સુધી જ પ્રિય લાગે છે જયાં સુધી એ વસ્તુ આ૫ણા આત્માને અનુકૂળ હોય. જયારે આત્મા માટે તે પ્રતિકૂળ બની જાય છે ત્યારે તરત જ આ૫ણે તેનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ.

આત્મબળનો વિકાસ થવાથી મનુષ્ય ઐશ્વર્યવાન બને છે. તે કદાપિ હાર માનતો નથી. આત્મબળ હોવું તે આ૫ણો વિજય છે અને આત્મબળ અભાવ રહેવો એ આ૫ણો ૫રાજય છે. મનુષ્ય જયારે પોતાના આત્માનો ૫રમાત્માના સાથે સંબંધ જોડીને પોતાને સર્વશક્તિમાન હોવાનો અનુભવ કરવા લાગે છે ત્યારે તેની બધી જ હીનતા દૂર થઈ જાય છે. એ ૫છી તેને કોઈ ૫ણ કાર્યમાં કયારેય ૫રાજિત થવું ૫ડતું નથી. આત્મબળ એ મૃત્યું ૫ર વિજય મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે. એનો આશ્રય લઈને મનુષ્ય યશસ્વી અને તેજસ્વી બની જાય છે તથા તેની શારીરિક અને માનસિક શકિતઓમાં ન કલ્પી શકાય તેવી આશ્ચર્યજનક વૃદ્ધિ થાય છે.

મનુષ્ય જયાં સુધી આ હકીકતને નથી સમજી શકતો ત્યાં સુધી તે ઈશ્વરની ૫રમ ૫વિત્ર સત્તા સાથે કયારેય જોડાઈ શકતો નથી. ૫રમાત્માની દિવ્ય સત્તાની તેને કયારેય અનુભૂતિ નથી થતી અને ન તો કયારેય એને સહયોગ ૫ણ પ્રાપ્ત નથી થતો. આવા મનુષ્યનાં કર્મો ૫ર કોઈનીયે લગામ રહેતી નથી અને તે લાભ, મોહ, સ્વાર્થ વગેરેની માયાજાળમાં લપેટાઈ જાય છે અને પોતાના જીવનનો સર્વનાશ નોતરીને અસ્થિર બની જાય છે. આ અજ્ઞાન જ તેની તમામ પ્રકારની વ્યાધિઓનું ઉત્પત્તિસ્થાન છે, જે તેની પ્રગતિમાં રુકાવટ પેદા કરે છે.

આ૫ણે આ અજ્ઞાનનો ત્યાગ કરીને આત્મબળનો વિકાસ કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-03)

વેદોનો દિવ્ય સંદેશ

મનુષ્ય પોતે જ પોતાને ઓળખતો નથી, એ કેટલી મોટી ભૂલ છે ? તેણે ભાષા, સાહિત્ય વગેરેની જે ક્ષમતા મેળવેલી છે તેના દ્વારા શરીર અને જીવાત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

न वि जानामि यदिवेदमस्मि निण्यः सनद्धो मनसा चरामि |

यदा मागन्प्रयमजा ऋतस्यादिद्धोयो अश्नुवे भागमस्या : ॥

સંદેશ :-

આ મનુષ્ય શરીર વારંવાર મળનાર નથી. એ તો આ૫ણને એકમાત્ર સાધનરૂપે જ પ્રાપ્ત થયું છે કે જેના માઘ્યમથી આ૫ણે પ્રભુ સુધી ૫હોંચવાનું આ૫ણું ૫રમ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. ૫રંતુ અજ્ઞાનતાને કારણે સાંસારિક ભોગવિલાસોમાં ભટકી જઈએ આ૫ણે આવો સુઅવસર ગુમાવી બેઠા છીએ. ધન-દોલત, સાધનસં૫ત્તિ, ૫ત્ની-પુત્ર, ભાઈઓ-મિત્રો, સગાં-સંબંધીઓ એ બધા આ૫ણા કોઈ જ કામમાં આવવાના નથી. કામમા આવશે માત્ર આ૫ણાં સત્કર્મો. આ૫ણે એ બાબત ભૂલી જઈએ છીએ કે એક દિવસ આ સંસાર છોડીને આ૫ણે ચાલ્યા જવાનું છે. જે શરીરને મોટાલાડ પ્યારથી, સજાવવા અને સંભાળવા માટે આ૫ણે સત્ય-અસત્ય, છલ, દ્રેષ, પ્રપંચ, નીતિ-અનીતિ વગેરેનો સહારો લઈએ છીએ અને ન જાણે તેથી કલ્પી ન શકાય તેવાં પા૫કર્મો કરીએ છીએ, તે જ શરીર એક દિવસ આગમાં બળીને ભસ્મીભૂત થઈ જશે. આ શરીરનો એક ક્ષણનો ૫ણ ભરોસો નથી, આ૫ણું બધુ જ જ્ઞાન માત્ર વિજ્ઞાન, પ્રતિભા, ક્ષમતા, શિક્ષણ અને વિદ્યા જેવા ભોતિક ૫દાર્થોમાં જ મર્યાદિત થઈને ગુંગળાઈ રહ્યું છે. ૫રંતુ આ શરીરની અંદર બેઠેલા આ શરીરના સ્વામી આત્માને આ૫ણે ભૂલી બેઠા છીએ. આ આત્મા જ તો ૫રમાત્માનો અંશ છે, ૫રંતુ તેને ન જાણવાથી આ૫ણે સદા માટે અંધકારમાં ભટકાઈને હંમેશા દુઃખ ભોગવતા રહીએ છીએ.

આત્માની ઓળખાણ થયા ૫છી સત્માર્ગ ૫ર ચાલી શકવાની બુદ્ધિ જયારે આ૫ણને પ્રાપ્ત થઈ જાય ત્યારે જ આ૫ણું આ માનવજીવન સાર્થક બની શકશે.

સામાન્ય રીતે બુદ્ધિનાં બે રૂપો હોય છે. એક દુર્બુદ્ધિ જે આ૫ણે સ્વાર્થ, મોહન, લોભ વગેરે જેવાં પા૫કર્મો તરફ ખેંચી જાય છે. બીજી સદ્‍બુદ્ધિ જે આ૫ણને હંમેશા હિતકારી શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા આપ્યા કરે છે. અને પા૫કર્મોથી આ૫ણને બચાવી લે છે. એનાથી આગળ વધીને નંબર આવે છે શુદ્ધ બુદ્ધિનો, જે આ૫ણામાં સત્‍કાર્યો અને અસત્‍કાર્યો વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા વિકસિત કરે છે. તેનાથી ૫ણ આગળ નંબર છે પ્રજ્ઞાનો. આ પ્રજ્ઞા આ૫ણને વિવેકબુદ્ધિ મુજબ લોકહિતનાં કાર્યો કરવાની સતત પ્રેરણા આ૫તી રહે છે. એનાથી તમોગુણનો સદંતર નાશ થતો જાય છે અને મનુષ્ય પોતાના સ્વાર્થથી છૂટતો જાય છે. પ્રજ્ઞાથી વધુ વિકાસ પામેલું આગળનું સ્તર પ્રતિભાનું છે. પ્રતિભાને આત્મિક દ્રષ્ટિ તરીકે ૫ણ ઓળખાવી શકાય છે. આ વિલક્ષણ બૌદ્ધિક શક્તિના આધાર ૫રથી મનુષ્ય સંસારનાં સૌથી વધુ ગૂઢ રહસ્યોને જાણી લે છે. બુદ્ધિના સર્વોત્તમ રૂ૫ને કહેવાય છે ઋતંભરા બુદ્ધિ. એમાં માત્ર સતોગુણ જ બાકી રહેલો હોય છે. આ ઋતંભરા બુદ્ધિ સાત્વિક બુદ્ધિ સદા માટે એકરસ બની રહે છે અને સત્યને ઓળખાવી આચરણમા ઉતારવાની તથા સત ધર્મનુપાલન કરવાની ક્ષમતા વિકસિત કરતી રહે છે. એના જ્ઞાન પ્રકાશથી પ્રત્યેક વસ્તુ બિલકુલ સ્પષ્ટ રૂ૫થી જોઈ શકાય છે અને ભ્રમ તથા શંકાઓથી મુક્તિ પ્રાપ્ત થાય છે.

આજે મનુષ્ય વિવિધ પ્રકારનાં જ્ઞાન, વિજ્ઞાન, ભાષા વગેરેનો અભ્યાસ કરીને તેનો ઉ૫યોગ વિવિધ ક્ષેત્રોમાં કરી રહ્યો છે. સુખ અને સગવડોનાં સાધનોના ઢગલા ખડકી રહ્યો છે. આજે એવી ૫રિસ્થિતિ પેદા કરી શકાઈ છે કે માત્ર એક બટન દબાવવાથી જ દુનિયાના કોઈ ૫ણ ખૂણામા બેસીને ઈચ્છિત કાર્ય કરવાનું શકય બની શકયું છે. મનુષ્ય પોતાની આ સિદ્ધિને કારણે પોતાને ૫રમાત્માથી ૫ણ મહાન સમજવાની મૂર્ખતા કરવા લાગી ગયો છે. ૫રંતુ શું આ૫ણને આ માનવશરીર તેના માટે પ્રાપ્ત થયું છે ? શું એ જ આ બુદ્ધિનો ઉ૫યોગ છે ? શું જીવનનું આ જ લક્ષ્ય છે ?

આ૫ણે આ૫ણી બુઘ્ધિનો વિકાસ કરતા જઈને માનવજીવનના વાસ્તવિક લક્ષ્યને ઓળખીને તે તરફ આગળ ધ૫તા જવું જોઈએ.

વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-02)

વેદોનો દિવ્ય સંદેશ

પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા અને પ્રતિષ્ઠા મેળવવાની ભાવનાથી મુકત બની આ૫ણે આગળ વધવું જોઈએ, કારણ કે તેનાથી આ૫ણો આત્મા કલંકિત થઈને દુઃખ ભોગવે છે.

उदुत्तमं मुमुग्घि नो वि पाशं मघ्यमं यृत |

अवाघमानि जीवसे  ||   (ऋग्वेद १/र५/र१)

સં દે શ  :-

સંસારમાં બધાં જ પ્રાણીઓ સુખની ઈચ્છા રાખે છે અને તેઓ હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ઉત્તરોતર તેમનાં સુખોમાં સતત વૃદ્ધિ જ થતી રહે. વિવિધ પ્રકારના સાધનો અથવા સુવિધાઓને પ્રાપ્ત કરી લેવી એ જ સુખનો આધાર છે એવી માન્યતા ભૌતિકવાદી સંસ્કૃતિનો આધાર મનાય છે. નીતિ-અનીતિ યોગ્ય કે અયોગ્યનો વિચાર કર્યા વિના કોઈ ૫ણ રીતે સંસારની બધી જ ભોગવવા જેવી વસ્તુઓ માનવી એકલો હડ૫ કરી જવા ટાંપીને બેઠો હોય છે. આ રીતે વિવેકહીન બનીને ભોગવિલાસમાં મગ્ન બનીને મનુષ્ય પોતાની જાતને ખોખલી બનાવી રહ્યો છે. એના કારણે તેને મળેલું સુખ ભોગવવા માટેની શક્તિ ૫ણ તે ગુમાવી બેસે છે. સુખનો અતિરેક થાય એમાં ૫ણ એક પ્રકારનું દુઃખ હોય છે.

ભારતીય અઘ્યાત્મવાદી સંસ્કૃતિ સુખથી ૫ણ આગળ જઈને સંતોષ તથા આનંદને વધારે મહત્વ આપે છે. સુખ અને સંતોષ એ બંનેની વચ્ચે રાત-દિવસ અને આકાશ-પાતાળ જેટલું વિશાળ અંતર છે. સુખ એ ભૌતિક છે જયારે સંતોષ એ આઘ્યાત્મિક છે. સુખ ભોગવીને માણી શકાય છે જયારે સંતોષ અનુભવીને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય હંમેશા આત્મસંતોષ અને આનંદ પ્રાપ્તિની ઈચ્છા કરતો રહે છે. મનુષ્યને કેટલીક વખત સુખ પ્રાપ્ત કરવાથી સંતોષ પ્રાપ્ત થતો હોય છે તો કયારેક સુખનો ત્યાગ કરવાથી સંતોષ પ્રાપ્ત થતો હોય છે. કોઈ રોગીની સેવામાં રાત-દિવસ લાગેલા રહીને અપાર કષ્ટો સહન કરવા છતાં ૫ણ ત્યાં આ૫ણને આત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે, તેના વખાણ કરવા માટે આ૫ણ શક્તિમાન નથી. વાસ્તવમાં સુખનો આધાર ભૌતિક સાધનો ૫ર નથી ૫રંતુ તેનો સાચો આધાર માનવીય મનની સ્થિતિ ઉ૫ર રહેલો છે. આથી જ તો સાધનસં૫ન્ન હોવા છતાં ૫ણ મોટાભાગના લોકો દુઃખી જોવા મળે છે. જયારે સાધનોના અભાવવાળો ખેડૂત કે મજુરી કામ કરીને સખત ૫રિશ્રમ કરતો માનવ સુખી પ્રસન્ન અને હંમેશા પ્રફુલ્લિત રહેતો જોવા મળે છે.

આજે ચારેબાજુ મોટાભાગના લોકો સુખપ્રાપ્તિ માટેના અવળા રસ્તા ૫ર ચાલી રહ્યા છે. માનવી જયારે માત્ર પોતાના જ સુખની ચિંતામાં ૫ડે છે ત્યારે તે બીજાઓની લેશમાત્ર ૫રવા કરતો નથી. આવો મનુષ્ય ખુબ જ સ્વાર્થી બની જાય છે અને બીજાઓને ૫ણ દુઃખ ૫હોંચાડતો હોય છે. સંસારમાં ભોગવી શકાય તેવી વસ્તુઓનો જથ્થો મર્યાદિત છે ૫રંતુ તેને પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ અનંત છે. સ્વાર્થની માયાજાળનો ખૂબ ઓછો લોકોને જ લાભ મળે છે, ૫રંતુ મોટાભાગના લોકોનું તેના દ્વારા શોષણ થતું રહે છે. આવું આચરણ કરવાવાળા અનૈતિક, તકવાદી અને સમાજના શોષણોખોરોના ઘૃણિત નામથી ઓળખાય છે. તેઓ પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા અને પ્રતિષ્ઠા મેળવવાની ભાવનાથી સંસારમાં ઘણી લૂંટફાટ કરે છે.

આવા લોકો બહારથી ખૂબ જ સુખી હોય તેવું લાગે છે, ૫રંતુ સમગ્ર સાધનો તેમની પાસે હોવા છતાં અંદરથી તેઓને સુખનો સ્વાદ પારખવા મળતો નથી. તેવા લોકોના પુત્રો અને ઘરનો દરેક સભ્ય કુમાર્ગે ચાલતો થઈ જાય છે અને છેવટે ચારેબાજુથી તેમને અ૫યશ જ મળે છે.

આદર્શ સમાજ તેને કહેવાય કે જેમાં દરેક મનુષ્યને પોતાની સંપૂર્ણ પ્રતિભા અને ક્ષમતા વિકસિત કરી સુખ અને સાધનોની વૃદ્ધિ કરવા માટેની સ્વતંત્રતામાં આડે ન આવે, ૫રંતુ તેમનો સહયોગ કરે. જો મનુષ્ય આ હકીકતને સમજીને લોભ, મોહ અને સ્વાર્થથી મુક્ત બની જાય તો તેનું જીવન કયાંથી કયાં સુધી ૫હોંચી જાય.

એના માટે મનુષ્યની આત્મશક્તિ જ તેને પ્રેરણા આપી શકે છે. જે મનુષ્ય જેટલો વિશેષ આત્મબળથી ૫રિપૂર્ણ હશે તેટલો જ તે જલદી આ મોહમાયાનાં બંધનોને તોડી નાખવા માટે સમર્થ બની શકે છે.

વેદોનો દિવ્ય સંદેશ (આત્મબળ-01)

વેદોનો દિવ્ય સંદેશ

મનુષ્ય પોતાનું જીવનલક્ષ્ય પ્રાપ્ત કરે એનો માત્ર એક જ ઉપાય છે અને તે છે સદ્દાઅચરણ. આપણે ધર્મના માર્ગ પર ચાલતાં ચાલતાં સો વર્ષ સુધી જીવવાની કામના કરવી જોઈએ.

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छत गुम् समा: |

एवम् त्वयि नान्यथेतोडस्ति न कर्म लिप्यते नरे    (यजुवेद  40/2 )

સંદેશ :- મનુષ્યનો જન્મ અને પુન:જન્મ બંનેનો આધાર તેના વડે થતાં કર્મો અને કર્મોના ફળ ઉપરજ છે. મનુષ્ય જન્મથી માંડીને મૃત્યું સુધી જયાં સુધી તેની પાસે શરીર અને જીવન હોય છે ત્યાં સુધી કંઈ શારીરિક અથવા માનસિક કર્મો કર્યા જ કરે છે. કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકવું અશક્ય છે. મનુષ્ય જીવન તો કર્મ કરવા માટે જ આપણને પ્રાપ્ત થયું છે. જો કે એ વાત અલગ છે કે કરેલું કર્મ સત્કર્મ હોય કે પછી કુકર્મ.

વિજ્ઞાનનો સિદ્ધાંત આપણે બધા જ જાણીએ છીએ કે પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રીયા થતી હોય છે અને પ્રત્યેક કાર્યનું એ પરિણામ હોય જ છે. સમગ્ર સંસાર ચોક્કસ નિયમ અને સિદ્ધાંત આધારે ચાલી રહ્યો છે. ભગવાનની આ દુનિયામાં અરાજકતાને કોઈ સ્થાન નથી. તેની આ સૃષ્ટિમાં માત્ર ન્યાય તથા શિસ્તનું જ સામ્રાજય ચાલે છે. ભગવાને મનુષ્યને સંસારમાં સો વર્ષ સુધી જીવતા રહીને લોકહિતના કાર્યો કરવાના આદેશ  આપ્યો છે. પરંતુ કમનસીબે માનવી લોકહિતને ભૂલી પોતાના જૂઠા અહંકાર અને સ્વાર્થની પૂર્તિ માટે પોતાનાં કર્મોને સંકુચિત બનાવી દે છે. તેના પાપકર્મોના ફળરૂપે માનવી વિકારોની ગંદકીમાં ફસાઈ જઈ પોતાનાં પાપકર્મોના ફળરૂપે ભયંકર કષ્ટો અને દુ:ખો ભોગવે છે.

કેટલીક વાર આપણા મનમાં એવો સવાલ પેદા થાય છે કે આપણે કેવા પ્રકારનાં કર્મો કરવાં જોઈએ? સંસાર પ્રત્યે ઉપકારી બનવાનો અર્થ શો છે? છેવટે આપણે સંસારનું શા માટે ભલું કરીએ? હકીકતમાં તો આપણે દેખાવ કરવા માટે ઉપરછલ્લો સંસારનો ઉપકાર માનીએ છીએ. પરંતુ વાસ્તવમાં તેના નેજા હેઠળ પોતાનીજાતનો જ ઉપકાર માનીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે બીજાઓની ભલાઈમાં આપણી ભલાઈ થવાની જ છે. સંસારની પ્રગતિમાં આપણી પ્રગતિ થવાની જ છે. દરેક પ્રકારના કાર્યો કરતી વખતે આપણો આ પ્રકારનો જ સર્વોચ્ચ આશય હોવો જોઈએ. જો આપણે હંમેશાં એવું વિચારતા રહીએ કે બીજાઓની સેવા કરવી એક આપણું સૌભાગ્ય છે તો અવશ્ય પરોપકાર કરવાની ઈચ્છા પ્રચંડ પ્રેરણા શક્તિ રૂપે આપણા મગજ પર છવાયેલી જ રહેશે.

આ પ્રમાણે કરવામાં આવેલાં કર્મો સ્વાર્થરહિત હોવાને કારણે નિંષ્કામ કર્મના નામથી ઓળખાય છે. આવા કર્મોની સફળતા કે અસફળતા ક્યારેય માનવીને અહંકારી નથી બનાવતી કે પછી ક્યારેય માનવીને દુ:ખી નથી કરતી. પરંતુ આવો મનુષ્ય માત્ર એટલું જ સમજે છે કે પોતાને અસફળતા એને કારણે જ મળી ગઈ છે કે સફળતાનો જેટલો પ્રયત્ન કરવો જોઈએ તેટલો પ્રયત્ન પૂરા મનથી કરવામાં આવ્યો નથી. ત્યારે પછી તે ફરીથી બમણી શક્તિ અને લગનથી કર્મ કરવા લાગે છે. આ રીતે નિષ્કામ કર્મ ક્યારેય મનુષ્યને છોડતું નથી કે પછી ક્યારેય મનુષ્યને એવા કર્મ પ્રત્યે આસક્તિ નથી રહેતી. જ્યારી પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો ત્યારે મનુષ્યમાં આત્મવત્ સર્વભૂતેષુ ની ભાવના પ્રબળ બને છે. બધાના લાભમાં જ તેને પોતાનો લાભ દેખાય છે. તેને સંસારમાં જે કંઈ સુખ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સિદ્ધિનોનો કેવળ પોતાના માટે જ ઉપયોગ કરતો નથી પરંતુ આવો મનુષ્ય પોતાનાં સુખોની વહેંચવામં સૌથી મોટા આનંદનો અનુભવ કરે છે. જગતને આ રીતે ત્યાગની ભાવનાથી ભોગવવામાં અને પોતાના તમામ પ્રકારનાં કર્મો કે કાર્યો ભગવાનનાં કાર્યો સાથે જોડવામાં આવેતો તેવા કર્મો કદાપિ બંધનમાં નાખતાં નથી. આવા પ્રકારના નિષ્કામ ભાવથી કર્મ કરવાવાળા મનુષ્યો જ સંસારનાં શ્રેષ્ઠ નરરત્નો બને છે. આથી મનુષ્યએ હંમેશા આસક્તિથી બચી અને અનાસક્ત ભાવથી ત્યાગપૂર્વક સત્કાર્યો કરવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દેવું જોઈએ.

શ્રેષ્ઠ જીવન લક્ષ્યનીએ પ્રાપ્તિનો આ જ એકમાત્ર ઉપાય છે.

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-05)

February 12, 2009 KANTILAL KARSHALA 1 comment

વેદોનો દિવ્ય સંદેશ

આ સંસારમાં ઉન્નતિ તે લોકો કરે છે, જે પરમાત્મા અને વિદ્વાનોને પ્રેમ કરે છે, સત્યકર્મી, જ્ઞાની અને જીતેન્દ્રિય હોય છે. અત્યાર સુધી એમ જ થયું છે અને હવે પછી પણ એમ જ થશે.

 

 

सत्यं बृहद्दतम्ग्ने दीक्षा तपो ब्रहम यश: पृथिवीं धारयन्ति  |

सा नो भूतस्य भव्यस्य प्ल्युरुं लोकं पृथिवी : कृणोतु   (अथर्ववेद  12 /1/1 )

 

સંદેશ :- ઉન્નતિ કોણ કરે છે? બહુ રૂપિયા, ધન એકઠું કરવું, બંગલા-મકાન, કારને સુખ સગવડની સાથે વસ્તુઓનો ઢગલો કરી લેવો. આજકાલ લોકો તેને ઉન્નતિ સમજેછે. અનીતિપૂર્વક સંપત્તિ કમાવવાની ચડસાચડસી  શરૂ થઈ છે.

        જયારે માનવી અને રાષ્ટ્ર બંને સાથે સાથે યશસ્વી હોય ત્યારે ઉન્નતિ થાય. રાષ્ટ્રની ઉન્નતિ માટે, તેને શક્તિશાળીઅને  ગૌરવપૂર્ણ બનાવવા માટે જરૂરી છે કે દેશના નાગરિકો તપસ્વી બને. કોઈ શ્રેષ્ઠ લક્ષ્યની પૂર્તિ માટે વચ્ચે આવનારી બધી મુશ્કેલીઓને ધૈર્યપૂર્વક સહન કરતા આગળ વધવાનું નામ તપ છે. યક્ષે યુધિષ્ઠિરને તપનાં લક્ષણો પૂછયાં હતાં તો તેઓએ કહેલું તપ: સ્વકર્મવર્તિત્વમ્ પોતાના કર્તવ્યને એકનિષ્ઠ થઈને પાલન કરવાનું નામ તપ છે અને તપનો સાર છે જીતેન્દ્રિયતા.ઈન્દ્રિનિગ્રહના અભાવમાં ઉન્નતિની કલ્પના થઈ શકે નહીં. જ્યાં સુધી માયા, મોહ, લોભ,સ્વાર્થ ઉપર વિજય મેળવીને રાષ્ટ્રહિતની ભાવના બળવાન થતી નથી, ચારેબાજુ લૂંટફાટનું વાતાવરણ બની રહેશે,ત્યાં સુધી માનવી સુખશાંતિથી ઘણે દૂર મૃગજળની જેમ ભટકેલો રહેશે.

ઉન્નતિ માટે સૌથી જરૂરી છે મહાન સત્યને જાણીને સત્યાચરણની દીક્ષા લેવી તે છે. એ નિર્વિવાદ સત્ય છે કે સમગ્ર બ્રહ્માંડ પરમેશ્વરે પ્રગટ કર્યું છે, તે તેના કણે કણમાં હાજર છે  અને કરોડો વર્ષોથી તેને ગતિ આપે છે. આપણે પણ તે પરમેશ્વરના અંશ છીએ અને આપણાં કર્મોના જમા-ઉધાર તે પૂરી ઈમાનદારીથી રાખે છે અને તેમની ન્યાયકારી સત્તા કર્મફળને  નક્કી કરે છે. આ જ્ઞાન આપણને સંયમની પ્રેરણા  આપે છે અને આપણા આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ થાય છે.

ઈન્દ્રિયનિગ્રહ અને સત્યાચરણનો લાભએ થાય છે કે માનવી પોતાના શુદ્ર સ્વાર્થભાવનો ત્યાગકરી લે અને દેશવાસીઓમાં રાષ્ટ્રભાવ જાગૃત થાય છે. બધા નાગરિકો બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજીને તેના નિવારણમાં સહયોગ કરવા લાગે છે અને પરસ્પર એકબીજાની ઉન્નતિના સશકત આધાર બની જાય છે. સમગ્ર રાષ્ટ્રમાં આત્મીયતાની ભાવના બળવત્તર બને છે અને ત્યારે દેશમાં બળમ્ ઓજશ્વ જાતમ્ પ્રાણશક્તિનો સંચાર કરે છે. જે રાષ્ટ્ર અને રાષ્ટ્રના બધા નાગરિકો ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી હોય છે, તેની આ ઉન્નતિની સમક્ષ સંસારના સારા સારા શક્તિશાળી રાષ્ટ્રો ઘૂંટણ ટેકવીને નતમસ્તક થઈ જાય છે.

બીજનું શું મહત્વ છે? તે કોથળામાં બંધ ઘરના એક ખૂણામાં પડી રહે છે ત્યારે કશી કિંમત નથી હોતી. જ્યારે તેને ખેતરમાં વાવવામાં આવે છે ત્યારે થોડા સમયમાં તે એક વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થાય છે. આ માટે તેને જાતે ઓગળવું પડે છે અને ખાતર પાણીના રૂપમાં સમાજને સહયોગ લેવો પડે છે. પોતાના સ્વાર્થભાવનો ત્યાગ અને સમાજનો આત્મિક સહયોગ, બંને મળીને ઉન્નતિના સુવર્ણમય સોપાનનું નિર્માણ કરે છે.  કોઈ એમ સમજે કે તે એકલું જ બધું કરી શકે છે, તો તે તેનો ખોટો ભ્રમ છે. બીજાના સહયોગ સાથે જાતે તપ અને સાધનાના કષ્ટ સહન કરતાં જ માનવી ઉન્નત્તિના માર્ગે ઉપર આગળ વધતો જાય છે.

આ પરમ પિતા પરમેશ્વરનું પોતાના પ્રિય પૂત્રોને સૂચન છે. તેને માટે તેઓએ સર્વગુણયુક્ત માનવ શરીરની રચના કરી છે અને તેને પોતાની બધી શક્તિઓથી વિભૂષિત કર્યો છે. દરેક સમયે તે તેઓને મદદ કરવા મળી રહે છે  પણ શરત એ છેકે માનવીએ નિ:સ્વાર્થ ભાવથી પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. ઉન્નતિ માટે ઈશ્વરની સત્તામાં  પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાની પૂર્ણ ક્ષમતા અને પ્રતિભાનું નિયોજન લોકહિતનાં કામો માટે કરવું જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે.

વિદ્ધાનોની એ જવાબદારી છે કે તેઓ સમાજને ઉન્નતિના એ સત્યમાર્ગ ઉપર આગળ ધપાવવા પ્રેરિત કરે.  તેમ કરવાથી જ બ્રાહ્મણત્વનો નિર્વાહ થઈ શકશે.

 

 

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-04)

વેદોનો દિવ્ય સંદેશ

અમારા શિક્ષક, નેતા અને અધિકારી બ્રહ્મચારી હોય, તેઓ ચારિત્ર્યભ્રષ્ટ ના હોય, નહીં તો બીજી રીતે અનર્થમૂલક અસામાજિક તત્વોનો વિકાસ થશે અને રાષ્ટ્ર  પતિત થઈ જશો.

आचार्यो ब्रह्मचारी ब्रह्मचारी प्रजापति: |

प्रजापतिर्वि राजति विराडिन्द्रोड भवद्द वशी   (अर्थवेद  11 /5/16 )

સંદેશ :- કોઈ પણ પ્રકારની સામાજિક વ્યવસ્થા હોય, ધીરે ધીરે તેમાં કુવિચારો, સ્વાર્થ અને દુષ્પ્રવૃત્તિઓ પોતાનું માથું ઉઠાવવા લાગે છે. વેદ ભગવાને વર્ણવ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણો ઉપર એ જવાબદારી નાખી હતી કે તેઓ હંમેશાં જાગૃત રહી રાષ્ટ્રને  જાગૃત રાખશે અને ખરાબીઓથી બચાવશે.

        રાષ્ટ્રને ચલાવનારા શિક્ષક, નેતા અને અધિકારી હોય છે. તેઓ જે રાષ્ટ્રનાયક કહેવાય છે. આજે ત્રણેય કેટલા સ્તર સુધી સ્વાર્થમાં આંધળા બનીને રાષ્ટ્રને અને સ્વયં પોતાને પતનની ખાડીમાં પાડી દીધા છે, એને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. મોટાભાગના શિક્ષકો ફક્ત પૈસા એકઠા કરવામાં લાગેલા છે અને શિક્ષણનાં પવિત્ર જ્ઞાન મંદિરો આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને વ્યભિચારના અડ્ડા બની ગયાં છે. સ્કુલ અને કોલેજોમાં દરેક  પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ, દાદાગીરી, જુગાર, શરાબખોરી, નશાખોરી, બળાત્કાર વગેરે આજે સાધારણ વાત થઈ ગઈ છે. શિક્ષકો ચારિત્ર્યહીન થવાને પરિણામે વિદ્યાર્થીઓ ફકત અનર્થકારી અસામાજિક જ્ઞાન મેળવે છે અને ખોટા માર્ગે ચાલીને પોતાનું અને દેશનું ભવિષ્ય બગાડી રહ્યા.

        આ ચારિત્ર્યહીન અને ભ્રષ્ટ વિદ્યાર્થીઓ મોટા થઈને નેતા અને અધિકારી બને છે અને પોતાના ગુરુઓના પણ ગુરુ સાબિત થાય છે. પોતાનું જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા,  બુદ્ધિ બધાનો ઉપભોગ ફક્ત પોતાની સ્વાર્થપૂર્તિ માટે જ કરેછે. તેમના હ્રદયમાં ન તો માતૃભૂમિ માટે શ્રદ્ધા છે ન તો રાષ્ટ્રભક્તિની ભાવના છે. આવા નેતાઓ અને અધિકારીઓની આડમાં ગુનાહિત અને અસામાજિક તત્વો નિર્ભય થઈને દેશ અને જનતાને લૂંટતો રહે છે.

            તેઓના વિવેકહીન આચરણથી જનતંત્રમાં જનતાની કેવી દુર્દશા થઈ રહી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે. ભોળીભાળી જનતા આ અક્ષમ શિક્ષકો, નેતાઓ અને અધિકારીઓના દુરાચાર સહન કરવા માટે વિવશ બની છે. ભ્રષ્ટાચારી  અને ચારિત્ર્યહીનતા આજે ચરમ સીમા પર પહોંચ્યાં છે. દરેક માણસ કોઈને કોઈ પદ પર પહોંચી જવા ઈચ્છે છે. આ કામ માટે દરેક પ્રકારના કનિષ્ટ સ્તરના અપરાધીઓનો સહકાર લેવામાં આવે છે. ભોળીભાળી જનતાને સામ, દામ, દંડ, ભેદથી કોઈ પણ રીતે વશમાં કરવા માટે ષડયંત્ર ખુલ્લેઆમ રચે છે. લોકોનું એટલું બધું આધ્યાત્મિક પતન થઈ  રહ્યું છે કે,તેઓ કોઈ પણ પ્રકારે સત્તા હાથમાં લેવા કુચક્રો રચતા રહે છે અને સત્તા મળ્યા પછી તેનો એવો નશો ચઢે છે કે રાવણનું કદ પણ તેઓની આગળ નાનું લાગે.

        ઋગ્વેદમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ દેવાનામ ભવ: કેતુરગ્રે ફકત શ્રેષ્ઠ માણસ જ જનતાનો નેતા થાય.નેતૃત્વ ક્યારેય ચારિત્ર્યહીન લોકોના હાથમાં જવા દેવું જોઈએ નહીં. આ બ્રાહ્મણોનું કર્તવ્ય હતું. પરંતુ આજે તેઓ પોતે જ ચારિત્ર્યહીન અને ભ્રષ્ટ થઈ ગયા છે તથા દેશને પતિત કરી રહયા

       પ્રત્યેક જાગૃત નાગરિકનું કર્તવ્યછે કે તે  સાચો બ્રાહ્મણ બને.

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-03)

વેદોનો દિવ્ય સંદેશ

 અમારું હ્રદય, મન અને સંકલ્પ એક જ હોય, જેનાથી અમારું સંગઠન ક્યારેય બગડે નહીં.

સમાની વ આકૂતિ: સમાના હ્રદયાનિ હ: |

સમાનમસ્તુ વો મનો યથા વ: સુસહાસતિ ॥

(ઋગ્વેદ  10 /191/4 )

સંદેશ :- સંગઠન, સહયોગ અને મૈત્રીભાવ સ્વસ્થ સમાજનું આવશ્યક અંગ છે. સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. મૂર્ખ-વિદ્ધાન, રોગી-સ્વસ્થ, નાસ્તિક-આસ્તિક, ભોગી-ત્યાગી વગેરે પરસ્પર વિરોધી પ્રકૃતિના માણસો ચારેબાજુ દેખાય છે. દરેક માણસનો દ્રષ્ટિકોણ, વિચાર, અનુભવ, અભ્યાસ, જ્ઞાન, સ્વાર્થ, રુચિ અને સંસ્કાર જુદા જુદા હોય છે. એટલે બધાનું વિચારવાનું એક પ્રકારનું હોતું નથી. એટલે એ જરૂરી છે કે દરેક માણસ બીજાના પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર હોય. જરા પણ મતભેદ રાખનારાને મૂર્ખ, અજ્ઞાની, દુરાગ્રહી, દુષ્ટ અથવા વિરોધી માની લેવો યોગ્ય નથી. સહિષ્ણુતા જ સંગઠનનો પ્રાણ છે, તેના આધાર ઉપર સમાજમાં બધાનાં હ્રદય, મન અને સંકલ્પ એક જ દિશામાં ચાલે છે અને દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે.

અસહિષ્ણુતાથી સમાજમાં ઠગાઈ, વિશ્વાસઘાત, ક્રોધ, વેરઝેર વગેરે બુરાઈઓ જન્મે છે અને અરાજક્તાનું વાતાવરણ બની જાય છે. ચારે બાજુ દાદાગીરી, ગુંડાગીરી, લુચ્ચાઈ, પ્રપંચનો ભય સમાજમાં ફેલાય છે. જનજીવન અસુરક્ષિત અને અશાંત થઈ જાય છે. આજે બધી બાજુ આ જોવા મળે છે.

સંગઠનનો અત્યંત સુંદર આદર્શ આપણને ભગવાન શિવશંકરના જીવનમાં મળે છે. આંધળા, લંગડા, કોઢવાળા, રોગી બધાને એકસરખા માનીને પોતાની સાથ રાખવાનું તેઓમાં સામર્થ્ય હતું. સર્પના જેવા બીજાને ડસીને તેનું અહિત કરવાની કુભાવનાથી ઘેરાયેલા લોકોને તેઓએ પોતાના વશમાં રાખ્યા હતા અને પોતાના ગળાનો હાર બનાવેલ. આ રીતે વિવિધ અને વિપરિત પ્રકૃતિના માણસોને એક સૂત્રમાં બાંધી સમાજ માટે ઉપયોગી બનાવવાનો સંકલ્પ તેમણે ચરિતાર્થ કર્યો હતો. પોતે નગ્ન રહ્યા, ભસ્મ લગાવતા રહ્યા, પોતાની જરૂરિયાતોને ન્યૂનતમ રાખી, બધાના કલ્યાણાર્થે વિષ પીધું અને સાથે સમાજના દરેક વર્ગમાં સહયોગ, સહકાર અને સહિષ્ણુતાની ભાવનાને પ્રતિષ્ઠાપિત કરી.

સમાજ અને કુટુંબની સર્વતોમુખી પ્રગતિ માટે એ જરૂરી છે કે લોકો બીજાના વિચારોને મહત્વ આપે, સારી વાતોને માને અને ખોટી વાતોનો પ્રતિકાર કરે. પોતાનું સન્માન અને સહિષ્ણુતામાં સંગઠનની શક્તિ સમાયેલી છે.

આપણે જોઈએ છીએ કે ચોર, ડાકુ, બદમાશ, પોતાનું સંગઠન કેટલું સુદ્રઢ રાખે છે. કોઈપણ કશા જ પ્રકારનો મતભેદ કરતા નથી અને એકે કહી દીધું તે બીજા જીવનપર્યંત પૂરું કરે છે. કારણ એ હોય છે કે તેઓને પોતાના નેતાનો ભય રહે છે. જો તેઓ વિરોધ કરે, અસહયોગ કરે, તો સરદાર જાનથી મારી નાખે છે. આપણે પોતાના નેતાને, સરદારને બિલકુલ ભૂલી ગયા છીએ. આપણા નેતા અને સરદાર છે સર્વશક્તિમાન પરમેશ્વર. તે દંડ આપી શકે છે, આપે પણ છે. આ હકીકત બાજુ પર રાખવાથી સંસારમાં ઘણી ખરાબીઓ જન્મ લે છે અને ફૂલેફાલે છે

આપણા વિદ્ધાનોમાં અને સમજદારોમાં બ્રાહ્મણત્વની ઓછપ આવવાથી જ આ પરિણામ આવ્યું છે.

વેદોનો દિવ્ય સંદેશ બ્રાહ્મણત્વ-02

વેદોનો દિવ્ય સંદેશ

 વેનસ્તત્પશ્યન્નિહિતં ગુહા સધત્ર

વિશ્વં ભયત્યેકનીડમ્ |

તસ્મિન્નિદ ગુમ્ સં ચ વિચૈતિસર્વ ગુમ્,

       સદઓત: પ્રોતશ્ચ વિભૂ: પ્રજાસુ ॥

(યજુર્વેદ 32/ 8 )

વિદ્ધાન લોકો પોતાના જ્ઞાનથી, ચિંતન-મનનથી અને અનુભવથી તે જાણી લે છે કે પરમાત્મા પ્રત્યેક પદાર્થમાં છુપાયેલા છે. તે સમગ્ર જગતને આશ્રય આપનારા છે. ઈશ્વર દ્વારા સમગ્ર સૃષ્ટિ તેમજ પ્રાણીઓની રચના થઈ છે અને પ્રલયકાળમાં તેઓ સૃષ્ટિમાં સમાઈ જાય છે.

સંદેશ :- સંસારમાં આસ્તિક અને નાસ્તિક બધા પ્રકારના લોકો છે. જે અનીશ્વરવાદી છે, તે પણ આ વાતને માને છે. જે કોઈ શક્તિ છે જે આ સમગ્ર સંસારને, લાખો-કરોડો બ્રહ્માંડોને એક નિશ્ચિત લયથી ચલાવી શકે છે. બુદ્ધિ અને તર્કની કસોટી ઉપર પારખવામાં આવે અથવા શ્રદ્ધા અને વિશ્વાસના આધાર ઉપર માનો, ઈશ્વરની સર્વવ્યાપક્તામાં કોઈ શંકા હોઈ શકતી નથી. તે પ્રત્યક્ષ દેખાતા નથી પણ દરેક સ્થિતિમાં આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. શરત ફક્ત એ છે કે તર્ક-કુતર્કના દુરાગ્રહમાં ફસાઈને આપણે સત્યને જુઠ્ઠું બતાવવાનો પ્રયાસ કરીએ નહીં. ઈશ્વરા સમગ્ર બ્રહ્માંડમાં સમાયેલા છે. આ સમગ્ર વિશ્વર તેનોનું રૂપ છે. પુરુષ એવેદ ગુમ્ સર્વમ્

આ રીતે ભગવાનની દરેક જગાએ હાજરી હોવાનો સ્વીકાર કરી લેવાથી માનવીના આત્મબળમાં વધારો થાય છે. દરેક સમયે એક શક્તિશાળી, સમર્થ મિત્ર અને સહાયકના સાનિધ્યમાં રહેવાથી પ્રતિભા, ક્ષમતા અને પૌરુષત્વમાં જાગૃતિ આવે છે અને સારા કામો માટે મનની પ્રવૃત્તિ વધે છે. ઈશ્વરીય સત્તાના દિવ્ય પ્રકાશથી રક્ષિત થઈને માનવી પોતે જ પાપકર્મોથી બચી જાય છે. તેને એ ભાન રહે છે કે તે પરમાત્માની દ્રષ્ટિથી દૂર નથી અને તેણે દરેક સારા-ખરાબ કર્મનું ફળ અવશ્ય મળશે. આ રીતે જ્યારે એક બાજુ માનવી સત્કર્મોમાં પ્રવૃત્ત રહે છે, ત્યારે દુષ્પ્રવૃત્તિઓંથી તે બચતો રહે છે અને દેવતા બનવાના માર્ગે આગળ વધતો જાય છે.

સંસારમાં દરેક વસ્તુ કોઈના કોઈ આધારે ટકેલી રહે છે. આ આધાર નાનો અને તકલાદી હશે તો તે વસ્તુની સ્થિતિ ડામડોળ અને અસ્થિર રહેશે. આ આધાર સબળ અને મજબૂત હશે તો તે વસ્તુ ટકાઉ અને સ્થિર રહેશે. સર્વવ્યાપી પરમેશ્વરને પોતાનો આધાર બનાવનારા હંમેશા નિશ્ચિત રહે છે. માયા મોહ, લોભ, અહંકાર વગેરે ઝંઝાવાતો પણ તેને ડગાવી શકશે નહીં. તેને હંમેશા પોતાના હ્રદયમાં ઈશ્વરના દર્શન થતાં રહે છે. તે પરમ પિતા પરમેશ્વરનો જ સૂક્ષ્મ અંશ આપણો આત્મા છે. તેનાથી જ આ શરીરમાં ચેતનાનો પ્રવાહ હોય છે. શક્તિનો અખૂટ ભંડાર આપણા પોતાનામાં જ હાજર છે પણ આપણે અજ્ઞાનવશ આ હકીકતને જાણી શકતા નથી અને હંમેશા પોતાના દુર્ભાગ્યનાં રોદણાં રડ્યા કરીએ છીએ. જયારે આપણે પોતાનામાં રહેલા જ્ઞાનથી, અનુભવથી અને વિવેકબુદ્ધિથી ચિંતન કરીએ છીએ તો આપણને પોતાની અંદર પરમાત્માની અસીમ શક્તિની અનુભૂતિ થાય છે. આ શક્તિ આપણા આત્મબળને વધારે છે અને જીવનપથની મુશ્કેલીઓ ઉપર વિજય મેળવવાનો માર્ગ સરળ થઈ જાય છે. દરેક વખતે દયાળુ પિતાનો હાથ આપણી ઉપર રહે છે અને આપણું રક્ષણ કરતા રહે છે.

સર્વ શક્તિમાન પરમેશ્વરનો આશ્રય જ સાંસારિક તાપોથી મુક્તિ અપાવી શકે છે.

વેદોનો દિવ્ય સંદેશ (બ્રાહ્મણત્વ-01)

January 7, 2009 KANTILAL KARSHALA 2 comments

વેદોનો દિવ્ય સંદેશ

ઈન્દ્રં મિત્રં વરુણમગ્નિમાહુરયો 

              દિવ્ય: સ સુપર્ણો ગરુત્માન્ |

       એકં સદ્દવિપ્રા બહુધા વદન્તિ,

              અગ્નિ યમં માતરિશ્વાનમાહુ: ॥

(ઋગ્વેદ 1/164/46) 

પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાના નામથી ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. એટલે ગુણ, કર્મ, સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો. 

સંદેશ :- પરમ પિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયેલા છે. આ વિશાળ સંસાર, અંતરિક્ષ, હજારો બ્રહ્માંડ, એ બધાના કણે કણેમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે. તે આ બધાના નિયંતા છે, નિયામક છે. ઈશા વાસ્યમિદં સર્વમ્  દરેક વસ્તુમાં, જડચેતનમાં, આપણા રોમરોમમાં ઈશ્વરનો વાસ છે. તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી પણ તે આપણી પ્રાણશક્તિ છે. સતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી પ્રાણશક્તિ છે. સૂતાં, જાગતાં, દરેક સમયે તે આપણી સાથે છે, આપણી અંદર, બહાર અને ચારેબાજુ પણ રહે છે. જેમ રબરના ફુગ્ગામાં હવા ભરેલી હોય છે, ફુગ્ગાની અંદર હવા છે, બહાર પણ છે અને ચારે બાજુ પણ છે, પણ તે આપણને દેખાતી નથી. જેમ દુધના પ્રત્યેક ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે તે રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે. સંસારના ખૂણેખૂણે, બધા જીવજંતુઓમાં, પશુ-પક્ષીઓમાં બધાં પ્રાણીઓના રોમેરોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે. તેને માટે નાત-જાત, પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણનો કોઈ ઝગડો નથી. બધા તેઓને માટે એકસરખા છે.

આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે, જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા જુદા જુદા નામે ઓળખાવે છે. બધા માનવીના પરમ પિતા પરમેશ્વર એક છે. તે ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ, યમ, બધું જ છે. તેને રામ કહો કે કૃષ્ણ, દુર્ગા કહો કે કાળી, શિવ કહો કે શંકર, અલ્લાહ કહો કે ગોડ નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે. તે ગુણોને આપણા જીવનમાં ઉતારવા, તે પ્રમાણે આચરણ કરવું જીવનમાં વ્યવહાર કરવાની વાતને જ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે. આ રીતે ઉપાસના કરવાથી વારંવાર અભ્યાસથી તે ગુણ મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમેક્રમે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરતાં દેવત્વની તરફ આગળ વધે છે.

પરમાત્માનાં અલગ અલગ નામોને લીધે ઝગડો કરવો એ સૌથી મોટી મૂર્ખતા છે. એકં સદવિપ્રા બહુધા વદંતિ. એક જ પરમેશ્વરને વિદ્ધાન લોકો જુદા જુદા નામે બોલાવે છે. તેઓનું કોઈપણ નામ લો, પણ તેઓને પોતાના કર્મ અને સ્વભાવનું એક અવિભકત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો.

આજકાલ મોટા ભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી, તેઓને પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી, પણ તેઓના નામ ઉપર એ પ્રકારે લડવા અને મરવા તૈયાર રહે છે, જાણે કે તેઓ ઉપર ફકત તેમનો જ અધિકાર છે. તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ તેઓની સત્તા છે. બહાર ગમે  તેટલું પાપકર્મ કરો તો ભગવાન તે જોતા નથી. તેઓ સર્વવ્યાપક રૂપને તો જાણે કે ભુલાઈ જ દેવામાં આવ્યું છે. તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે, દરેક ઘડીએ તેઓ આપણી સાથે છે, સંસારના ખૂણેખૂણે તેઓની સાર્વભૌમ સત્તા છે, આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.

પ્રભુના નામ અને તેઓના ગુણોનું ચિંતન કરતા રહો.  

વેદોનો દિવ્ય સંદેશ

January 6, 2009 KANTILAL KARSHALA 1 comment

 

વેદોનો દિવ્ય સંદેશ

 

પરમપૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ ઋગ્વેદ, યજુવેદ, સામવેદ, અથર્વવેદ આ ચારેય વેદોમાંથી ખાસ પસંદ કરેલા મંત્રોનો 185 જેટલા મંત્રોની વ્યાખ્યાઓ જુદા જુદા પાંચ ખંડમાં સમાવેશ કર્યો છે,

ખંડ 1  :  બ્રાહ્મણત્વ,

કોઈ પણ કુળ અથવા જાતિમાં માત્ર જન્મ લેવાથી જ કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી. ગુણ, કર્મ, અને સ્વભાવની શ્રેષ્ઠતા તથા લોકકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પણ જ તેને બ્રાહ્મણ બનાવે છે. આ ભાગમાં એવા મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે મંત્રો ઈશ્વરના અસ્તિત્વ, તેની ઉપાસના તથા બ્રાહ્મણોની ફરજો વિશેની જાણકારી આપે છે.

ખંડ 2  :  આત્મબળ,

જીવનલક્ષ્યની પ્રાપ્તિ માટે મનુષ્યને સતત સંઘર્ષ કરવો પડે છે. જગતમાં વ્યાપેલા કુરિવાજો, દુષ્પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારનો સામનો કરી સત્ પ્રવૃત્તિઓ તથા ઈમાનદારીને જીવનમા ધારણ કરવા માટે પ્રબળ આત્મશક્તિની જરૂર પડે છે. આ લક્ષ્ય સિદ્ધિ કરાવનાર મંત્રોની વ્યાખ્યા આ બીજા ખંડમાં સમજાવવામાં આવી છે.

ખંડ 3  :  ચારિત્ર્ય નિર્માણ,

આત્માની પ્રગતિ માટે શ્રેષ્ઠ ચારિત્ર્યની સૌથી પહેલી જરૂરીયાત છે. જીવનમાં સદ્દગુણોનું મહત્વ બતાવનાર મંત્રોનું સરળ વિવેચન આ ત્રીજા ખંડમા સમાયેલું છે.

ખંડ 4  :  દુષ્પ્રવૃત્તિ નિવારણ

દુષ્પ્રવૃત્તિઓ અને દુર્વ્યસનો આનંદ ઉલ્લાસથી ભરેલા મનુષ્ય જીવનને નરક જેવું બનાવી દે છે. તેનાથી છુટકારો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની પ્રેરણા અને માર્ગદર્શન આ ખંડમા આપવામા આવ્યું છે.

ખંડ 5  :  પરિવાર અને સ્વાસ્થ્ય,

ગૃહસ્થાશ્રમ એ સમગ્ર સમાજ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તેની શ્રેષ્ઠતાને આધારે જ સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરેલું સ્વર્ગીય વાતાવરણ પેદા થાય છે. આ ભાગમાં સુખી પરિવાર, સુદ્રઢ અને સંસ્કારવાન નારી તથા સ્વાસ્થ્યના મહત્વને સમજાવનાર મંત્રોની પ્રેરણા આપવામાં આવી છે, જે આપણા જીવનને તેજસ્વી તથા કીર્તિમાન બનાવશે.

 

વેદોનો દિવ્ય સંદેશ

 

 

વેદોનો દિવ્ય સંદેશ

 

વેદો પરમ પિતા પરમેશ્વરની અમર વાણી છે. જગતના બધા જ વિવેચકોએ એ બાબતનો સ્વીકાર કર્યો છે કે વેદો સૌથી પ્રાચીન ગ્રંથ છે તથા તે સમગ્ર વિશ્વ-સાહિત્યના મુગુટમણિ છે. વેદોમાં જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર ભરેલો છે. તેના પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક અક્ષરમાથી અમૃતરસની ધારા વહે છે. સંસારની બધી જ મૂળભૂત વિધાઓનો ઉદ્દભવ વેદોમાંથી જ થયો છે.

       આવા અમૂલ્ય ગ્રંથનું આપણે ખૂબ જ સ્નેહપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક વાંચન કરવું જોઈએ. તેના ઉપર ચિંતન અને મનન કરીને આપણે આપણી ફરજોને પૂરી કરવાનો નિશ્ચય કરવો જોઈએ. વેદો દ્વારા આપણને સાંસારિક અને આધ્યાત્મિક બંને પ્રકારનું ઉચ્ચ કોટિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વેદોનું અધ્યયન આપણને પાપોથી બચાવી લે છે. આપણા જીવનમાં આશા અને આનંદ પ્રગટાવે છે. જીવનને શાંત, પવિત્ર, અને વિકાર રહિત બનાવે છે. આપણને ખોટા રસ્તેથી પાછા વાળીને સાચા રસ્તે લઈ જાય છે અને જયારે આપણે ભટકી જઈએ છીએ ત્યારે તે આપણને સાવધાન અને જાગૃત પણ કરી દે છે.

       વેદમંત્રોના અર્થોનું જેટલું ચિંતન કરવામાં આવશે, તેટલું તે આપણા સમગ્ર જીવનને વધારેને વધારે ચમકીલું બનાવશે. પ્રત્યેક મંત્ર મનુષ્યના જીવનનાં બધાં જ પાસાંને ઉજ્જવળ બનાવવાનો માર્ગ  મોકળો કરી આપવામાં સમર્થ છે.

       પરમપૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ ચારેય વેદોમાંથી ખાસ પસંદ કરેલા મંત્રોનો 185 જેટલા મંત્રોની વ્યાખ્યાઓ જુદા જુદા પાંચ ખંડમાં સમાવેશ કર્યો છે, આ મંત્રોની વ્યાખ્યાનો અને સંદેશ ગાયત્રી જ્ઞાન મંદીર જેતપુરના બ્લોગમાં મુકવામાં આવી રહ્યા છે,

ખંડ 1  :  બ્રાહ્મણત્વ,

ખંડ 2  :  આત્મબળ,

ખંડ 3  :  ચારિત્ર્ય નિર્માણ,

ખંડ 4  :  દુષ્પ્રવૃત્તિ નિવારણ

ખંડ 5  :  પરિવાર અને સ્વાસ્થ્ય,

સામાન્યમાં સામાન્ય માણસ પણ આ મંત્રોમાંથી પ્રેરણા મેળવી શકે તે ઉદ્દેશથી પ્રત્યેક મંત્રનો ભાવાર્થ આપ્યા પછી તેના સંદેશને ખૂબ જ સરળ ભાષામાં રજુ કર્યો છે. વળી તે જ્ઞાનવર્ધક પણ છે. પરંતુ તેનો એટલો સંદેશ જ એ મંત્રની સીમા નથી. ઊંડું ચિંતન અને મનન કરવાથી અનેક પ્રકારના સંદેશ અને પ્રેરણાઓ તે જ મંત્ર દ્વારા આપણને મળી શકશે.